એક ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો.ગુરુજી ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ હતા. તેમની શીખવવાની રીત પણ સરળ હતી એટલે તેમની ખ્યાતિ ચારેતરફ વધતી જતી હતી.વધુ ને વધુ લોકો તેમના શિષ્ય બનવા આવતા અને જાણે ગુરુજીના ભક્ત બની જતા.ગુરુજી જ્ઞાની હતા.
ભૂતકાળ,ભવિષ્યકાળ,અને વર્તમાનકાળ બધું જ જાણતા હતા અને બધાનો સ્વીકાર કરતા હતા.તેમના સંપર્કમાં આવનાર દરેકને પક્ષપાત વિના ચાહતા હતા અને એટલે જ ગુરુજી બધાને પ્રિય હતા.જે તેમને મળતું તે ગુરુજીનું ભક્ત બની જતું અને ગુરુજીનો પ્રેમ મેળવી તેમને પ્રેમ કરવા લાગતું અને બધા લોકો ગુરુજીનો પ્રેમ પોતાને સૌથી વધારે મળે તેના પ્રયત્નમાં રહેતા.
ગુરુજી આ બધું જોતા હતા અને સમજતા પણ હતા કે હું બધાને ભગવાનને ચાહવાનો સંદેશ આપું છું અને પ્રભુની ભક્તિ કરવાનો માર્ગ બતાવું છું.પણ લોકો તેમ કરવાને બદલે મને પ્રેમ કરે છે.મારા હદય સુધી પહોંચવા માટે હોડ લગાવે છે.
મારા માટે તો બધા એકસરખા છે અને હું બધાને ચાહું છું પણ બધા મારી વધારે નજીક આવી મને મેળવવા માંગે છે.મારા મનમાં પોતાની વિશેષ જગ્યા બનાવવા માંગે છે પણ તેઓ જાણતા નથી કે મારા મનમાં તો એક માત્ર ઈશ્વર છે અને આ ઈશ્વર જ મારા બધા ગુણો અને જ્ઞાનનો આધાર છે.
એક શિષ્યે પોતાની કુટિરમાં ગુરુજીની મોટી તસ્વીર લગાવી હતી અને સતત તેની સામે બેસી ભગવાનનું ધ્યાન ધરે અને પછી ગુરુજીનું ધ્યાન કરે.બીજો શિષ્ય તો સતત ગુરુજીના નામની માળા જપે.ત્રીજો શિષ્ય ગુરુજીની સાથે પડછાયાની જેમ રહે.ચોથો શિષ્ય સતત ગુરુજીની સેવા કરે.આમ બધા ગુરુજીને ખુશ કરવા અને પોતાના કરવામાં લાગેલા રહે.
એક દિવસ ગુરુજીએ બધા શિષ્યને બોલાવીને કહ્યું, ‘શિષ્યો, આજે મારે તમારી સાથે એક ખાસ વાત પણ કરવી છે અને તમારી ભૂલ પણ બતાવવી છે.હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.તમે બધા મારા જ છો અને તમે બધા પણ મને ખૂબ પ્રેમ કરો છો અને કોઈ પણ રીતે મારી કૃપાદ્રષ્ટિ મેળવવા ઈચ્છો છો.આ તમારો પ્રેમ છે તે હું સ્વીકારું છું; પણ આ ભૂલ પણ છે કે તમે ઈશ્વરને ભૂલીને મને પ્રેમ કરો છો.
તમારે મેળવવાના છે ઈશ્વરને અને તમે મને મેળવવામાં ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમે મારા જે જ્ઞાન અને ગુણોને લીધે મને ચાહો છો તે બધા ઈશ્વરના જ આપેલા છે અને આજે હું તમને મારા ગણીને ખાસ સમજાવવા માંગું છું કે મને સદેહે મેળવવાની મારી નજીક આવવાની મહેનત છોડી મારામાં રહેલા ઈશ્વરે આપેલા જીવ માત્રનો સ્વીકાર કરવા, દરેકને પ્રેમ કરવા,બધાની સેવા, બધાની ભૂલને ક્ષમા જેવા ગુણોને અપનાવવાની અને જીવનમાં ઉતારવાની કોશિષ કરશો તો તમે મારા દિલની નહિ, પણ મારા દિલમાં રહેલા પરમાત્માની નજીક પહોંચી જશો.’ ગુરુજીએ ભક્તિનો સાચો માર્ગ સમજાવ્યો.
- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.