વસ્તંભ અને લોહસ્તંભ બાજુમાં કેમ છે તે રહસ્યની વાત કરતા પહેલાં ખગોળશાસ્ત્રની વાત માંડીને કરવી પડશે. ઉત્તર ગોળાર્ધના ક્ષેત્રમાં અત્યારે ‘ઝીરો શેડો ડે’ ની મોસમ ચાલે છે. દસમી એપ્રિલથી આ દિવસો કન્યાકુમારીથી શરૂ થયા અને તે એક સપ્ટેમ્બર સુધી રહેશે. સૂરજ જેતે જગ્યાએ બિલકુલ માથા ઉપર આવે ત્યારે જેતે જગ્યાને ‘ઝીરો શેડો ડે’ કહેવાય છે. દસમી એપ્રિલે કન્યાકુમારીથી આ દિવસ શરૂ થઈને 21 મી જૂન સુધી કર્કવૃત્ત્ત ઉપર આવેલાં જુદાં જુદાં સ્થળોએ આ ઘટના બનશે. ત્યાંથી વળી પાછું કન્યાકુમારી તરફ બીજી વાર એ ઘટના બનતી જોવા મળશે.
પૃથ્વી ધ્રુવ તારાને કેન્દ્રમાં રાખીને તેનું પરિભ્રમણ કરે છે. તે સૂર્યની આજુબાજુ ગોળ ગોળ પણ ફરે છે તેથી આવી ઘટના બને છે. આમ થવાને કારણે સૂર્યના સીધા કિરણો ક્યારેક ઉત્તર ગોળાર્ધના ક્ષેત્રોમાં તો ક્યારેક દક્ષિણ ગોળાર્ધના ક્ષેત્રોમાં પડે છે. અત્યારે સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતાં હોવાને કારણે અહીં ગરમીની ઋતુ ચાલે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યનાં ત્રાંસા કિરણો પડતાં હોવાને કારણે ત્યાં શિયાળાની ઋતુ ચાલે છે. આ સમજને કારણે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે રોજ કોઈ પણ જગ્યાએ સુરજ બિલકુલ માથા ઉપર આવતો નથી. જે જગ્યાએ સુરજ માથા ઉપર આવ્યો હોય ત્યારે તે જગ્યાના 12 વાગ્યા હોય છે. તે વખતે એવું લાગે છે કે જાણે દરેક વસ્તુનો પડછાયો ગાયબ થઈ ગયો હોય.
જે વિસ્તાર વિષુવવૃત્ત્તની આજુબાજુ છે તે જગ્યાએ થતા બે વખતના ઝીરો શેડો ડે વચ્ચેનો સમયગાળો ખૂબ મોટો હોય છે. દાખલા તરીકે કન્યાકુમારીમાં પહેલી વખત ઝીરો શેડો ડે થાય તો તે જગ્યાએ બીજો છેડો બીજો ઝીરો શેડો ડેની ઘટના થતા પોણા ચાર મહિના જેટલો સમય લાગે. જ્યારે વિષુવવૃત્ત્તથી દૂર કર્કવૃત્ત્ત અને મકરવૃત્ત્તની નજીકના પ્રદેશોમાં બે ઝીરો ડેની ઘટના નજીકના દિવસોમાં બને છે. દાખલા તરીકે અમદાવાદમાં આ વર્ષે 10મી જૂને ઝીરો શેડો ડે બપોરે 12:38 મિનિટે થશે. ત્યાર પછી બીજો ઝીરો શેડો ડે થોડા જ દિવસોમાં એટલે કે બીજી જુલાઈએ 12:43 જોવા મળશે. આમ અમદાવાદમાં બે ઝીરો શેડો ડેની ઘટના વચ્ચે 23 દિવસનું અંતર છે, જ્યારે કન્યાકુમારીમાં બે ઝીરો શેડો ડેની ઘટના વચ્ચેનું અંતર 144 દિવસ જેટલું હોય છે. કન્યાકુમારીમાં પહેલો ઝીરો શેડો ડે 10 એપ્રિલના રોજ 12:22 ના સમયે થઈ ગયો. જ્યારે બીજો શેડો ડે બીજી સપ્ટેમ્બરના રોજ 12:20 વાગે થશે.
