Business

ચોકલેટ કે લિયે કુછ ભી કરેગા…

સારા કામની શરૂઆત પહેલા મીઠાઈ ખાવાથી શુભ ગણાય છે. હવે તો સ્વીટ વસ્તુ યાદ કરીએ એટલે ચોકલેટ જ યાદ આવે, ચોકલેટ! નામ પડતાં જ કેટલાય લોકોના મોંમાં પાણી આવવા માંડે છે, ચોકલેટ ખાવાના અનેક ફાયદાઓ પણ છે, અને નાના બાળકોની તો ફેવરિટ હોય જ છે. આથી ચોકલેટ લવર્સને ચોકલેટ બતાવો એટલે તે પીગળી જાય અને ઘણાય એવા લોકો હોય છે કે તેમની ચોકલેટને ચાહનાને લીધે અવનવાં રસ્તાઓ અપનાવીને પણ ચોકલેટ ખાધી હોય. ચાહે નાના હોય કે મોટા. 7 જુલાઈએ આવી રહ્યો છે વર્લ્ડ ચોકલેટ ડે, ત્યારે ચાલો આપણે મળીએ કેટલાક ચોકલેટ લવર્સને… અને જાણીએ તેમની ચોકલેટ સબંધિત મજેદાર કહાનીને….

  • મમ્મીએ સંતાડેલું ચોકલેટનું બોક્સ છાનુંમાનું પૂરું કરી દીધું

ધ્વનિ જણાવે છે કે, ‘’મારા ઘરમાં બધાને જ ચોકલેટ ખૂબ જ પસંદ છે. ઘરમાં જ્યારે પણ ચોકલેટ આવે મમ્મી પણ ચોકલેટનો એક ભાગ તેના માટે લે. એટલે અમારે સરખે ભાગે વહેંચીને જ ચોકલેટ ખાવી પડે. નહીંતર ઝગડા જ થાય. થોડા સમય પહેલા મારા મામા રશિયાથી આવેલા તો અમારા માટે એક મોટું બોક્સ ચોકલેટનું લાવેલા. પણ એ સમયે મને દાંત દુખતાં હતા આથી મમ્મીએ આખું બોક્સ કબાટમાં સંતાડીને મૂકી દીધું. પણ એ હું છાનીછાની જોઈ ગયેલી. આથી મમ્મી જરા બહાર કે એમતેમ જાય એટલે હું કબાટમાંથી થોડી ચોકલેટ કાઢીને મારા બેગમાં મૂકી દઉં. અને તેને ખબર પડ્યા વિના ખાઈ લેતી. આવું 15 દિવસ ચાલ્યું. થોડા દિવસ બાદ મમ્મી મને કહે મામા ચોકલેટ લાવેલા પણ તારા દાંત દુખતા હતા આથી મેં સંતાડી દીધેલી અને અમે પણ કોઈએ ખાધી નથી. હવે તને સારું છે તો ચલો ચોકલેટનું બોક્સ લાવી ભાગ કરી આપું. હું તો મનમાં મલકાયા કરું. કબાટ ખોલ્યો તો મમ્મીને ખાલી બોક્સ મળ્યું. એ તો એટલી અકળાઈ કે આખું બોક્સ કોણ ખાઈ ગયું હશે? મેં કીધું બિલાડી ખાઈ ગઈ હશે, મમ્મી કહે હા , નક્કી મારી જ બિલાડી ખાઈ ગઈ હશે કેમ ?’

  • ખાઈ શકાય તેવી ચોકલેટની રંગોળી બનાવી

ચોકલેટ કે લીયે કુછ ભી કરેગા. સુરતના હોમ બેકર હર્ષા શ્રોફને ચોકલેટ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેઓ ચોકલેટની મિઠાઈની સાથે ચોકલેટની જ રંગોળી પણ બનાવે છે. તેઓએ હાલમાં જ 35 કિલોની એડિબલ રંગોળી કેક બનાવી હતી. આ રંગોળીની ઉંચાઈ 4 ફૂટની હતી. જેમાં બ્રાઝિલ નટ, મેકેડેમિયા, હેઝલ નટ, કેરેમલ, માલ્ટાઝ, કેપચિનો, પિસ્તાચિયો, રોસ્ટેડ આલ્મન્ડ, ટ્રફલ, બ્રાઉની, મોકા, બિસ્કોફ જેવી એસોર્ટેડ ફ્લેવર્સનું લેયર તૈયાર કરીને આ કેક બનાવવામાં આવી હતી. આ રંગોળી તૈયાર થતા 4 દિવસનો સમય લાગ્યો હતો.

  • નહાવાના ટુવાલથી માંડીને ઘરનો રંગ પણ ચોકલેટ કરાવ્યો છે

ચોકલેટનો લવ લોકોને કંઈ પણ કરવા મજબુર કરી દે છે. આ ચોકલેટ લવર િહરલબેને પોતાના ઘરની દિવાલો ચોકલેટ કલરથી રંગી છે. એટલું જ નહીં તેમના ઘરનું ફર્નિચર પણ ચોકલેટ બ્રાઉન કલરનું છે. તેમના ઘરે સવારમાં નાસ્તાની સાથે ચા-કોફી નહીં પણ ડાર્ક ચોકલેટ બને છે. તેમના ઘરે કોઈ પણ ફંકશન હોય, કેકથી માંડીને મિઠાઈ પણ ચોકલેટ ફ્લવેરમાં જ હોય છે. તેમના નહાવાના ટુવાલથી માંડીને શર્ટના કલર પણ ચોકલેટના શેડ સાથે મોટા ભાગે મેચ કરે છે. તેમના ઘરની તખ્તી પર પણ ચોકલેટના શેપ પર તેમનું નામ લખાયેલું છે.

Most Popular

To Top