સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ડોક્ટરને તેના જ ક્લિનિકમાં ઘુસી માર મારવાનો બનાવ બન્યો છે. તબીબ સામે છેડતીનો આક્ષેપ છે. હાલ ઈજાગ્રસ્ત ડોક્ટરને આઈસીયુમાં દાખલ કરાયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં રહેતી 20 વર્ષની યુવતી કાપોદ્રામાં આવેલા એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં રિસેપ્સનિસ્ટ તરીકે જોબ કરે છે. આ યુવતીએ સરથાણાના ફ્લોરલ વુમન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રતીક માવાણી વિરુદ્ધ છેડતી ફરિયાદ આફી છે. ડોક્ટરે યુવતીના હાથ પર કિસ કરી હોવાનો આક્ષેપ છે.
યુવતીએ ફરિયાદમાં કહ્યું કે, દર્દીની તપાસ દરમિયાન ડો. માવાણી આવ્યા હતા અને ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ શરૂ કરી હતી. દસેક મિનિટ બાદ પેશન્ટની નળી ખુલતી ના હોવાથી હતાશ થઈ મારા ખભા પર માથુ રાખી દીધું હતું. ત્યાર બાદ મને પૂછ્યું કે, તું મેરિડ છે કે અન મેરિડ. મેં કહ્યું કે હું અન મેરિડ છું. તો તેમણે કહ્યું કે તારે મેરેજ કરવા છે. તો મેં હા કહી હતી.
ત્યાર બાદ મને એવું કહ્યું કે તું મેરેજ કરી કોઈની જિંદગી બગાડતી નહીં. ત્યારે મેં કહ્યું કે હું એવી નથી. ત્યારે ડો. પ્રતીકે મને ડાબા હાથ પર કીસ કરી મને ખભાથી નીચેના ભાગે બચકું ભરવાની બે વખત ટ્રાય કરી હતી. દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા તપાસ પુરી કરી તે ડોક્ટરની કેબિનમાં જતા રહ્યાં હતાં.
યુવતીએ પરિવારજનોને જાણ કરી
ડોક્ટરે કરેલા વર્તન અંગે યુવતીએ પરિવારને જાણ કરી હતી. ત્યાર બાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની કેબિનમાં પહોંચ્યા હતા અને છેડતી બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે ડોકટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો એવું કહેતા યુવતીના પરિવારજનોએ ઉશ્કેરાઈ જઈ ડોક્ટરને માર માર્યો હતો. ડોક્ટરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ડોક્ટર સારવાર હેઠળ છે. આ સમગ્ર મારપીટનો બનાવ ડોક્ટરની કેબિનના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
