જીવન અને મૃત્યુ ભગવાન-વિધાતાની દેન છે. તેને કોઈ બદલી શકતું નથી. હા, જ્યારે માણસ બીમાર પડે ત્યારે સારવાર માટે ડૉક્ટર પાસે જવું પડે છે. ડૉક્ટરનો વ્યવસાય સેવા અને સાધનાથી ભરેલો છે. તેઓ દર્દીને બચાવવા માટે પોતાનું સંપૂર્ણ જ્ઞાન, સમજ અને પ્રયત્નો લગાવે છે. ઘણી વખત ડૉક્ટરની મહેનતથી દર્દી બચી જાય છે અને તેને જાણે નવજીવન મળે છે. આવો જ એક ડૉક્ટરની કર્તવ્યનિષ્ઠાનો પ્રસંગ 1963માં આવેલી ફિલ્મ “દિલ એક મંદિર “માં જોવા મળે છે. આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સી. વી.શ્રીઘર હતા. ફિલ્મમાં રાજકુમાર,મીના કુમારી અને રાજેન્દ્ર કુમાર (ડૉ. ધર્મેશ) મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં મીનાકુમારી (સીતા) અને રાજકુમાર પતિ-પત્ની હોય છે. રાજકુમારને ગંભીર બીમારી થાય છે એટલે સીતા તેમને દવાખાને લઈ જાય છે. ત્યાં ડૉક્ટર ધર્મેશ તરીકે રાજેન્દ્રકુમાર સેવા આપતા હોય છે. એક સમય એવો હતો કે સીતા અને ડૉક્ટર ધર્મેશ વચ્ચે પ્રેમસંબંધ હતો. તેમ છતાં ડૉક્ટર પોતાના કર્તવ્યને સર્વોપરી માને છે. તેઓ દિવસ-રાત મહેનત કરીને દર્દીને બચાવવા પ્રયત્ન કરે છે. અંતે સતત મહેનત અને તણાવના કારણે ડૉક્ટરને હૃદયરોગનો હુમલો આવે છે અને તેમનું અવસાન થાય છે. આ કથામાંથી એ સંદેશ મળે છે કે ડૉક્ટર માટે દર્દીની સેવા સૌથી મોટી ફરજ છે. પોતાના વ્યક્તિગત લાગણીઓને બાજુએ રાખીને પણ તેઓ માનવતાના અભિગમ સાથે સારવાર કરે છે. આજના સમયમાં પણ ચિકિત્સા ક્ષેત્રમાં કાર્યરત ડૉક્ટરોએ વૈજ્ઞાનિક સારવાર સાથે માનવીય સંવેદના અને કરુણાભાવ રાખીને પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.