Columns

સામ્યવાદી ચીન તિબેટની જેમ તાઇવાનને પણ ગળી જવા માગે છે?

સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો બૌદ્ધ ધર્મમાં માનતા હોવાથી તેમણે પોતાનું કોઈ સૈન્ય જ ઊભું કર્યું નહોતું. ચીનના લશ્કરે તિબેટનો કબજો લીધો એટલે તેના રાજા અને ધર્મગુરુને ભાગીને ભારતમાં શરણું લેવાની ફરજ પડી હતી. ૧૯૫૯ માં ભારતના ધર્મશાલામાં તેમણે તિબેટની દેશવટો ભોગવતી સરકારની સ્થાપના કરી હતી. આજની તારીખમાં પણ દલાઈ લામા ભારતમાં છે અને ચીન તિબેટના કબજા હેઠળ છે. દાયકાઓ અગાઉ ચીને જે રીતે તિબેટનો કબજો લીધો હતો તેવી રીતે  ચીન હવે તાઇવાનનો કબજો લેવા તલપાપડ બન્યું છે. અમેરિકામાં જો બાઇડનની સરકાર આવી તે પછી ચીને તાઇવાનનો કબજો લેવાનો જાણે નિર્ધાર કર્યો છે. તિબેટ અને તાઇવાન વચ્ચે ફરક એટલો છે કે તાઇવાન પાસે પોતાનું ત્રણ લાખનું લશ્કર છે. અમેરિકી લશ્કરના ટોચના અફસરો તાઇવાનના સૈન્યને તાલીમ આપી રહ્યા છે. તાઇવાન અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી પણ કરી રહ્યું છે. આ કારણે જ ચીન તાઈવાન પર કબજો જમાવવા આતુર બની ગયું છે.

ચીનનો દાવો છે કે તાઇવાન તેની પોતાની મિલકત છે, પણ તાઇવાનના ૨.૩૫ કરોડ લોકો ચીનની ચુંગાલમાંથી મુક્ત થવા તરસી રહ્યા છે. તાઇવાનનાં મહિલા પ્રમુખ ત્સાઇ લંગ વેંગ કહે છે કે તાઇવાન સ્વતંત્ર દેશ છે અને તેઓ કોઈ પણ સંયોગોમાં તેની સ્વતંત્રતાની રક્ષા કરશે. ચીને તાઇવાન પર લશ્કરી હુમલો નથી કર્યો પણ તેને ગભરાવવા માટે લડાયક વિમાનોને તાઇવાન તરફ મોકલવાનું ચાલુ કર્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ચીનના વાયુદળનાં વિમાનોએ ૧૫૦ વખત તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં અતિક્રમણ કર્યું છે. તેને કારણે તાઇવાનનું ટેન્શન વધી રહ્યું છે. ચીન તાઇવાન તેના પર હુમલો કરે તેની રાહ જોઈ રહ્યું છે. અમેરિકાનું લશ્કર તાઇવાનના લશ્કરને તાલીમ આપી રહ્યું છે તે ચીનથી સહન થાય તેમ નથી. આ વાત બહાર આવતાં અમેરિકામાં પણ ઉહાપોહ થયો છે.

