Charchapatra

તમે તમારા પિતાને બરાબર જાણો છો ખરા?

આપણે ત્યાં હમેશાં માતાના ગુણગાન ગવાય છે. આજે આપણે પિતા વિશે જોઈએ.પિતા એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમના ક્રોધમાં કરુણા છુપાયેલી હોય છે અને કડપમાં કમનીયતા છુપાયેલી હોય છે. દરેક પિતા પોતાના સંતાનને ભણાવી ગણાવી પ્રથમ હરોળમાં બેસાડીને  બહુ ખુશ થાય છે. પિતા એટલે આકાશ. પિતા એટલે અજવાળું.પિતા એટલે છત્ર. પિતા એટલે જીવનના મહાભારતના કૃષ્ણ. પિતા આપણે ઠોકર ખાઈને પડ્યા હોઈએ તે વખતે બીજી ઠોકરથી કેમ બચવું એ શીખવાડે છે. પિતા સંતાન માટે સૂર્ય જેવા હોય છે, જે હમેશાં પોતાનાં સંતાનોને ચમકતા, ઉજળા અને પ્રગતિવાન જ બનાવે છે.પિતા વિના ઘરની શું હાલત થાય છે એનો તમને અનુભવ કરવો હોય તો માત્ર એક જ દિવસ અંગુઠા વિના માત્ર આંગળીઓના ઉપયોગથી તમારા દરેક કામ કરી જુવો.

તમને તરત જ પિતાની કિંમત સમજાઈ જશે.પિતાની વિશાળતા સંતાનોને   ખેલદિલ બનાવે છે. હમેશાં ગંભીર મોઢું રાખતા પિતા સંતાનો સાથે ખડખડાટ હસતા હોય છે. તમે કદી પિતાની આંખોમાં જોયું છે? પિતાની આંખોમાં આપના જીવાતા શ્વાસની ગીતા હોય છે.પિતા જીવનના દરિયામાં મરજીવા થઈને ડૂબ્યા હોય છે પણ પોતાના માટે જીવવાનું ભૂલી ગયા હોય છે. પિતા સંતાનોના એડમિશન વખતે બોર્ડનું પરિણામ વિચારીને બેઠા હોય છે  આપણી કમનસીબી છે કે આપણે પિતાની હસ્તી અને વ્યક્તિત્વને સમજવામાં હમેશાં થાપ ખાઈ જઈએ છીએ.તમે કદી કોઇ પિતાને પોતાની સંવેદના પોતાની લાગણી વ્યક્ત કરતા જોયા છે ખરા? નહીં ને. પોતે ફાટેલું ગંજી પહેરીને ફરતા હોય છે, તૂટેલી સ્લીપર પહેરીને ફરતા હોય છે. તમે કદી તમારા પોતાના ગંજીના કાણા તરફ નજર નાખી છે? કદી પિતાની તૂટેલી સ્લીપર કે તૂટેલા ચશ્માં પર નજર નાખી છે ખરી?

તમને ખબર છે ખરી કે તમારા પિતા રોજ કઈ દવા લે છે? એ દવા છે કે ખલાસ થઈ ગઈ છે એની તમને કંઈ ખબર હોય છે ખરી? પિતા પણ માણસ છે.એમને પણ બધું થાય છે.પણ આપણે કોણે ખબર કેમ પિતાને  હિમાલય કરતાં પણ મજબૂત માનીએ છીએ કે જાણે એમને કંઈ થતું જ ના હોય?  આપણે એમ માની લીધું છે કે પિતા હમેશાં મજામાં જ હોય છે. એમનાં દુઃખ દર્દ, એમની તકલીફો, મુસીબતો, ઉલઝનો વિશે કોઈ વખત પણ આપણે ધ્યાન આપતા જ નથી.પિતા સદા બધું ચુપચાપ સહેતા રહે છે બોલતા નથી.અંદરથી ખૂબ મજબુત દેખાય છે  પણ એમની હાલત  એમની મજબુરી આપણે કેમ જોઈ શકતા નથી. કદી તમે તમારા પિતાને રડતા જોયા છે ખરા? તેમના દિલની વાત તમે કદી જાણવાની તસ્દી લીધી છે ખરી? પિતાના બધા ત્યાગ સમર્પણ લાડ હેત થાક ભુખ તરસ તમે જે વખતે સંતાનોના પિતા બનો છો ને  તે વખતે સમજાય છે,  પણ તે વખતે ખૂબ મોડું થઈ ગયું હોય છે. યાદ રાખો આ દુનિયામાં માતાપિતાથી વધુ મોટા કોઈ ઈશ્વર છે જ નહીં.
સુરત     – અબ્બાસભાઈ  કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top