Charchapatra

રાષ્ટ્રિય સંપત્તિનો દુરુપયોગ ના કરો

સિગ્નલ આગળ પોતાના વાહનનું એંજીન બંધ રાખવું, એક દિવસનું વાસી પાણી લુગડાં ધોવા, વાસણ માંજવા, પોતા મારવામાં, ગાડી ધોવામાં જો પાણી વાપરીએ તો મનપાના ફિલ્ટરેશનનો ખર્ચ બચશે. એ જ રાષ્ટ્રિય બચત (આપણી) કહેવાય. હવાના પ્રદૂષણને રોકવા હવે ઈ બાઈક ઉપલબ્ધ છે, ઘોંઘાટ કરતી નથી, પ્રદૂષણ ફેલાવતી નથી. હવાને પ્રદૂષિત કરતા ઓઈલ એન્જિનનો વિકલ્પ શોધી કાઢો. આપણા સૌની એક બાબતમાં આળસ આંખે ઊડીને વળગે છે. એક રૂમમાંથી બીજા રૂમમાં જતા, પંખા, એસી, લાઈટ બંધ કરવાની ટેવથી વીજબચત થશે. લાઈટ બીલ ઓછું આવશે. રસ્તામાં એંઠવાડ ફેંકશો નહીં. કૂતરાં, બિલાડાં જેવાં પ્રાણીઓ, આવો એંઠવાડ ફેંદી રોગચાળાના નિમિત્ત બનશો નહીં.  
સુરત     – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મનપાને શું આ કામ દેખાતાં નથી?
આજકાલ સુરત મ.ન.પા. ગેરકાયદેસર બાંધકામો તોડવાનું તથા લારી-ગલ્લા-પાથરણાવાળાને હટાવીને રસ્તા ખુલ્લા કરવાનું અભિયાન ચલાવી રહી છે. ઘણું જ પ્રશંસનીય તથા કરવા જેવું કામ કરી રહી છે. પરંતુ અમુક વિસ્તારને જ ટાર્ગેટ કરવામાં આવે છે. આ અભિયાન બધી જ દિશામાં વારાફરતી ચલાવવું જોઈએ. વિચાર આવે કે આ કામ આટલાં વર્ષોમાં કેમ નહીં થઈ શક્યું? પરંતુ આ દબાણો પાછાં નહીં થાય તેની કોઈ ખાતરી છે? ચૌટાબજારનું ઉદાહરણ તો નજર સમક્ષ છે જ. જૂનાં દબાણો હટાવો, પરંતુ જે નવાં દબાણો થાય છે તેની તરફ આંખ મિચામણાં કેમ? રોગ અને દુશ્મનને તો ઊગતા જ ડામવા. નહીં તો પછી જ્યાંના ત્યાં. સાથે સાથે રખડતાં ઢોરોનો પ્રશ્ન હાથ પર લીધો છે તો સાથે સાથે કૂતરાઓના રસીકરણ અને ખસીકરણનું કામ કેટલે આવ્યું તે બાબત પર ધ્યાન આપવાની પણ જરૂર છે. શહેરમાં ઘણી જગ્યાએ કચરાના ઢગલા હોય છે અને કૂતરાઓ ઢગલા ફેંદીને રસ્તા ઉપર કચરો ફેલાવે છે અને બચકાં ભરવાનો આતંક તો ખરો જ. ચુંટાયેલા નગરસેવકોને તો આ રીતની પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડતું એટલે સામાન્ય નાગરિકની મુશ્કેલીનો ખ્યાલ નહીં આવે.
સુરત     – પલ્લવી ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top