ટિકિટ બુક કરવાથી લઈને ટિકિટ કેન્સલ કરવા સુધી, જો સૌથી અઘરા નિયમ કોઈના હોય તો એ ફલાઇટના છે. ટ્રેન અને બસમાં ટિકિટ બુક કરવા અને કેન્સલ કરવામાં એટલા પૈસા પણ નથી કપાતા જેટલા ફલાઇટમાં કપાઈ જાય છે. વાત એમ છે કે હવાઈ મુસાફરો માટે મોટા અને રાહતભર્યા સમાચાર આવ્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation) દ્વારા ટિકિટ રદ અને રિફંડ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે લાખો મુસાફરોને સીધો લાભ મળશે. નવા નિયમો મુસાફરોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવા મળે તે હેતુથી બનાવવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, જો મુસાફર સીધા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરે છે અને બુકિંગના 48 કલાકની અંદર તેને રદ કરે છે, તો કોઈપણ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. અત્યાર સુધી ઘણી વખત મુસાફરોને ટિકિટ રદ કરતી વખતે કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડતો હતો, જેના કારણે અસંતોષ ફેલાતો હતો. હવે આ નિયમથી મુસાફરોને આર્થિક રાહત મળશે અને તેઓ વધુ નિર્ભય રીતે બુકિંગ કરી શકશે. આ ઉપરાંત, જો ટિકિટ બુક કરતી વખતે નામમાં ભૂલ થઈ હોય, તો મુસાફર 24 કલાકની અંદર તે મફતમાં સુધારી શકશે. નામની નાની ભૂલો માટે અગાઉ ભારે ચાર્જ વસૂલવામાં આવતા હતા, જે મુસાફરો માટે મુશ્કેલીભર્યા બનતા હતા. હવે આ પ્રક્રિયા સરળ અને નિઃશુલ્ક બનાવવામાં આવી છે. જોકે, આ સુવિધા ફક્ત ઓનલાઈન અને સીધી એરલાઇન બુકિંગ માટે જ લાગુ પડશે.
મેડિકલ ઇમરજન્સી જેવી અણધારી પરિસ્થિતિઓમાં પણ મુસાફરોને હવે રિફંડ મેળવવામાં અડચણો નહીં આવે. નિયમો સ્પષ્ટ કરે છે કે આવી પરિસ્થિતિમાં એરલાઇનને રિફંડ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવી પડશે. ડિસેમ્બર 2025 દરમિયાન ટિકિટ રિફંડમાં થયેલા વિલંબ અને કેટલીક ફ્લાઇટ્સ સંબંધિત ફરિયાદો બાદ DGCA એ આ સુધારા કર્યા છે. જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ રિફંડની સંપૂર્ણ જવાબદારી એરલાઇન પર જ રહેશે. DGCA એ તમામ એરલાઇન્સને 14 કામકાજના દિવસની અંદર રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે. આથી મુસાફરોને લાંબી રાહ જોવી નહીં પડે અને રિફંડ પ્રક્રિયા વધુ ડિજિટલ અને પારદર્શક બનશે. આ પગલું મુસાફરોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નવા નિયમો અમલમાં આવતા હવાઈ મુસાફરી વધુ વિશ્વસનીય અને ગ્રાહકમૈત્રી બનવાની અપેક્ષા છે.