છત્તીસગઢ: ડોકટરને (Doctor) પણ ભગવાનનું સ્થાન આપવામાં આવતું હોય છે કારણકે તે મનુષ્યનો જીવ બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ જો તે જ ડોકટર યોગ્ય રીતે તેની ફરજ ન બજાવે તો તે અયોગ્ય થઈ જાય છે. આવી જ એક ઘટના છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીની માતૃ-શિશુ હોસ્પિટલમાં (Hospital) ઘટી છે. મળતી માહિતી મુજબ જે દર્દીના પરિવારજને ડોકટર ઉપર આક્ષેપ લગાડયો છે કે દર્દીને યોગ્ય સમયે સારવાર મળી ન હતી તેમજ મોટાભાગનો સમય ડોકટર ફોનમાં (Movile) જ વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે પરિવારજને ડોકટરને હોસ્પિટલમાં જ ઢોરમાર માર્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં આવ્યો છે. જેમાં બે યુવક ડોકટરને સતત થપ્પડ મારી રહ્યાં છે તેવું જોઈ શકાય છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લોરમીની માતૃ-શિશુ હોસ્પિટલમાં એક યુવતી પોતાના સંબંધીઓની સાથે ખંજવાળની સારવાર માટે આવી હતી. આ સમસ્યા એટલી વઘી ગઈ હતી કે તેને આ ખંજવાળનુ ઈન્ફેક્શન શરીરમાં પ્રસરી ગયું હતું. જેના કારણે તેને યોગ્ય સમયે યોગ્ય રીતે તેમજ ઝડપી સારવાર મળવી જરૂરી હતી. આ અંગે યુવતીએ જણાવ્યું હતું કે તેની સારવારના સમયે ડોકટર દિનેશ સાહૂ હાજર હતા. યુવતીએ કહ્યું હતું કે તે છેલ્લા ધણાં સમયથી ખૂબ પરેશાની થઈ રહી છે. યુવતીનું કહેવું છે કે અમે વરંવાર ડોકટરને સારવાર માટે જણાવ્યું છતાં તેઓ ન માન્યા અને ફોન પર જ વ્યસ્ત રહેતા હતા. આ કારણે યુવતીના પરિવારજનો અકળાઈ ગયા તેમ છતાં પરિવારના લોકોએ ડોકટરની કેબિન જઈ તેઓને યુવતીની તાત્કાલિક સારવાર માટે રિક્વેસ્ટ કરી હતી. ડોકટરે તેઓની વાત ન સાંભળી તેમજ મોબાઈલમાં જ વ્યસ્ત રહ્યાં હતા. ડોકટરના આવા વર્તનના કારણે પરિવારના લોકો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા જેના કારણે તેઓ ડોકટરની કેબિનમાં જઈ તેઓને મારવા લાગ્યા હતા. મારામારીની આ ઘટના કેબિનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. ડોકટરે યુવતીના પરિવારના લોકો વિરૂદ્ધ અભદ્ર વ્યવહાર અને જાતીસૂચક ગાળો આપવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના પછી સરકારી હોસ્પિટલના સ્ટાફે ઘટનાના વિરોધમાં પ્રદર્શનો શરૂ કર્યા છે. લોરમીની સરકારી હોસ્પિટલમાં OPD સેવા બંધ કરી દેવામાં આવી છે. ડોકટરો માત્ર ઈમરજન્સી કેસ જ જોઈ રહ્યાં છે. પીડિત ડોકટર દિનેશ સાહૂએ જણાવ્યું કે દર્દીનો સમયસર જ ઈલાજ કર્યો હતો. પરંતુ પરિવારના લોકોએ તેની સાથે પહેલા અયોગ્ય વર્તન કર્યું હતું તેમજ મારામારી પણ કરી હતી.