Vadodara

જુલૂસમાં ડીજે વાગ્યુ : ટોળાં એકત્ર થતાં 4ની અટક : સંચાલક વોન્ટેડ

વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે રહેણાક વિસ્તારમાં આયોજિત DJ પાર્ટીમાં મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતાં વાડી પોલીસે જાહેરનામા ભંગ બદલ ટેમ્પોચાલક, આયોજક સહિત ચાર લોકોની અટકાયત કરી DJ સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ પોલીસે DJ સિસ્ટમ, આઇસર ટેમ્પો, જનરેટર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 લોકોની અટકાયત કરી તેના વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના મહામારીના પગલે પોલીસ પ્રશાસન દ્વારા ચોક્કસ ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જેમાં DJ વગાડવા મુદ્દે પ્રતિબંધ છે. ત્યારે ઈદ-એ-મિલાદનો પર્વ હોવાથી વાડી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. ત્યારે સ્વામિનારાયણ મંદિરની પાછળ પોસ્ટ ઓફિસની ગલીમાં આઈશર ટેમ્પોમાં DJ વાગતું હોય મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયા હતા. પોલીસની પરવાનગી વગર મોટા અવાજે ડીજે સિસ્ટમ વગાડી રહેણાક વિસ્તારમાં જનતાને ત્રાસ આપી કોરોના મહામારી ચાલતી હોય ત્યારે પણ માસ્ક નહીં પહેરી ટોળું ભેગું કર્યું હતું. ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે DJનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટેમ્પોચાલક ગોપાલસિંહ ઉદેસિંહ વણઝારા (રહે – સાઈનાથ નગર, દંતેશ્વર, વડોદરા),  DJ 18 હજાર ભાડેથી DJ મંગાવનાર ગુલામ મોઇનુદ્દીન મોહમદ મુસ્તાક ચાપાનેરવાલા, પરવેઝ  નઇમભાઈ અંસારી, ઇબ્રાહિમ મોહમદ ઝુબેર સોપારીવાલા ( ત્રણેવ રહે – મોટી વોરવાડ ,વાડી, વડોદરા) ની અટકાયત કરી DJ સિસ્ટમ, આઇસર ટેમ્પો, જનરેટર તથા મોબાઇલ ફોન મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે DJ સંચાલક જયેશભાઈ શઁકરભાઈ સોલંકી ( રહે- ગાજરાવાડી, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. આ ઉપરાંત પોલીસે તમામ વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top