સમગ્ર દુનિયામાં ઝીરો શેડો ડે કયા દિવસે અને કયા સમયે થશે તે જાણવા માટે ZSD નામની એપ ડાઉનલોડ કરો. આ ઘટના દ્વારા ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકો છો. આ બધા ખગોળશાસ્ત્ર ને લગતા છે. ગુજરાતમાંના ઘણા વિસ્તારમાં થઈને કર્કવૃત્ત પસાર થાય છે. અમદાવાદથી મહેસાણા જાવ ત્યારે, હિંમતનગર જાવ ત્યારે કે કચ્છ જાવ ત્યારે રસ્તામાં કર્કવૃત્ત પસાર થાય છે એવા બોર્ડ મારેલા છે. આમ આ કર્કવૃત્તથી ઉપરના વિસ્તારમાં ઝીરો શેડો ડેની ઘટના બનતી નથી. દાખલા તરીકે મહેસાણા, જયપુર દિલ્હી જેવા વિસ્તારમમાં આ ઘટના બનતી નથી. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત્તથી નીચેના પ્રદેશોમાં પણ આ ઘટના બનતી નથી. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ.
આ વાત આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. ઘણી બધી વખત એનો પ્રેક્ટીકલ એક્સપિરિયન્સ પણ લઈ ચૂક્યા છીએ. આ વિષયને વધુ સારી રીતે સમજાવવા માટે અમે એક સાયન્સ ફિલ્મ પણ બનાવી છે જેનું નામ છે ‘ઝીરો શેડો ડે’. હિન્દીમાં તેનું નામ છે- ‘છાયા કી માયા’. એમાં ‘છાયા’ કે ‘માયા’ નામનું કોઈ પાત્ર હશે એમ સમજીને તે જોતા નહીં. જસ્ટ જોકિંગ. જો એ સાયન્સ ફિલ્મ જોવી હોય તો તેની લીંક અહીં મૂકું છું. આ ફિલ્મના નિર્માણ પહેલાં અમે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) માં જઈને ખાસ તાલીમ લીધેલી હતી. એટલું જ નહીં આ ફિલ્મમાં અમને P.R.L.નો સાથ પણ મળ્યો હતો. તેમાં P.R.L.ના સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર J.R. ત્રિવેદી, ડૉક્ટર R.L. દેશપાંડે અને ડાયરેક્ટર અનિલ ભારદ્વાજે અભિનય કર્યો છે. જેની લીંક છે:
તમે વિચારતા હશો કે શીર્ષક ધ્રુવસ્તંભ (કુતુબમિનાર) અને લોહસ્તંભનું છે અને વાત કરો છે ‘ઝીરો શેડો ડે’ની? કંઈક ગડબડ છે. એવી કંઈ ગડબડ નથી પણ એ વાત માંડીને કરવી પડે એવી હતી. પહેલા ફકરામાં જે ભૂગોળ અને ખગોળની વાત કરી છે તે આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો જાણતા હતા. ઉજ્જૈન એ જમાનામાં જ્ઞાન-વિજ્ઞાનની નગરી હતી. સાંદિપની ઋષિનો આશ્રમ પણ ત્યાં જ હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા પણ ત્યાં અભ્યાસ કરતા હતા.
એવી જ રીતે વિક્રમાદિત્યનું પણ ત્યાં શાસન ચાલતું હતું. સોળે કળાએ વિકસેલા તે રાજ્યમાં વિક્રમાદિત્યના દરબારમાં નવ રત્નો પણ હતા. જુદા જુદા વિષયોના તેઓ નિષ્ણાંત હતા. જો કે આ વ્યક્તિઓ એક જ શાસકના બધા સમકાલીન હતા તે સંશોધનનો વિષય છે, પરંતુ તેઓ ચંદ્રગુપ્તના સમયમાં વ્યાપકપણે અગ્રણી વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. એ નવરત્નોના નામ અને વિષય આ પ્રમાણે છે. 1. અમરસિંહા: એક સંસ્કૃત લેક્સિકોગ્રાફર અને કવિ. 2. ધનવંતરી: એક પ્રખ્યાત ચિકિત્સક, ઘણીવાર ‘આયુર્વેદનો પિતા’ માનવામાં આવે છે.
