ગુજરાત સરકારે પેંશનરોને આરોગ્યકાર્ડ આપવાનું નક્કી કર્યું. સારી વાત છે. તેની વ્યવસ્થામાં ખામીઓને કારણે વડીલોને ધક્કા ખાવાનો વારો આવે છે. ટ્રેઝરી ઓફિસે જઈ નિયત ફોર્મમાં વિગતો, પુરાવા જમા કરાવવાનો ધક્કો. બાદમાં તમને આ કાર્ડ મળવાપાત્ર છે એનું પ્રમાણપત્ર લેવા જવાનો ધક્કો. તે પછી એક મહિના સુધી કાર્ડ ક્યાંથી, કેવી રીતે મળે તેની કોઈ સૂચના કે વ્યવસ્થા જ નહીં. આરામથી પરિપત્ર થાય! પરિપત્ર મુજબ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ લાઈનમાં બેસવાનું. ટોકન લેવાનું અને તે મુજબ નમ્બર લાગે ત્યારે ટ્રેઝરીએ આપેલ પ્રમાણપત્ર બતાવવાનું.
એમની સિસ્ટમમાં નામ, જન્મતારીખ વગેરેમાં ભૂલ હોય તો જવાબ મળે કે આમાં અમે સુધારો ન કરી શકીએ, જાવ..ટ્રેઝરીમાં! નહીંતર સિસ્ટમમાં જે છે એ મુજબ કાર્ડ બનાવવાની પ્રોસેસ કરીએ. ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવે તો અમારી જવાબદારી નહીં! સરકારી તંત્રએ એન્ટ્રી કરવામાં ભૂલ કરી હોય તે કઈ રીતે અને કોણ સુધારે એની કોઈ માહિતી કોઈ પાસે નથી!દરેક જણ મૌખિક જવાબ આપે એની વિશ્વસનિયતા કેટલી? આ રીતે વડીલો-વૃદ્ધોને વારંવાર ધક્કા ખાવામાં જે તકલીફો પડે છે એનું ભાન અને જ્ઞાન સરકારી તંત્રોને હોવું જોઈએ. વડીલો સરળતાથી લાભ મેળવી શકે એવી વ્યવસ્થા પરદેશોમાં છે, વિશ્વગુરૂ બનવાના સપના જોતા આપણા દેશમાં નથી એ કેવી કરૂણતા..!
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.