Charchapatra

શું સેલિબ્રિટીને વિશેષ હકાધિકાર હોય?

તાજેતરમાં સંસદમાં એક ખ્યાતનામ અભિનેત્રીએ એમના નામ બાબત વિરોધ નોંધાવ્યો.સ્વીકારના ઉદબોધન સામે એમને વાંધો પડયો! એમનું નામ ફકત એમના પતિના નામ સાથે બોલાયું અને એમનો પ્રકોપ છટકયો! કોઈ પણ વ્યકિત સેલિબ્રિટી હોય એટલે એમને કોઈ વિશેષ હક પ્રાપ્ત નથી થઇ જતાં! પતિ સ્વાભાવે નમ્ર, વિવેકી અને પ્રત્યેક વ્યકિતનું માન-સ્વમાન જાળવનાર વ્યકિત અને પત્ની વારંવાર સંસદ ગજાવે! પત્રકાર સમક્ષ ‘‘માફી મંગાવા’’ નું પણ નિવેદન કર્યું! સ્વયં કલાકાર છે એમને સૌના ટોન અને ચહેરાના હાવભાવ વાંચતાં આવડે છે. એવું નિવેદન પણ કર્યું તો શું એમના તોછડા વર્તનને કોઇ નહીં સમજતું હશે? કેટલીય વાર પત્રકારોનાં અપમાન કરવા તોછડી વર્તણૂક એમને શોભે છે? વ્યકિતના વ્યકિતત્વનું માપ એનાં વાણી, વર્તન પરથી અવશ્ય નીકળી શકે.થોડા સમય પહેલાં એક રાજકીય પક્ષને શાપ આપતાં જાહેરમાં જણાયાં હતાં! આ તમામ બાબતે એમના પતિ અજાણ હશે? એ પણ એક પ્રશ્ર્ન છે. પત્નીનું વર્તન અયોગ્ય હોય અને તે પણ જાહેરમાં તો ટકોર તો ચોક્કસ કરી શકાય અને નમ્રતા અને વિવેકપૂર્ણ વ્યવહાર માટે સમજાવી શકાય.(નહીં માને એ વાત જુદી છે)‘‘હું કંઇક છું’’ નો અહમ સર્વત્ર ન ચાલે.

સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શરમજનક બાબત ! આત્મહત્યામાં દેશ નં. 1
વિશ્વગુરુના બિરુદ ખાતર કાગળિયા ઉપર વિકાસની બેહદ રેસકોર્સ સમ ઘોડદોડ અને દેશભરના સાંકડા માંકડા નગર – શહેરોને પણ મેટ્રો રેલના  અને વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમના આધુનિક સુવિધાઓવાળા બુલેટ ટ્રેનના રંગીન દિવા સ્વપ્નો ખાતર સરહદની અંદરોઅંદર થઈ ચૂકેલ – રહેલ અસંખ્ય કથિત ઘૃણાસ્પદ બનાવોના બેહદ ઢાંકપિછોડા વચ્ચે દેશભરનાં અખબારોમાં પ્રસિધ્ધ થઈ રહેલ રોજબરોજના આત્મહત્યાના અવિરત પ્રવાહ પર દરરોજ ધ્યાનપૂર્વક નજર કરીએ છીએ ત્યારે  માઝા મૂકતી મોંઘવારી, ભ્રષ્ટાચાર, સરકારી તંત્રના ગેરવહીવટ , બેરોજગાર થઈ રહેલી અસંખ્ય યુવા શકિત વિગેરેને પણ પાછળ મૂકીને અત્યારના સમયની જો કોઈ સંવેદનશીલ જાહેર આઘાતની વાત કરીએ તો  એવો આક્ષેપ પણ અંકિત થઈ રહેલ છે કે, દુનિયાભરમાં આજની તારીખે જો કોઈ દેશ આત્મહત્યાના મામલે સૌથી પહેલા ક્રમાનુસાર આપણો કહેવાતો વિકસિત ભારત દેશ આજે સૌથી ખરાબ બાબતે એ..આત્મવિલોપનની બાબતે જાણે નંબર એક પર પહોંચી ચૂકેલ છે. જો કે, આવી નાલેશી છેલ્લાં કેટલાંક વર્ષની વાતો સંભળાય છે કે,આવો સિનારિયો 2014 પછી સ્પષ્ટ થઈ રહેલ છે. જેની જાણ  નોંધ સમગ્ર વિશ્વવિખ્યાત અખબારોએ પણ ખાનગી રાહે લીધાનો અણસાર દેશના સર્વોચ્ચ સુકાની સૂત્રધારોએ પણ સ્વીકૃત કર્યો હોઈ શકે, પરંતુ આશ્ચર્યજનક વાત એ પણ છે કે, આવા પ્રકારના સંવેદનશીલ જાહેર બનાવોને નજરઅંદાજ કરી માત્ર વૉટબેંકની સાથે ખુરશીની સાચવણી જ હવે એકદમ હાથવગુ હથિયાર?
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લાંબુ જીવવું હોય તો આશાવાદી બનો
આપણે હંમેશા આશાવાદી (Optimistic) રહેવું જોઈએ. જો કે ભાગદોડ ભર્યુ જીવન અને ભવિષ્યની ચિંતાઓ તેમજ કયારેક અનાવશ્યક ભારણ આપણને નિરાશાવાદી બનાવી દે છે. હાલમાં જ થયેલા અભ્યાસ મુજબ સાબિત થયું છે કે આશાવાદી લોકો નિરાશાવાદીઓની સરખામણીએ સરેરાશ 11 થી 15 ટકા વધુ જીવે છે. હાર્વર્ડ યુનિર્વસિટીની રીસર્ચ મુજબ સકારાત્મક દૃષ્ટિકોણ રાખનારા લોકો વધુ જીવ છે. એટલું જ નહિ પણ સાથે તેઓ ઘણી બિમારીઓથી પણ દૂર રહે છે. આશાવાદી લોકોમાં હાર્ટ એટેક, ફેફસાંની બિમારીઓ, મેટાબોલિક બીમારીઓ (ડાયાબિટીસ વગેરે) સમસ્યાઓનું જોખમ 35 ટકા સુધી ઘટી જાય છે. આશાવાદી લોકો પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખે છે. હેલ્ધી ડાયેટનું પાલન કરે છે. નિયમિત એકસરસાઈઝ કરે છે. વ્યસનથી દૂર રહે છે. હાર્વર્ડ યુનિર્વસિટીનાં અભ્યાસ મુજબ વિશ્વમાં 25 ટકા લોકો જન્મજાત આશાવાદી (Optimistic) હોય છે. આ અભ્યાસ મુજબ સામાજીક સંબંધો અને સકારાત્મક વિચારો તથા નિયમિત એકસરસાઈઝ કરવાથી જીવનને ઓપ્ટીમિસ્ટિક બનાવી શકાય છે.
સુરત     – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top