બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ છું જેઓ વિચારતા હતા કે આજે ડોક્ટરો અને સરકાર વચ્ચે વાતચીત થશે અને આ આંદોલનનો ઉકેલ મળી જશે. જો લોકો ઈચ્છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. હું પણ આરજી કર મેડિકલ કોલેજના રેપ-મર્ડર કેસમાં ન્યાય ઈચ્છું છું.
કોલકાતા બળાત્કાર કેસને લઈને પશ્ચિમ બંગાળમાં હડતાળ પર રહેલા ડોક્ટરોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે આંદોલનકારી ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા હતા. આંદોલનકારી ડોક્ટરો સાથે વાત કરવા માટે મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ 2 કલાકથી વધુ સમય સુધી રાહ જોઈ હતી પરંતુ ડોક્ટર વાત કરવા આવ્યા ન હતા. આ પછી મમતા બેનર્જીએ કહ્યું કે હું હાથ જોડીને બંગાળની જનતાની માફી માંગુ છું કે અમે ડોક્ટરોને કામ પર પાછા લાવી શક્યા નથી.
તેમણે કહ્યું કે મેં વિરોધ કરી રહેલા ડોક્ટરોની બે કલાક સુધી રાહ જોઈ પરંતુ તેઓ વાત કરવા તૈયાર ન હતા. જુનિયર ડોકટરોએ તેમનું કામ બંધ કરી દીધું હોવાને કારણે અત્યાર સુધીમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 7 લાખથી વધુ દર્દીઓની હાલત કથળી રહી છે. આમ છતાં હું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરું, વડીલ હોવાના નાતે મેં તેમને માફ કરી દીધા છે.
મમતાએ એમ પણ કહ્યું કે આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર-હત્યાનો કેસ કોર્ટમાં છે. આવી સ્થિતિમાં અમે આ મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગને મંજૂરી આપી શકીએ નહીં. અમે આ મીટિંગનું વિડિયો રેકોર્ડિંગ કરવાની તૈયારી કરી હતી, જો ડોકટરો ઇચ્છતા હોત તો અમે સુપ્રીમ કોર્ટની પરવાનગી લઈને તેમની સાથે આ રેકોર્ડિંગ શેર કર્યું હોત.
વાસ્તવમાં બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોકટરોને મમતા સરકારે બેઠક માટે બોલાવ્યા હતા. પરંતુ આજે પણ તબીબોએ સરકાર સાથે વાત કરી ન હતી. ડોકટરો મીટીંગના લાઈવ ટેલિકાસ્ટની શરતે અડગ રહ્યા, જ્યારે સરકાર તેની સાથે સંમત ન હતી.
સરકારે જુનિયર ડોક્ટરોને 5 વાગ્યે મિટિંગ માટે બોલાવ્યા હતા
મુખ્ય સચિવ મનોજ પંતે સાંજે 5 વાગ્યે ડોક્ટરોને બેઠક માટે બોલાવ્યા હતા. 5:25 વાગ્યે ડોક્ટરો આ મીટિંગમાં પહોંચ્યા હતા. તેમના પ્રતિનિધિમંડળમાં 15ને બદલે 30 સભ્યો હાજર હતા. આ પછી રાજ્યના મુખ્ય સચિવ ડીજી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ડોક્ટરોને લાઇવ સ્ટ્રીમિંગનો આગ્રહ ન રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.