તાઇવાન દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલો નાનકડો ટાપુ છે. તાઇવાન ઐતિહાસિક રીતે ચીન સાથે જોડાયેલું છે. તાઇવાનમાં વસવાટ કરતી ઓસ્ટ્રોએસિયન જનજાતિ દક્ષિણ ચીનમાંથી આવી હોવાનું મનાય છે. ઐતિહાસિક રેકોર્ડ મુજબ ૨૩૯ ની સાલમાં ચીનના સમ્રાટે તાઇવાનની મુલાકાત લેવા માણસોને મોકલ્યા હતા. આ રેકોર્ડના આધારે ચીન તાઇવાન પર દાવો કરે છે. ૧૬૨૪ થી ૧૬૬૧ દરમિયાન તાઇવાન પર ડચ લોકોનો કબજો હતો. ૧૬૮૩ થી ૧૮૯૫ વચ્ચે તાઇવાન પર ચીનના ક્વિંગ રાજવંશનું શાસન હતું. સત્તરમી સદીથી ચીનના શરણાર્થીઓ તાઇવાનમાં આવીને વસવા લાગ્યા હતા. તેઓ ચીનમાં ચાલતી ઉથલપાથલથી કંટાળીને તાઇવાનમાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના લોકો ચીનના ફુજિયન પ્રાંતના હોકલો ચાઇનીઝ લોકો હતા. ગુઆંગડોંગ પ્રાંતના હક્કા લોકો પણ તેમાં વસ્યા હતા. આ લોકોના વંશજો આજે તાઇવાનની વસતિનો મોટો ભાગ છે.

૧૮૯૫ માં ચીન અને જપાન વચ્ચે પહેલું સાઇનો-જપાનીઝ યુદ્ધ થયું. તેમાં જપાનનો વિજય થતાં ચીનના સમ્રાટે તાઇવાનનો કબજો જપાનને સોંપી દેવો પડ્યો હતો. તાઇવાન ૧૯૪૪ સુધી જપાનના કબજા હેઠળ રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જપાનનો પરાજય થતાં તેણે તાઇવાન પરનો કબજો છોડી દીધો હતો. ચીની સરકારે બ્રિટન અને અમેરિકા જેવાં મિત્ર રાષ્ટ્રોની સંમતિપૂર્વક તાઇવાન પર શાસન કરવાનું ચાલુ કર્યું હતું. ૧૯૪૯ માં ચીનમાં ક્રાંતિ થઈ હતી અને માઓ ઝેદાંગાનો સામ્યવાદી પક્ષ સત્તામાં આવ્યો હતો. ચીનના પરાજીત શાસક ચાંગ કાઈ શેક પોતાના સમર્થકો સાથે તાઇવાનમાં ભાગી ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. દાયકાઓ સુધી તેમના વંશવારસો તાઈવાનમાં સત્તામાં રહ્યા હતા. આ લોકો તાઇવાનની વસતિના માત્ર ૧૪ ટકા છે, પણ તેઓ રાજકીય રીતે વધુ સક્રિય હોવાથી દાયકાઓ સુધી તાઇપેઇમાં સત્તામાં રહ્યા હતા.

તાઇવાનમાં દાયકાઓ સુધી સરમુખત્યારશાહી સરકાર હતી. ચાંગ કાઈ શેકના પુત્ર ચાંગ ચિંગ કુઓ દ્વારા લોકશાહીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. લી તેંગ હુઇ નામના નેતાએ તાઇવાનને લોકશાહીની ભેટ આપી હતી. ૧૯૮૦ ના દાયકામાં ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધો સુધરવા લાગ્યા હતા. ચીને તાઇવાન માટે એક દેશ; બે સિસ્ટમનો સિદ્ધાંત વહેતો મૂક્યો હતો. તાઇવાને તે સ્વીકારી લીધો હતો. ૧૯૯૧ માં તો તાઈવાન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે તેના ચીન સાથેના સંઘર્ષનો અંત આવ્યો છે. ૨૦૦૦ માં તાઇવાનમાં પહેલી વખત લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સત્તા પર આવી હતી, જેના પ્રમુખ ચેન શુઇ બિયાન હતા. તેઓ સ્વતંત્રતાના ચાહક હતા.

