SURAT

સુરતના મહિલા RFO સોનલ સોલંકીના માથામાંથી તબીબોએ ગોળી કાઢી, સ્થિતિ નાજુક

સુરતના અડાજણ વન વિભાગની ઓફિસમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકીની કારનું ગઈકાલે તા. 6 નવેમ્બરે કામરેજ-જોખા રોડ પર અકસ્માત થયું હતું. માથામાં ગોળી વાગેલી અવસ્થામાં સોનલ સોલંકી મળ્યા હતા. પોતે પાંચ વર્ષીય પુત્ર સાથે કામરેજના જોખા ગામથી કારમાં અડાજણ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ઘટના બની હતી. સોનલ સોલંકીના કાનના નીચેના ભાગે ગોળી વાગી હતી, જે માથાના ડાબી બાજુના ભાગે અટકી ગઈ હતી. પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર કરી ગોળી કાઢી નંખાઈ છે. મહિલા અધિકારીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે એવી માહિતી જાણવા મળી છે કે સોનલબેન સોલંકીના પતિ આરટીઓ ઈન્સ્પેક્ટર છે. બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડો છે. આ ઘટના બાદ પતિ ગાયબ થઈ ગયો હોવાથી સમગ્ર પ્રકરણ શંકાસ્પદ બન્યું છે. પતિ સામે શંકાની સોય તકાઈ છે. ઘટનાનો સાક્ષી દીકરો આઘાતમાં છે. તેથી પોલીસે તેની પૂછપરછ કરી નથી.

દરમિયાન તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે ત્રણ દિવસ પહેલાં પોતાની કારમાંથી જીપીએસ ટ્રેકર મળતા સોનલ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. પતિ નિકુંજ શંકાના દાયરામાં હતો. પોલીસે ઘટના બાદથી ગાયબ પતિ નિકુંજનો ફોન ટ્રેસ પર મુકી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.

શું બની હતી ઘટના?
કામરેજના જોખા ગામે સોનલ અરવિંદભાઈ સોલંકી (ઉં.વ.33) માતાપિતા તેમજ ચાર વર્ષના પુત્ર શિવાંશ સાથે પિયરમાં રહે છે અને સુરત વન વિભાગમાં અડાજણ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે. ગુરુવારે સવારે આશરે 8.30 કલાકે પોતાના ઘરેથી હોન્ડા અમેઝ નંબર વિનાની કાર લઈ ચાર વર્ષના પુત્ર શિવાંશને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી સ્કૂલ કિડઝીમાં મૂકવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. ત્યારે જોખા-વાવ રોડ પર વાવ ગામની હદમાં હરીશ પટેલના બ્લોક નં.253 વાળા ખેતરની બાજુમાં ઝાડ સાથે હોન્ડા અમેઝ કાર અથડાઈ હતી.

સોનલબેનને ઈજા થઈ હોવાની વાત પરિવારને થતાં તુરંત જ ઘટના સ્થળે દોડી આવી સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે સુરતના વરાછાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે સારવાર શરૂ કરતાં મહિલા ફોરેસ્ટરના માથાના ભાગે ગોળી વાગી હોવાનું બહાર આવ્યું હતું. ગુનાની ગંભીરતા દાખવી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.

ઘટના સ્થળની સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પણ મુલાકાત કરી હતી. હાલમાં ફોરેસ્ટર સોનલબેન બેભાન અવસ્થામાં છે. પોલીસે હાલ એફ.એસ.એલ.ની મદદ લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં માથામાંથી નીકળેલી ગોળી પણ કબજે કરી છે.

કારમાંથી ગોળી વાગી હોવાના નિશાન મળ્યાં નથી
જોખા-વાવ રોડ પર જોખા ગામમાં રહેતી મહિલા ફોરેસ્ટરની કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારમાં લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા. સાથે સાથે પોલીસની નેમ પ્લેટ અને ખાખી પીકેપ પણ મળી આવી હતી. કારમાંથી ગોળી વાગી હોવાના નિશાન કોઈપણ જગ્યાએ પ્રાથમિક તપાસમાં મળી આવ્યાં નથી.

ઘટના પહેલાં વકીલ સાથે વાત કરી હતી
આ ઘટના બની એ પહેલાં 8.15 કલાકની આસપાસ સોનલબેન સોલંકીના વકીલ વત્સલ શર્મા સાથે આર.ટી.આઈ. બાબતે વાતચીત પણ કરી હતી.

Most Popular

To Top