એક દિવસ એક યુવાન બહુ જ કંટાળેલો અને થાકેલો અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલો ચાલતો ચાલતો એક આશ્રમમાં પહોંચી ગયો ત્યાં સંતે તેનું થાકેલું મુખ જોઇને તરત પૂછ્યું, ‘યુવાન શું મુશ્કેલી છે?’ યુવાને તેમને પ્રણામ કરી પોતાની મુશ્કેલીઓ કહી અને કહ્યું, હવે તમે જ કહો, આટલી મુશ્કેલીઓમાંથી હું શું માર્ગ કાઢું અને કઈ રીતે આગળ વધું?’ સંત હસ્યા અને બોલ્યા, ‘યુવાન, જીવન તારું અને મુશ્કેલીઓ પણ તારી તો વિચારવું પણ તારે જ પડશે અને મુશ્કેલીઓમાંથી માર્ગ પણ તારે જ કાઢવો પડશે સમજાયો ..હું તો તને એટલું જ કહીશ કે રોજ બને તો એક કલાક સત્સંગ કરજે…’
યુવાનને મનમાં થયું અહીં મુશ્કેલીઓમાંથી ઉપર નથી આવતો ત્યાં સત્સંગ માટે સમય કયાંથી કાઢું ….સંત જાણે તેની મનની વાત સમજી ગયા હોય તેમ બોલ્યા, ‘યુવાન ગમે તેટલી તકલીફ હોય તું રોજ દિવસમાં એક કલાક નહિ તો અડધો કલાક સત્સંગ કરજે અને થોડા સમય પછી મને કહેજે.’ આ વાતો થતી હતી ત્યાં એક યુવતી આવી. તે રડતી રડતી સંતનાં ચરણોમાં પડી અને બોલી, ‘સાસરિયાના ત્રાસથી અને જીવનની જવાબદારીઓથી કંટાળી ગઈ છું. કંઈ સમજ નથી પડતી શું કરું? આમ જ મને માર્ગ દેખાડો.’સંત બોલ્યા, ‘બેટા, આવી મુશ્કેલીઓ બધાના જીવનમાં હોય છે.
સામનો કર અને રોજ એક કલાક સત્સંગ કર.’ યુવાને આ બધી વાત સાંભળી, તે બોલી ઊઠ્યો, ‘બાપજી, આપ કેવી વાત કરો છો, અમારી બન્નેનું જીવન અલગ અને મુશ્કેલીઓ અલગ અને ઉપાય એક જ …..સત્સંગ …’ સંત બોલ્યા, ‘યુવાન, જો વરસાદ આવે તો શું કરવું જોઈએ?’ યુવાન બોલ્યો, ‘વરસાદથી બચવા છત્રી કે રેનકોટ સાથે રાખવા જોઈએ’ સંતે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘શું આ છત્રી કે રેનકોટ સાથે હોય તો વરસાદ રોકાઈ જાય?’ યુવાન બોલ્યો, ‘ના બાપજી એમ કંઈ વરસાદ થોડો છત્રી કે રેનકોટથી રોકાઈ શકે?’ સંત બોલ્યા, ‘તો પછી છત્રી કે રેનકોટને સાથે રાખવાનો શું ફાયદો?’
યુવાન બોલ્યો, ‘બાપજી, તમે કેવો સવાલ કરો છો, છત્રી કે રેનકોટ વરસાદમાં ઊભા રહેવાની હિંમત આપે અને ચાલવામાં મદદ કરે.’ સંત બોલ્યા, ‘બરાબર, એ જ રીતે સત્સંગ છે …આ સત્સંગ તમારા જીવનની મુશ્કેલીઓ અને દુઃખોને રોકી ન શકે પરંતુ તેને સહન કરવાની શક્તિ ચોક્કસ આપે છે …સત્સંગ મનને શાંત કરે છે …સત્સંગ જીવનમાં આગળ વધવાની હિંમત આપે છે.જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃધ્ધ કે પછી મુશ્કેલી મોટી હોય કે નાની….. સત્સંગ દરેકને સાહસ આપે છે કે આમાંથી માર્ગ કાઢીને આગળ વધી શકાશે.’સંતે યુવાનના મનના બધા પ્રશ્નો દૂર કરી સત્સંગનું મહત્ત્વ સમજાવ્યું.