નવસારી : યુ.કે.થી (UK) નવસારી (Navsari) આવેલા ડોક્ટરનો (Doctor) રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા ઓમિક્રોન (Omicron) વેરિયન્ટના ખતરાથી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લામાં વિદેશથી આવેલા 34 લોકોને હોમ ક્વોરન્ટાઇન (Home Quarantine) કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2020માં દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. પરંતુ કોરોના જીવલેણ ખતરનાક વાયરસ સાબિત થશે તેવી જાણ કોઈને ન હતી. જોકે વિદેશથી પોતાના વતન આવેલા લોકોને આરોગ્ય વિભાગ ક્વોરન્ટાઇન કરી રહ્યા હતા. તે છતાં પણ દેશમાં કોરોનાના દર્દીઓ વધતા આખરે સરકારે લોકડાઉન કરી દીધું હતું. જે લોકડાઉન ઘણો સમય રહ્યા બાદ સરકારે ધીમેધીમે છૂટછાટો આપવાનું શરૂ કર્યું હતું. હાલ દેશમાં રાબેતા મુજબ લોકો કામ-ધંધો કરી રહ્યા છે.
હવે દોઢ વર્ષ બાદ કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ ફરી દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને હાઈરિસ્ક દેશમાંથી ભારત આવતા લોકો ઉપર આરોગ્ય વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે. જોકે ભારતમાં એમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચુકી છે. ગત રોજ કર્ણાટકમાં એમિક્રોન વેરિયન્ટના બે દર્દીઓ મળી આવ્યા હતા. જેથી તમામ રાજ્યોના જિલ્લામાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. જેમાં નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ પણ સાવચેતીના પગલાં રૂપે વિદેશથી કે અન્ય રાજ્યોમાંથી લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે. હાલ નવસારી જિલ્લામાં 34 લોકો વિદેશથી આવ્યા છે. જેમાં સૌથી વધુ લોકો આવ્યા યુ.કે. અને દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. જેમને આરોગ્ય વિભાગે હોમ ક્વોરન્ટાઇન કરી દીધા છે. પરંતુ યુ.કે. થી નવસારી આવેલા ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને એમિક્રોન વેરિયન્ટની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 10 દિવસ બાદ આવશે.
વિદેશથી આવતા લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન કરાય છે : મેહુલ ડેલીવાલા
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. મેહુલ ડેલીવાલાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 34 લોકો વિદેશથી આવ્યા છે. તે તમામ લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. ખાસ કરીને હાઈરિસ્ક વાળા દેશમાંથી આવતા લોકોએ ફરજિયાત 7 દિવસ ક્વોરન્ટાઇનનું ચુસ્ત પાલન કરવાનું છે. જ્યારે અન્ય દેશોમાંથી જે આવે છે તેઓએ 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન રહેવાનું છે. પણ વિદેશથી આવતા લોકોએ પોતાના વતન આવી પહેલા ચકાસણી કરાવી પોતાના પરિવાર કે સ્વજનોથી દૂર રહી ક્વોરન્ટાઇન રહેવા અપીલ કરૂ છું. જેથી કરીને અન્ય કોઈને તેનો ચેપ લાગી ન શકે.