વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી આરટીએસ અપીલના સ્ટેટ્સ અંગેનો ચિતાર મેળવી બાકી 70 કેસોનો નિકાલ કરવા સૂચન કર્યું હતું.અને આગામી રવિવારે મુલાકાત સમયે તમામ અરજદારોને હુકમ કરવા માટે આદેશ કર્યા હતા. રાજ્યમાં નવી સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે જ નવા મંત્રી મંડળની રચના કરવા આવી હતી.જે બાદ નવા મંત્રીઓ દ્વારા તેમના હસ્તકના વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
જેમાં રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી.જેને કારણે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદએ સરકારી કચેરીઓમાં રવિવારે રજાના દિવસે પણ જીલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવાનો હુકમ કર્યો હતો.તેઓએ જીલ્લા કલેકટર કચેરી અને પ્રાંત ઓફિસની મુલાકાત લઈને પડતર કેસો અંગે માહિતી મેળવી હતી.મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એસડીએમ કચેરીમાં આરટીએસ અપીલના કેટલા ઓર્ડર પેન્ડિંગ છે.
તે પૂછતાં કુલ 70 જેટલા ઓર્ડર હાલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું હતું.મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ તમામ આરટીએસ હુકમોનો બે દિવસમાં નિકાલ કરવાનો હુકમ કર્યો હતો.જોકે અધિકારીઓ એ 7 દિવસનો સમય માંગતા તેઓની માંગણી ગ્રાહ્ય રાખી સાત દિવસમાં તમામ 70 આરટીએસના કેસોના નિકાલ કરવાની સૂચના આપી હતી.મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની કોઈ પણ કચેરીમાં આજ રીતે ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.અધિકારીઓ ચાર્જમાં હોવાની વાત કરે છે પરંતુ તેઓ અધિકારી તો છે અને તેઓએ ઝડપી નિકાલ કરવાનો રહેશે.સાથે અધિકારીઓને વધારાનો ચાર્જ આપવામાં આવતો હોય છે તે અંગે સમગ્ર રાજ્યના જીલ્લા કલેકટરો સાથે બેઠક યોજી વિચાર વિમર્શ કરવામાં આવશે.એટલું જ નહીં મહેસુલ વિભાગના અન્ય પ્રશ્નોમાં પણ ત્વરિત નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.