3. હેરિસેના: એક કવિ અને લેખક, પ્રાર્થના પ્રસાસ (પ્રયાગરાજના પીલર શિલાલેખ મુજબ) કંપોઝ કરવા માટે જાણીતા છે. 4. કાલિદાસ: એક પ્રખ્યાત કવિ અને નાટ્યકાર, જે શકુંતલા અને મેઘદૂત જેવી રચના માટે જાણીતા છે. 5. ઘટકરપરા: સંભવતઃ સંગીત અથવા ગણિતથી સંબંધિત. 6. શંકુ: એક આર્કિટેક્ટ અને ઇજનેર, જે મકાન અને માળખાગત સુવિધામાં તેમના યોગદાન માટે જાણીતા છે. 7. ક્ષાપપાકા: એક જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી. 8.વરહામિહિર : એક ખગોળશાસ્ત્રી, જ્યોતિષી અને ગણિતશાસ્ત્રી, જ્યોતિષવિદ્યા અને ગણિત પરના તેમના કાર્ય માટે પ્રખ્યાત. 9. વરારુસી: એક વ્યાકરણકાર, સંસ્કૃત વ્યાકરણ પરના તેમના કામ માટે જાણીતા છે.
પહેલા ફકરામાં મેં વાત કરી એમ પૃથ્વી પર સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત સુધી જ આવે છે. તેવી જ રીતે કર્કવૃત્તને સામે પર મકરવૃત્ત સુધી સૂર્ય માથા ઉપર આવે છે. કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીના વિસ્તારમાં આ ઘટના બે વખત થાય છે. વિષુવવૃત્ત ઉપર પણ. પરંતુ કર્કવૃત્ત અને મકરવૃત્ત પર આ ઘટના એક જ વખત થાય છે. વરાહમિહિરે એવું નક્કી કર્યું હતું કે જ્યારે ઉજ્જૈન પર સૂર્ય માથા ઉપર આવે ત્યારે તે જગ્યાનો એ ‘ઝીરો શેડો ડે’ ગણાય.
તે દિવસે ત્યાંના બપોરે 12:00 વાગે જો કોઈ સ્તંભ રોપવામાં આવેલો હોય કે જમીન ઉપર સીધી લાકડી ખોડી દેવામાં આવે તો તેનો પડછાયો પડતો નથી પરંતુ એ સમયે દિલ્હીમાં જો કોઈ સ્તંભ રોપેલો હોય તો પૃથ્વી ગોળાકાર હોવાને કારણે તે સ્તંભનો પડછાયો પડે. આમ જે દિવસે અને સમયે ઉજ્જૈનમાં ‘ઝીરો શેડો ડે’ હોય તે જ સમયે દિલ્હી ખાતે બનાવેલા સ્તંભનો પડછાયો માપવામાં આવે તો તે પડછાયાના ખૂણાની ગણતરી કરીને પૃથ્વીની પરિધિ અર્થાત સર્કમફરન્સ જાણી શકાય છે.
ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હી ખાતે ધ્રુવસ્તંભ(કુતુબમિનાર) આ પ્રયોગ કરવા માટે બનાવવામાં આવ્યો. ધ્રુવસ્તંભના દાદરા ચડતા જાવ તેમ અમુક ઊંચાઈએ કોઈ ચોક્કસ જગ્યાએ બખોલા આપેલા છે. ત્યાં ચોક્કસ દિવસે એમાંથી જોતા ચોક્કસ નક્ષત્રો જોઈ શકાય છે. ત્યાર બાદ ધ્રુવસ્તંભ વિષ્ણુસ્તંભ તરીકે પણ ઓળખાયો. કુતુબુદ્દીન ઐબકે તેના જેવો જ સ્તંભ બાજુમાં બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તેથી તેણે ધ્રુવસ્થંભની ઉપર બીજું બાંધકામ કરીને તેને કુતુબમિનાર નામ આપી દેવાયું.
મૂળ વાત હવે શરૂ થાય છે. જ્યારે જ્યારે આ જગ્યાની મુલાકાત લઉં ત્યારે ધ્રુવ સ્તંભની બાજુમાં જ લોહસ્તંભ જોવા જોઈને મનમાં પ્રશ્નો ઊભો થાય કે ધૃવસ્તંભની બાજુમાં જ લોહસ્તંભ કેમ મૂકવામાં આવ્યો છે? તેને બીજે ક્યાંય નહીં અને અહીં જ કેમ મૂકવામાં આવ્યો છે? લોહસ્તંભની ઉપર અંકિત કરેલી લિપિ ચંદ્રગુપ્તના સમયની છે. તેના ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે અક્ષરનો મતલબ પણ ચંદ્ર થાય છે.
