સુરત: આફ્રિકા, બોત્સવાના, કેન્યા, રશિયા સહિતના દેશોમાં કોરોનાને (Corona) લીધે હીરાના ઉત્પાદનમાં (Diamond Production) અસર થઇ છે. વિશ્વના આ દેશોમાં આવેલી ડાયમંડ માઇનીંગ કંપનીઓમાં મેન્ટેનન્સની કામગીરી લાંબી ચાલતા રફ ડાયમંડનું ઉત્પાદન ઓછું થયું છે. તેને લીધે દિવાળીની સિઝન પહેલા હીરાની ખાણના સંચાલકોએ રફ ડાયમંડના ભાવમાં તોતીંગ વધારો કરતા સુરતમાં છેલ્લા બે મહિના દરમિયાન ડોમેસ્ટિક માર્કેટમાં રફની કિંમત સીધી 30 ટકા (Rough Diamond Price hike) વધી ગઇ છે. વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડીબીયર્સે (De Beers) તેની સપ્ટેમ્બર મહિનાની 8મી સાઇટમાં રફના ભાવ ફરી 5 ટકા વધારી દીધા હતા.
ઓગસ્ટમાં 7મી સાઇકલમાં 522 મિલિયન યુએસ ડોલરની (US Dollar) રફ વેચાઇ હતી જે 8મી સાઇકલમાં ઘટીને 490 મિલિયન યુએસ ડોલર રહી છે. ગયા વર્ષે કોરોનાની લહેર હોવા છતાં 467 મિલિયન યુએસ ડોલરની 8મી સાઇટ રહી હતી. જીજેઇપીસીના (GJEPC) ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રત્યેક સાઇટમાં રફના ભાવ વધીને ખૂલી રહ્યા છે. દિવાળી અને તહેવારોની સિઝન પહેલાં સ્થાનિક બજારમાં રફના ભાવ ખૂબ વધી ગયા છે. બીજી તરફ પોલીશ્ડ ડાયમંડ અને જવેલરીની ડિમાન્ડ ટકી રહેશે કે કેમ તેને લઇને નાના કારખાનેદારો ઉત્પાદનને લઇ સજાગ થયા છે. મોટી ડાયમંડ કંપનીઓ આ સ્થિતિને ધ્યાનમાં રાખી 1 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન રાખવા જઇ રહી છે.
રફની આ સમસ્યા દૂર કરવા માટે કાઉન્સિલ દ્વારા રશિયન ડાયમંડ માઇનીંગ કંપની અલરોઝા (Alroza) સાથે સંવાદ ચાલી રહ્યો છે. અલરોઝા સુરતના ડાયટ્રેડ સેન્ટર ખાતે રફ ડાયમંડનું ઓકશન કરે તેવી વિચારણા થઇ છે. તાજેતરમાં અલરોઝાનું પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યું હતું. ડિસેમ્બરમાં ક્રિસમસની સિઝન જોતા યુરોપના બજારોમાં ડાયમંડ જવેલરીની ડિમાન્ડ જોવા મળશે. તે જોતા નવેમ્બર માસની સાઇટના ભાવો પણ વધીને ખૂલવાની શકયતા છે. કોરોનાના દોઢ વર્ષ પછી હીરાઉદ્યોગમાં તેજી જોવા મળી છે. ખાસ કરીને યુરોપના લોકો પાસે બચેલા રૂપિયા માર્કેટમાં આવતા ડાયમંડ અને જવેલરીની સારી ખરીદી જોવા મળી છે.
હીરાઉદ્યોગના સૂત્રો કહે છે કે, રફની કિંમત ખૂબ વધી જતા નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનેદારો માટે તૈયાર હીરાનું ઉત્પાદન કરવું જોખમી સાબિત થઇ શકે છે. તેથી તકેદારી સ્વરૂપે નાના અને મધ્યમ હરોળના કારખાનાઓ દિવાળીના એક સપ્તાહ પહેલા જ બંધ થઇ ગયા છે. તેને લીધે સુરત ડાયમંડ એસોસિએશને (Surat Diamond Association) 25 ઓકટોબરથી એસટી (ST) સાથે જોડાણ કરી બસસેવા વતને જવા માટે શરૂ કરાવી છે. સુરતમાં પરિવાર સાથે રહેતા રત્નકલાકારો આવતીકાલથી વતને જવા માટે વધુ ધસારો કરે તેવી સંભાવના છે.