Business

સુસ્તી કે થાક લાગે છે તમને?

સુસ્તી કે થાક?  આ પોષક તત્ત્વોની ખામી હોઈ શકે …. ઋતુ ઉનાળાથી બદલાઈને ચોમાસામાં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તનને કારણે ઘણા લોકો શરીરમાં કચાશ, સુસ્તી, માંદગી અનુભવતા હશે. આપણે જેને ઋતુ પરિવર્તનને કારણે અનુભવાતી સુસ્તી સમજતા હોઈએ એ કદાચ શરીરમાં પોષક તત્ત્વોની ઊણપને કારણે ઉદભવતી શરીરની ‘ ઢીલી પ્રતિક્રિયા ‘ પણ હોઈ શકે! ઘણી વાર આપણે અનુભવીએ છીએ કે સવારે પૂરતી ઊંઘ લઇ ને ઊઠ્યા બાદ પણ આપણને હજુ ઊંઘ આવ્યા કરે, પથારીમાં પડ્યા રહેવાનું મન થાય. તો એનાં કારણો નીચે મુજબનાં હોઈ શકે.

  • પ્રોટિનની કમી

 પ્રોટિનનું મુખ્ય કાર્ય થાકેલા કોષોને આરામ આપવાનું, મૃત કોષોનો શરીરમાંથી નિકાલ કરવાનું અને મૃતકોષોના સ્થાને નવા કોષોનું સર્જન કરવાનું છે. જો ખોરાક દ્વારા ઓછું પ્રોટિન લેવાતું હોય તો આ કોષોની સિસ્ટમ ખોરવાય છે જેના કારણે શરીર થાક અનુભવી શકે છે. એક પુખ્ત વયની વ્યક્તિને શરીરનું વજન જેટલા કિલો હોય તેટલા ગ્રામ પ્રોટિન જરૂરી હોય છે. દા. ત. જો શરીરનું વજન ૬૦ કિલો હોય તો આપની પ્રોટિનની જરૂરિયાત ૬૦ ગ્રામ જેટલી છે એમ કહી શકાય. પૂરતા પ્રમાણમાં પ્રોટિન મેળવવા માટે રોજિંદા આહારમાં દૂધ અને દૂધની દહીં, છાશ, પનીર જેવી બનાવટો, ઈંડાં, કઠોળ, બદામ – અખરોટ જેવો સૂકોમેવો જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. 

  • લોહતત્ત્વની કમી :

 હિમોગ્લોબીનનું મુખ્ય કાર્ય  શરીરના કોષોને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાનું છે.  જો શરીરમાં હિમોગ્લોબીનનું લેવલ પર્યાપ્ત ન હોય તો શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેતું નથી. જે કારણે કોષો થાકે છે અને અંતે શરીર ઢીલાશ અનુભવે છે. પૂરતા પ્રમાણમાં લોહતત્ત્વ મેળવવા માટે લીલી ભાજી, બીટ, સફરજન, દાડમ જેવાં ફળો, ખજૂર, અંજીર, કાળી દ્રાક્ષ જેવો સૂકોમેવો , લિવર જેવા માંસાહારી પદાર્થો આપના રોજિંદા આહારનો ભાગ હોય તે જરૂરી છે.

  • વિટામિન બી ૧૨ ની કમી

 વિટામિન બી ૧૨નું કાર્ય શરીરના ચેતાતંત્રને સક્રિય રાખવાનું છે. વિટામિન બી ૧૨ ની ખામીને કારણે શરીરનું સંવેદના તંત્ર ધીમું પડે છે. વળી, બી ૧૨ નું મહત્ત્વનું બીજું કાર્ય એ છે કે તે લોહીમાં રક્તકણોના નિર્માણ માટે જવાબદાર છે. એથી,જો વિટામિન બી ૧૨ શરીરમાં ઓછું હોય, તો એની સીધી અસર હિમોગ્લોબીનના  લેવલ પર પણ પડે છે અને પરિણામે શરીર ઢીલાશ અનુભવે. વિટામિન બી ૧૨ મેળવવા માટે શાકાહારીઓ આથાવાળા ઈડલી, હાંડવો , અથાણાં જેવા પદાર્થો તથા દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો ઉપયોગ વધારી શકે. માંસાહારીઓ રોજિંદા આહારમાં ઈંડાં અને ચિકનનો ઉપયોગ કરી વિટામિન બી ૧૨ નું પ્રમાણ વધારી શકે. આ ઉપરાંત વિટામિન બી ૧૨ ના સપ્લીમેન્ટસનો ઉપયોગ ડૉક્ટરની સલાહ મુજબ કરી શકાય.

  • વિટામિન ડી ૩ ની કમી  

 વિટામિન ડી ૩ કેલ્શિયમ અને ફોસ્ફરસના શરીરમાં અધિશોષ્ણ માટે જરૂરી છે. વિટામિન ડી ઘટતાં, શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસનું પ્રમાણ ઘટે અને જેથી હાડકાં અને સાંધા નબળાં પડી સુસ્તીનું કારણ બને. વિટામિન ડી મેળવવા માટે સવારના કુમળા તડકામાં ૩૦-૪૦ મિનિટ બેસવું. આ ઉપરાંત વિટામિન ડી ના સપ્લીમેન્ટ્સ ડૉકટરની સલાહ મુજબ લેવાથી સુસ્તીમાં રાહત મળી શકે.

Miso soup with tofu and seaweed in brown Japanese bowl
  • ડીહાઇડ્રેશન

 વરસાદી માહોલમાં પાણીની તરસ ઓછી લાગે અને ઓછું પાણી પીવાય  તે સ્વાભાવિક છે.  શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થતાં, શરીરમાં સંવેદનાઓનું વહન ધીમું પડે છે. વળી પોષક તત્ત્વોની હેરફેર પણ ધીમી પડે છે. આથી, કોષોને પોષકતત્ત્વોનો પુરવઠો ધીમો મળતાં શરીરને સુસ્તી અને ઢીલાશ અનુભવાય છે.વાતાવરણમાં ઠંડક હોય તો પણ દિવસ દરમ્યાન ઓછામાં ઓછાં ૩-૪ લિટર પાણી પીવાય જ તે નિશ્ચિત રાખો. વળી, વરસાદ હોય તો ગરમ સૂપ અને ગ્રીન ટી સુસ્તી દૂર કરી  શરીરને તાજગીથી ભરી દેશે.  આ ઉપરાંત ક્યારેક બ્લડ શુગરમાં વધારો થયો હોય અથવા કોલેસ્ટ્રોલ વધી જતાં જાડું બનેલું લોહી શરીરમાં ધીમી ગતિએ પરિભ્રમણ પામે છે જે પણ સુસ્તી લાગવાનું કારણ હોઈ શકે. આથી  જો લાંબો સમય શરીરને સુસ્તી લાગતી હોય, તો ફિઝિશ્યનને બતાવી જરૂરી તપાસ સમયસર કરાવવી જોઈએ.

Most Popular

To Top