ચેન શુઇ બિયાને તાઇવાનને સ્વતંત્ર કરવાની વાત કરવા માંડી ત્યારે ચીનના શાસકો સજાગ થઈ ગયા હતા. તાઇવાન ચીન માટે કમાઉ દીકરો હોવાથી તેઓ કોઈ સંયોગોમાં તેને ચીનથી અલગ થવા દેવા નહોતા માગતા. ૨૦૦૪ માં ચેન શુન બિયાન ફરીથી તાઇવાનના પ્રમુખ બન્યા ત્યારે ચીને તાઇવાન માટે છૂટા પડવા વિરોધી કાનૂન બનાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તાઇવાન ચીનથી અલગ થવાનો પ્રયાસ કરશે તો ચીન તાઇવાનને બિનશાંતિપૂર્ણ રીતે પણ પોતાની સાથે જોડી દેશે. ચેન પછી મા યિંગ જેવુ તાઇવાનના પ્રમુખ બન્યા હતા.

તેમણે આર્થિક કરારો કરીને ચીન સાથેના સંબંધો સુધારવાની કોશિશ કરી હતી. ૨૦૧૬ માં ત્સાઇ લંગ વેન તાઇવાનનાં પ્રમુખ બન્યાં હતાં. તેઓ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટણી જીત્યાં હતાં. તેમના પક્ષની નીતિ જ ચીનથી સ્વતંત્ર થવાની હતી. ૨૦૧૬ માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તે પછી ત્સાઇ લંગ વેને તેમની સાથે ફોન પર વાત કરી હતી. ૧૯૭૯ માં તાઇવાન અને અમેરિકા વચ્ચેના ઔપચારિક સંબંધોનો અંત આવ્યા પછી તાઇવાનના પ્રમુખે અમેરિકાના પ્રમુખ સાથે પહેલી વખત ફોન પર વાત કરી હતી.

અમેરિકા અને તાઇવાન વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો ન હોવા છતાં અમેરિકા દ્વારા તાઇવાનને મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચવામાં આવ્યાં છે. હવે અમેરિકા દ્વારા તાઇવાનના લશ્કરને તાલીમ આપવામાં આવી રહી હોવાની વાત બહાર આવતા ચીન છંછેડાઈ ગયું છે. ૧૯૫૦ ના દાયકામાં તિબેટમાં જેવી પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ હવે તાઈવાનમાં પેદા થઈ છે. ૨૦૧૮ માં ચીનને ગંધ આવી ગઇ હતી કે તાઇવાન તેનાથી અલગ થવા માગે છે; માટે તેણે ચીન સાથે ધંધો કરી રહેલી વિદેશી કંપનીઓનું નાક દબાવવાની કોશિશ કરી હતી.

ચીનનો આગ્રહ હતો કે દરેક વિદેશી કંપનીએ તેની વેબસાઇટ પર જાહેર કરવું જોઈએ કે તાઇવાન ચીનનો ભાગ છે. જો કોઈ કંપની તેમ કરવા તૈયાર ન હોય તો તેને બ્લોક કરી દેવામાં આવતી હતી. ત્સાઇ લંગ વેન ૨૦૨૦ માં ફરી વખત તાઇવાનના પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. ત્યારે હોંગકોંગમાં ચીનની વિરુદ્ધમાં દેખાવો ચાલી રહ્યા હતા. તાઇવાનની પ્રજા પણ તે જોઈ રહી હતી. હોંગકોંગની પ્રજાની જેમ તેને પણ ચીનની ધૂંસરીમાંથી મુક્ત થવાની ઝંખના પેદા થઈ છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિ સામે આ મોટો પડકાર છે. ચીનનો મુખ્ય વાંધો એ છે કે અમેરિકા તાઈવાનને ટેકો આપી રહ્યું છે. અધૂરામાં પૂરું અમેરિકાએ પોતાનો નૌકા કાફલો દક્ષિણ ચીની સમુદ્રમાં મોકલ્યો છે. ચીન તેનો વિરોધ કરી રહ્યું છે. ચીન તાત્કાલિક કોઈ લશ્કરી પગલું નહીં ભરે પણ તાઇવાન પરનો દાવો જતો કરવા તે તૈયાર નથી.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top