Columns

આટલું કરીએ

એક યુવાન પેથોલોજી લેબોરેટરીમાં સેમ્પલ કલેકશનનું કામ કરે. વહેલી સવારના 6 વાગ્યાથી એપોઇન્ટમેન્ટ શરૂ થાય તે બપોરે 3 વાગ્યા સુધી ચાલે. એક દિવસ રાત્રે તેને ફોન આવ્યો કે  કલેક્શન કરતા બીજા યુવાનની અચાનક તબિયત ખરાબ થઈ હોવાથી તેની બધી એપોઇન્ટમેન્ટ પણ તેણે જ પૂરી કરવી પડશે. કામ ડબલ થઈ ગયું. યુવાને રાત્રે જ બધી તૈયારી કરી અને સવારે થોડાં વહેલાં નીકળવાનું નક્કી કર્યું.

આજે 5 વાગે નીકળવાનું હોવાથી તે 4 વાગે ઊઠી ગયો. તૈયાર થઈને માત્ર ચા પી ને નીકળ્યો. સવારે 5.30 થી બપોરે 2 વાગ્યા. લગભગ 17 થી 18 ઘરમાં જઈને તેણે સેમ્પલ કલેક્ટ કર્યા. હવે તે બહુ થાકી ગયો હતો. હજી 4 એપોઇન્ટમેન્ટ બાકી હતી. બપોરે 2 વાગે યુવાન એક સોસાયટીમાં પહોંચ્યો. 101 નંબરના ફ્લેટમાં બેલ મારી. એક કાકાએ દરવાજો ખોલ્યો. યુવાને આઈકાર્ડ બતાવી કહ્યું, ‘ગોવિંદભાઈના બ્લડ કલેક્શન માટે આવ્યો છું.’

કાકાએ તેને આવકાર આપ્યો. સોફા પર બેસવાનું કહ્યું, ‘બેસો, હું હમણાં જ આવ્યો.’ યુવાન બેઠો. કાકી અંદરથી આવ્યાં. યુવાનને પાણી આપ્યું અને યુવાનને અત્યાર સુધીના 17 થી 18 ઘરે જઈને આવ્યો, કોઈએ સામેથી પાણી આપ્યું ન હતું. 2 જગ્યાએ તેણે માંગીને પાણી પીધું હતું. યુવાનને ખબર નહિ કેમ પણ સારું લાગ્યું. કાકા આવ્યા. યુવાને તેમના બ્લડ સેમ્પલ લીધા અને સાચવીને પોતાની બેગમાં મૂક્યા. તે જવા ઊભો થતો જ હતો ત્યાં કાકી અંદરથી આવ્યાં. તેમના હાથમાં ચા નો કપ અને નાસ્તાની ટ્રે હતી.

યુવાને સવારથી એક કપ ચા જ પીધી હતી. તે ના ન પાડી શક્યો. તેણે ચા નાસ્તો કર્યાં અને કાકા-કાકીએ તેની જોડે બહુ સરસ રીતે વાતો પણ કરી. આવતી કાલે રીપોર્ટ આપવા આવીશ કહીને યુવાન ઊભો થયો. સવારથી તેના પર કામનો બોજો અને થાક હતો તે ઓછો થઈ ગયો હતો. તે વિચારતો હતો કે, ‘કેટલા પ્રેમાળ હતાં કાકા-કાકી. તેઓ મને હંમેશા યાદ રહેશે. રોજ આટલાં ઘરોમાં જાઉં છું, કોઈ આવકાર નથી આપતું, બેસો નથી કહેતું, પાણીનું પણ નથી પૂછતું અને આ લોકોએ પ્રેમથી ચા-નાસ્તો પણ કરાવ્યો. દિલ ખુશ થઇ ગયું.’ કાકા-કાકીના પ્રેમાળ વર્તને યુવાનનો દિવસ સુધારી દીધો અને તેના મનમાં પોતાનું સ્થાન મેળવી લીધું. બસ, આપણે પણ આટલું કરીએ. અજાણ્યા સાથે પણ પ્રેમથી વર્તન કરીએ. આપણા કામ માટે ઘર સુધી આવતા, કુરિયર બોય, ડીલીવરી પર્સન, પ્લમ્બર, કાર્પેન્ટર કોઈ પણ હોય પાણી તો અચૂક પૂછીએ અને પ્રેમથી વ્યવહાર કરીએ. તેમને યાદ રહીએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top