Charchapatra

શું આ ચોરોને સરકાર લાયસન્સ આપે છે?

 ‘‘ડ્રીમ ઈલેવન’’, ‘‘ આ રમતમાં આદત પડવી કે આર્થિક જોખમ સંભવ છે, કૃપયા જવાબદારીથી રમો’’ ટી.વી. પર સિગારેટ પીવાના દૃશ્ય દરમિયાન, ‘‘ધૂમ્રપાન કરવાથી ફેફસાનું કેન્સર થઈ શકે છે.’’ ‘‘બોલો જુબા કેસરી’’, ગુટખા ખાવી તંદુરસ્તી માટે હાનિકારક છે, ‘‘RBI કહે છે, જાણકાર બનો અને જાગૃત રહો’’. મોબાઈલમાં ‘‘રમી’’ રમો અને કેશ જીતો કે ઓનલાઈન સ્ત્રી મિત્ર બનાવો અને તમારી એકલતા દૂર કરો. ‘‘મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બઝારનાં જોખમને આધીન છે, કૃપયા રોકાણ કરતાં પહેલાં બધા દસ્તાવેજો ધ્યાનથી વાંચો.’’

‘‘બીટકોઈન’’માં રોકાણ કરો કરોડપતિ બનો. ઉપરોક્ત જેટલી જાહેરખબરો ટી.વી. પર આવે છે એટલી જ મોબાઈલમાં પણ આવે છે, નાનાથી લઈને મોટી ઉંમરનાં લોકો આ જાહેરાતોની માયાજાળનો શિકાર બને છે, ત્યાર બાદ કોઈ આત્મહત્યા કરવા તો કોઈ બ્લેકમેઈલ થવા મજબૂર થાય છે, તો કોઈના લાખો રૂપિયા ફસાઈ જાય છે, ખાદી અને ખાખીના આશીર્વાદથી દરેક ગેરકાનૂની કામને રમત, મનોરંજન અને ફાયદાનો ઉદ્દેશ પ્રજાને સમજાવી દેવામાં આવે છે, દરેક બાબતોમાં ‘‘શરતો લાગુ.’’ લખીને પ્રજાને મૂર્ખ બનાવે છે!

જવાબદારી, જોખમ, જાગૃકતા, જીવ અને જાવક બધું પ્રજાનું..! પરંતુ આવક અને પ્રસિદ્ધિ, પૈસાના ભૂખ્યા અમિતાભ, અક્ષય, સલમાન, અજય, ક્રિકેટરો અને મોદી સરકારની..! શું સરકાર કોઈ આમ પ્રજાને ઘર પર સાવચેતીરૂપ નિયમો લખીને, કોઈ પણ ગોરખધંધા કરવાની મંજૂરી આપશે? જે અદૃશ્ય ક્રિપટો કરન્સી ‘‘બીટકોઈન’’ને મોદી સરકાર ગેરકાયદેસર ભારતમાં ગણાવે છે. તેના કાયદેસર વ્યવહાર ભારતમાં કેવી રીતે થાય છે? સાયબર અને ડિજિટલ વ્યવહારમાં છેતરપિંડીનો ભોગ બનેલાં 90 ટકાથી વધુ લોકોનાં કેસોનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી, તો શું જોઈને પેલો કરોડપતિ ડોગલો મફતમાં RBIની દલાલી કરતો હશે?

શું કદી ભૂલથી અન્ય મોબાઈલ ફોન નંબર પર રિચાર્જ થઈ જાય તો એ પૈસા ફરી આવ્યા છે કોઈના? મ્યુચ્યુઅલ ફંડમાં નફો થાય તો 100માંથી 20 ટકા તમારા અને નુકસાન થાય તો 80 ટકા તમારું, તમારે પૈસે તમને મૂર્ખ બનાવવાનો ધંધો એટલે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારનો જુગાર. ચાઈનાનો માલ વેચો કે ખરીદો તો દેશદ્રોહી…! તો ઈન્ડો-ચાઈના સરહદ પરથી માલ આયાતીની દલાલી લેનાર સરકાર કેવી રીતે દેશપ્રેમી? ટોલટેક્સમાં લૂંટ, ટ્રેનનાં એક ડબ્બામાં 200 ની જગ્યા 400 ટિકિટનું વેચાણ, સરકારી નોકરીમાં 50 જગ્યા માટે 200 રૂ ના 5 લાખ ફોર્મનું વેચાણ જેવા ગોરખધંધા બાબતમાં શું સુપ્રીમ કોર્ટના જ્જોની દખલગીરી કરવાની કોઈ જવાબદારી નથી?

અભિમાન સાથે કહેવું પડે કે દક્ષિણ ભારતનાં અભિનેતાઓ પાસે ઠંડા પીણા, સિગારેટ અને ગુટખાની જાહેરખબર માટે કરોડો રૂપિયાની ઓફર આવે છે, પણ તેઓ પોતાના સિધ્ધાંત અને નીતિનિયમો સાથે બાંધછોડ ન કરતાં સમાજના હિતમાં આવી જાહેરખબર લેવાની ચોખ્ખી ના પાડી દે છે, ત્યારે પૈસાના ભૂખ્યા ભારતીય ક્રિકેટરો, ભાજપ સંચાલિત રાજ્યો અને બોલિવૂડના કેટલાક અભિનેતાઓને નિમ્ન કક્ષાની મોદીની કેન્દ્ર સરકાર શું આમ પ્રજાને મૂર્ખ બનાવવાનું લાઈસન્સ આપે છે?
સુરત     – કિરણ સૂર્યવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top