vg]બબહવે તો લોહસ્તંભને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પહેલા તો ધ્રુવ સ્તંભમાં પણ છેક ઉપર સુધી જઈ શકાતું હતું. પરંતુ વર્ષો પહેલા ધક્કા-મુક્કીમાં 11 બાળકોનાં મૃત્યુ થયાં પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હું એ સમયથી તેનું બારીકાઈથી વારંવાર નિરીક્ષણ કરું છું. ઘણાં વર્ષો સુધી વિચારતાં વિચારતાં હમણાં એનો મને તાગ મળ્યો. લોહસ્તંભને ધ્રુવસ્તંભની બાજુમાં જ ક્યાંકથી લાવીને સ્થાપિત કેમ કરવામાં આવ્યો તેનો અંદાજ લગાવી શક્યો. આ લોહસ્તંભની સ્થાપના ઉજ્જૈન ખાતે કરેલી હશે. 21મી જૂન ના દિવસે ‘ઝીરો શેડો ડે’ ના પ્રયોગ વખતે ઉજ્જૈનમાં લોહસ્તંભ અને ઇન્દ્રપ્રસ્થમાં ધ્રુવસ્તંભ નો રેફરન્સ લેવામાં આવતો હશે.
‘ઝીરો શેડો ડે’નું રીડિંગ ઉજ્જૈન ખાતે નાના સ્તંભથી પણ સારી રીતે મળી જાય છે પરંતુ કર્કવૃત્તથી દૂર ઉત્તર તરફ એટલે કે ત્યારના ઈન્દ્રપ્રસ્થ અને આજના દિલ્હી ખાતે જેટલો સ્તંભ મોટો હોય તેટલું રીડીંગ સ્પષ્ટ મળે છે. એટલા માટે તે ખૂબ જ ઊંચો સ્તંભ બનાવવામાં આવ્યો. લોહસ્તંભ જેવા જ અન્ય ધાતુના સ્તંભ ઉજ્જૈનની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ તે નળાકાર નથી. દિલ્હીનો લોહસ્તંભ નળાકાર છે. તેથી આ વિચાર વધુ પુષ્ટ થાય છે. ઇતિહાસકારોએ આ દિશામાં વિચારીને અન્ય પુરાવાઓ પણ એકઠા કરવા જોઈએ.
એલેક્ઝાન્ડર ભારત જીતવા આવ્યો. પરંતુ એ પ્રયાસમાં સફળ થયો નહીં. તેથી તેમણે ભારતના રાજાઓને વિનંતી કરી હતી કે અમે ભારત વિશે ઘણું બધું સાંભળ્યું છે. અમારે તે જોવું છે. અમારા જુદા જુદા ક્ષેત્રના વિશેષજ્ઞો ભારતની સ્ટડી ટુર કરવા માંગે છે. જે વિનંતી સ્વીકારવામાં આવી. એલેક્ઝાન્ડરની એક ટીમમાં ખગોળશાસ્ત્રના જાણકારો પણ હતા. તેમણે ઉજ્જૈનના લોહસ્તંભ અને ઇન્દ્રપ્રસ્થ એટલે આજના દિલ્હીના ધ્રુવ સ્તંભથી પૃથ્વીની પરિધી કેવી રીતે માપવી એ જાણ્યું. તે માહિતીને આધારે તેમણે એલેક્ઝાન્ડરમાં પણ આ પ્રયોગ કર્યો.
તેની પાકે પાયે નોંધ હોવાથી પૃથ્વીની સૌથી પહેલા ફરીથી એમણે માપી એવું કહેવાય છે. તેમણે એ પણ જાણ્યું કે સમયની ગણતરી ભારતના લોકો વર્ષોથી જાણે છે. ઉજ્જૈનને એટલા માટે જ મહાકાળ (સમય)ની નગરી તરીકે ઓળખાય છે. દુનિયાનો શૂન્ય સમય અહીંથી શરૂ થતો હતો. એલેક્ઝાન્ડરે શૂન્ય સમયની રેખા ત્યાંથી શિફ્ટ કરીને એલેક્ઝાન્ડ્રિયા કરી નાખી. આવી જ રીતે ઘણા બધા વર્ષો પછી અંગ્રેજો ભારત પર રાજ કરવા આવ્યા. તેમણે પણ ઉજ્જૈનના મહાકાલની વિશેષતા જાણી. તેમણે પણ 0 સમય ઉજ્જૈનથી શિફ્ટ કરીને લંડન લઈ ગયા જેને આજે આપણે ગ્રીનવિચ મીન ટાઈમ તરીકે ઓળખીએ છીએ.
ધનંજય રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.