Charchapatra

ધર્મ બદલવાથી માનવીમાં રહેલી માનસિકતા બદલાય ખરી?

ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય માનવીને ચોક્કસ ઢાંચામાં જીવન જીવવાનું શીખવે છે. દેશમાં જેમ લોકો અંગ્રેજોની ગુલામી અને ત્રાસમાંથી મુક્ત થવા ભારતને આઝાદ કરવા માટેનું આંદોલન શરૂ થયું. તેમાં દરેક ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાયનાં લોકો કોઈ પણ જાતના ભેદભાવરહિત સામેલ થયા હતા કે હવે તો આઝાદી મળશે એટલે બધા કોઈ પણ જાતના ભેદભાવ વિના દેશમાં રહી શક્શે ને? જો કે ગરીબો, વંચિતોની શરૂઆતમાં સ્થિતિ તો જેવી આઝાદી પહેલાં હતી તેવી જ આઝાદી પછી પણ જોવા મળી.

જો કે તે સમયના રાજકીય નેતાઓએ ગરીબો, વંચિતોના પક્ષમાં રહ્યા તેમ છતાં આઝાદી પછી પણ આ વર્ગને અન્યાય થતો રહ્યો એટલે વંચિતોને ખ્રિસ્તી ધર્મ અપનાવવાની જરૂર પડી. ત્યાર બાદ dr. Babasaheb Ambedkar એ ૧૯૫૬ માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો એટલે વંચિતો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા, છતાં પણ તેઓની ઓળખ તો “વટલાયેલા”તરીકેની જ થતી હતી.તો પછી બધાને પ્રશ્ર્ન થવો જોઈએ કે આઝાદી આ માટે લીધી હતી? શું ધર્મ, સંપ્રદાય બદલવાથી માનવીમાં રહેલી માનસિકતા કેમ બદલાતી નથી?
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાહ રે ગુજરાત મોડલ વાહ
ગજબ મિજાજ થઈ ગયો છે ગુજરાત અને ગુજરાતીઓનો ખબર નથી પડતી કે હજુ કેટલી પડતી એ જાગશે ગુજરાતી.વિકાસ આવ્યો વિકાસ આવ્યો નકલી ઘી,નકલી માવો, નકલી દૂધ લાવ્યો. નકલી ટોલ નાકું,નકલી અધિકારી અને નકલી ઓફિસ લાવ્યો. ભ્રષ્ટાચાર જ્યાં વ્યવહાર બન્યો છે,સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા જેની ઓળખાણ બની છે, પરીક્ષામાં પેપર ફૂટવાની જ્યાં ફેશન ચાલી છે તોયે ગુજરાતી મસ્ત છે.છાસવારે કરુણાંતિકાની ઘટનાઓ સર્જાય, એક પણ નેતાના પેટનું પાણી પણ ન હલે તો પણ ખોબલે ખોબલે મત અપાય છે.

એક જ વરસાદમાં રોડ ધોવાય,ભૂવા પડે તો પણ આંખો ન ખૂલે.દારૂબંધીના લીરેલીરા ઊડે,મોંઘવારી આસમાન ચૂમે તો પણ કંઈ જ ન બોલાય.અરે, પ્રજાની વાત જવા દો, જે સત્તા પક્ષ છે તેના કાર્યકર ભૂલાય તેના નેતા ભૂલાય અને અન્ય પક્ષના આવીને મલાઇ ખાય તો પણ કંઈ ન બોલી શકાય.શું મળી ગયું છે આ વીસ વર્ષમાં? કે શેનો ડર છે? ઘણી વાર તો લાગે છે મળવાની વાત તો દૂર, જે હતું તે પણ ગુમાવ્યું છે તો પણ કોને કહેવાય? હંમેશ માટે સૂઈ જાવ એ પહેલાં જાગી જાવ તો સારું છે.થોડી ખુમારી,ખુદ્દારી પાછી મેળવી લો તો સારી છે.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top