Charchapatra

દિલ્હીનું પ્રદુષણ ઘટાડવા આટલું કરો!

દર વર્ષે શિયાળો બેસે એટલે દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા ઊભી થાય છે. હવે તો દિલ્હીના કૃતરા (ચાર પગવાળા) પણ અદાલતની અડફેટે ચઢી ગયા છે. 2017માં વાયુ પ્રદુષણને કારણે દિલ્હીમાં સ્કૂલ કોલેજો બંધ રાખવામાં આવેલ અને મુખ્યમંત્રીએ નિવેદન આપેલ કે દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે. હકીકતમાં ટાઉન પ્લાનીંગના સિદ્ધાંતો પ્રમાણે દિલ્હી નેક્રોપોલિટન અવસ્થામાંથી પસાર થઈ રહ્યુ છે. ભારતને નવા કેપિટલ ડિસ્ટ્રિક્ટની જરૂર છે. જો ભારતની રાજધાની દિલ્હીને બદલે જબલપુર કે વ્યુહાત્મક સુરક્ષાની દૃષ્ટિએ અન્ય કોઈ સ્થળે લઈ જવાય તો દિલ્હીમાં પ્રદુષણ આપોઆપ નાબૂદ થશે. ભારતમાં સેટેલાઈટ ટાઉનશીપ વિકસાવવાને બદલે જૂના શહેરને નવું બનાવવા કોશીશ થાય છે.

જૂના શહેરોમાં ક્યાંકને ક્યાંક ખોદકામ, બાંધકામ ચાલતું રહે છે.  મેટ્રોનો મહત્તમ ઉપયોગ નથી થઈ શકતો એનું કારણ જ પાર્કિંગની વ્યવસ્થા અને સલામત રીતે ચાલી શકાય તેવી ફૂટપાથો તથા અંડરપાસનો અભાવ છે. જબલપુર વ્યુહાત્મક તેમજ સુરક્ષાની દૃષ્ટિએ રાજધાની માટે યોગ્ય સ્થળ છે. નર્મદા નદી ખળખળ વહે છે, એટલે પાણીની કોઈ સમસ્યા રહેવાની નથી. જમીનોના ભાવ દિલ્હી કે સુરત જેવા નથી. રીટાયર્ડ સૈન્ય અધિકારીઓ, જવાનો અને શસ્ત્રની ફેક્ટરીઓના કર્મચારીઓનું શહેર છે. શસ્ત્રોની ફેકટરીઓ છે. જબલપુરને મિસાઈલોના આક્રમણથી સુરક્ષિત રાખી શકાય છે. જો દિલ્હીથી રાજધાની ખસેડવામાં આવશે તો માત્ર પ્રદુષણ પર નહીં, ભ્રષ્ટાચાર પર પણ નિયંત્રણ આવી શકે. દેશને નવી રાજધાની મળે તો જીડીપી પણ ખાસ્સો વધી શકે.
અમદાવાદ         – કુમારેશ કે. ત્રિવેદી            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top