ઉપર મુજબના શબ્દો એક સમયે હાલના PM નરેન્દ્ર મોદીએ ઉચ્ચારેલા. હવે જુઓ, દેશમાં કેટલું ખવાઈ રહ્યું છે? તાજેતરમાં મધ્ય પ્રદેશના એક RTO કોન્સ્ટેબલની અધધધ ચોરી અકસ્માતે પકડાઇ. એક અવાવરુ જગ્યાએ પાર્ક કરેલી એક ગાડીની પોલીસે અચાનક તપાસ કરતાં બેનંબરી રૂપિયાનાં બંડલો અને સોના-ચાંદીની લગડીઓ મળી આવી. પોલીસે IT વિભાગને જાણ કરતાં પૂરી તપાસમાં આ ગાડી MP RTO ના એક રીટાયરમેન્ટ લેનાર ચોથી કક્ષાના કોન્સ્ટેબલની હોવાનું બહાર આવ્યું જેની ગાડીમાંથી 52 કિલો સોનું 50 કિલો ચાંદી અને 15 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. વધુ તપાસમાં અડધો ડઝન લકઝરી ગાડીઓ એની માલિકીની હોવાનું તથા ડઝનબંધ મકાનો એના પરિવાર પાસે હોવાનું જણાયું છે. વધુ તપાસ લાગત વિભાગો કરી રહ્યા છે.
યાદ રહે આ એક ચોથા વર્ગનો કોન્સ્ટેબલ છે જેણે ભ્રષ્ટાચારથી આ સંપત્તિ ભેગી કરી છે. એના ઉપરી અધિકારીઓ કેટલું ઉસેટી જતા હશે? વિચારી લેજો, 20 વર્ષ પહેલાં ગુજરાતના એક RTO ઇન્સ્પેકટરે પોતાના બંગલામાં સોનાના નળ લગાવ્યા હોવાની વાત સાંભળેલી. હવે વિચારો, આ દેશમાં લૂંટાલૂંટ કેવા જંગી પાયે ચાલતી હશે અને બધાને સરકારી નોકરીઓ કેમ જોઇએ છે? આખુંયે સરકારી તંત્ર સડીને ગંધાઇ ઊઠયું છે. સરકારી કર્મચારીઓ ચોરી ચોરીને અને લૂંટી લૂંટીને પ્રતિવર્ષ પાંચ લાખ કરોડ રૂપિયા ઘર ભેગા કરે છે. જેનો ઉપાય 56ની છાતીવાળા સાહેબ કરી શકયા નથી. તેઓ મિત્ર અદાણીને બચાવવામાં અને હિંદુ મુસલામનને લડાવી ખુરશી સાચવવામાં વ્યસ્ત છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના મહાનાયકની વિદાય
સૌમ્ય, વિદ્વાન, અર્થશાસ્ત્રી અને ઉદારીકરણ, વૈશ્વિકીકરણના મહાનાયક પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહે તા.26 નવેમ્બરના રોજ રાત્રે અંતિમ શ્વાસ લીધા અને પ્રભુને પ્યારા થઈ ગયા. જોગાનુજોગ જુઓ, એમનો જન્મ તા.26મી સપ્ટેમ્બર, 1932માં થયો હતો અને એ જ 26 તારીખે એમનું નિધન થયું. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનાં દરેક પગલાં લેતાં પહેલાં, એ ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતોનો ખ્યાલ રાખતા હતા. એ જાણતા હતા કે આપણો દેશ ગરીબ અને મધ્યમ વર્ગનો છે.
વૈશ્વિકીકરણમાં દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ક્યાંક અન્યાય તો નહીં થઈ જાય ને! આજે ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતોના દર્દને સાંભળનાર કોણ છે? જે છે તે સાંભળશે ખરા? એમના દશ વર્ષના વડા પ્રધાન તરીકેના શાસનમાં જો કોંગ્રેસની નેતાગીરીએ એમને સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરવા દીધું હોત, તો દેશના એકથી એક સુંદર કામો થાત અને એમનો શાસનકાળ સુવર્ણ અક્ષરે અંકિત થાત. પરંતુ અર્થકારણ ઉપર રાજકારણ હાવી થઈ ગયું હતું, એમ નથી લાગતું?
નવસારી – દોલતરાય ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે