ગઈ તા. 12 જૂનની કાળમુખી બપોરે અમદાવાદમાં એરઈન્ડિયાનું લંડન જતું બોઈંગ પ્લેન ક્રેશ થયું. આ ઘટનામાં 170 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ આખાય વિશ્વને હચમચાવી દીધું હતું, ત્યારે અકસ્માતના બનાવ બાદ એરઈન્ડિયા સાથે સંકળાયેલી કંપનીના સ્ટાફ દ્વારા ઓફિસમાં જ ડીજે પાર્ટી સેલિબ્રેશન કરાયું હોવાની વિગતો સામે આવી છે.
પાર્ટીનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. કંપનીએ આ મામલે માફી માંગી છે અને પાર્ટીમાં સામેલ 4 સિનિયર ઓફિસર્સને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
આ મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં પ્લેન ક્રેશના થોડા દિવસો પછી એરપોર્ટ સર્વિસ મેનેજમેન્ટ ફર્મ એર ઇન્ડિયા SATS સર્વિસીસ (AISATS) એ ઓફિસમાં ઉજવણીના વીડિયો પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કંપનીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ચાર વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કર્યા છે.
AISATS એ એર ઇન્ડિયા અને સિંગાપોરની SATS લિમિટેડની ગ્રાઉન્ડ હેન્ડલિંગ જોઈન્ટ વેન્ચર કંપની છે. તાજેતરમાં તેના કર્મચારીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ઓફિસમાં નાચતા, ગાતા અને ઉજવણી કરતા જોવા મળે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 12 જૂનના રોજ એર ઇન્ડિયા AI 171 અકસ્માતના થોડા દિવસો પછી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ આ વીડિયોની તારીખ સ્પષ્ટ કરી નથી. એવું માનવામાં આવે છે કે તે 12 જૂનના અકસ્માતના થોડા દિવસો પછી શૂટ કરવામાં આવ્યો હતો.
કંપનીએ માફી માંગી
શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં AISATS એ જણાવ્યું હતું કે, AI 171 અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો સાથે અમે ઉભા છીએ અને અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તાજેતરમાં વાયરલ થયેલા એક આંતરિક વિડિયો બદલ અમને દુઃખ છે. આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી. અમે જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે. અમે સંવેદનશીલતા, વ્યાવસાયિક અભિગમ અને જવાબદારી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કરીએ છીએ.
ચાર સિનિયર અધિકારીઓને કાઢી મુકાયા
કંપનીએ સ્પષ્ટતા કરી કે ઓફિસ પાર્ટીના આયોજનમાં સીધા સંકળાયેલા ચાર વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટના ઘટી હતી, જેમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી 241 મુસાફરો વિમાનમાં સવાર હતા. આ વિમાન લંડન ગેટવિક માટે રવાના થયું હતું. પરંતુ, ટેકઓફ થયાના થોડા સમય પછી, તે મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો.