રાજપીપળા: રાજપીપળા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં પિતા દ્વારા તરછોડાયેલ અને માતા અસ્થિર મગજની માતાનો એક બાળક અંકિત વસાવા એકલોઅટુલો ફરતો હતો. જો કે, નજીકમાં રહેતી એક સજ્જન મહિલા એને સમયપર જમવાનું આપતી હતી. એને રહેવા માટે કોઈ જ ઠેકાણું ન હતું. આ બાળક રાજપીપળા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ સંસ્થાના નજરમાં આવ્યો હતો.
- રાજપીપળા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં બાળક રખડતી હાલતમાં મળ્યો હતો
- કાઉન્સેલિંગ બાદ બાળકને રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું એની ટ્રેનિંગ અપાઈ હતી
- સંસ્થા દ્વારા બાળકની પ્રી મેટ્રિક સ્કોલરશીપ શરૂ કરાવાઈ, ને ત્રીજું ધોરણ પાસ થઈ ગયો
સંસ્થાને પ્રથમ દૃષ્ટિએ તો એ બાળક બિલકુલ અસ્થિર મગજનું લાગ્યું હતું. જેથી સિવિલ હોસ્પિટલના સાયકટ્રીક પાસે અંકિતનો આઈ.ક્યુ. ટેસ્ટ કરાવ્યો, ત્યારે તબીબે જણાવ્યું કે, બાળક સ્લો લર્નર ડીસેબિલિટીનો શિકાર બન્યો છે. એનો મતલબ કે બાળક ભણતર અને ગણતર, સામાજિક જીવન જીવવા માટે માહિર થવામાં ઘણો સમય લઈ લેશે. જો કે, સંસ્થાએ અને એમના સ્ટાફે હિંમત ન હારી બાળકનું આધારકાર્ડ, બેંક ખાતું ખોલાવ્યું અને ધો-1માં પ્રવેશ અપાવ્યો. બાળકની પ્રી મેટ્રિક સ્કોલરશીપ પણ શરૂ કરાવવામાં આવી હતી. થોડો સમય તેને સંસ્થા દ્વારા એનું કાઉન્સેલિંગ કરાયું. નજીકની પ્રયોગ શાળામાં પ્રવેશ અપાવી નિયમિત રીતે ગણિત, વિજ્ઞાન સહિત અન્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તદઉપરાંત સંસ્થાના સ્ટાફ ધુમિલ દોશી લોપા વ્યાસ દ્વારા અંકિતની નિયમિત સારસંભાળ રાખવામાં આવતી અને રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું એની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
અભ્યાસ બાબતે શાળામાં અંકિતને વિશેષ શિક્ષણ આપીને તેને તૈયાર કરવામાં આવી રહ્યો હતો. હાલ અંકિતને સંસ્થામાં 2 વર્ષ પૂર્ણ થયાં અને ધોરણ-3માં વર્ગમાં પ્રથમ નંબર આવ્યો, સ્કૂલની નોટિસ બોર્ડ પર નામ લખ્યું ત્યારે સંસ્થાના તમામ સ્ટાફની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એક સમયે ડોક્ટરે તો એમ કહી દીધું હતું કે, આ બાળકને ભણાવવો લગભગ અશક્ય છે. પણ સંસ્થાએ અશક્યને શક્ય કરી બતાવ્યું અને બાળકને નવું જીવન આપ્યું. હાલમાં અંકિત સવારે વહેલો ઊઠી પૂજાપાઠ કરે છે, પછી ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવે છે. અંકિતની ઈચ્છા મોટો થઈ સારું ભણીગણીને ઉચ્ચ સરકારી અધિકારી બનવાની છે.