SURAT

દિવાળી પછી માર્કેટ ખૂલતાં જ સાડી અને ડ્રેસ મટિરિયલમાં નંગ દીઠ 50થી 100 રૂપિયા વધી જશે

સુરત: (Surat) આયાતી કોલસા, કલર કેમિકલ અને ડાઇઝના ભાવો અનેકગણા વધી જતાં પ્રોસેસર્સ દ્વારા દિવાળી (Diwali) સિઝનમાં જોબચાર્જમાં બે વાર 20-20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેના લીધે કાપડની પ્રોડક્શન કોસ્ટ વધી છે. આથી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને દિવાળી વેકેશન પછી સાડી (Sari) અને ડ્રેસ મટિરિયલની (Dress Material) જુદી જુદી ક્વોલિટી ઉપર નંગ દીઠ હોલસેલમાં 50થી 100 રૂપિયાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. તેના લીધે 1000 રૂપિયાની સાડીની કિંમત 100 રૂપિયા વધીને 1100 રૂપિયા થઇ જશે. જ્યારે 500થી 700 રૂપિયાની રેંજમાં મળતું ડ્રેસ મટિરિયલ નંગ દીઠ 50 રૂપિયા મોંઘું થશે.

  • સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને દિવાળી પછી માર્કેટ ખૂલતાં સાડી અને ડ્રેસ મટિરિયલમાં નંગ દીઠ 50થી 100 રૂપિયા વધારવાની વિચારણા કરી
  • પ્રોસેસનો જોબચાર્જ વધતાં સાડી-ડ્રેસ મટિરિયલની કિંમત હોલસેલમાં 15 ટકા વધશે

સુરતની કાપડ માર્કેટ 11 નવેમ્બરથી શરૂ થશે. એ પછી એસજીટીટીએ સાથે સંકળાયેલા વેપારીઓએ વધેલા ભાવ સાથે કાપડ વેચવાનું નક્કી કર્યું છે. જો કે, દિવાળી વેકેશન પછી વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી નક્કી કરવામાં આવશે. સુરતથી મોટા ભાગે યુપી, બિહાર, ઓડિસા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે સુરતમાં 200થી 400 રૂપિયાની રેંજમાં સાડી બને છે તેની કિંમત 30થી 50 રૂપિયા વધી જશે. એસજીટીટીએના પ્રમુખ સુનીલ જૈને પત્રકારોને જણાવ્યું હતું કે, વેલ્યુ એડિશન વર્કવાળી હાઇ વેલ્યુ સાડીના વેચાણને લઇ કોઇ ખાસ સ્પર્ધા થવાની શક્યતા નથી. પરંતુ લોઅર રેન્જની સાડીની કિંમતો વધશે તો વેપારીઓને નુકસાન નહીં થાય. સુરતમાં પ્રોસેસિંગ, પેકેજિંગ ચાર્જના ભાવ વધ્યા છે. યાર્ન અને ગ્રે-કાપડના ભાવો પણ ખૂબ વધી ગયા છે. આવી સ્થિતિમાં સાડી અને ડ્રેસ મટિરિયલના ભાવો વધારવા સિવાય છૂટકો નથી.

80થી 100 રૂપિયાની સુરતી સાડી ભૂતકાળ બની જશે
સુરતની એમએમએફ આધારીત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશનાં ગરીબ રાજ્યોને ધ્યાનમાં રાખી સસ્તી અને ટકાઉ સાડી બનાવવામાં આવતી હતી. દાણી જેવી ક્વોલિટીમાંથી 80થી 100 રૂપિયાની કિંમતની બનતી સાડી હવે ભૂતકાળ બની જશે. યાર્ન, ગ્રે-કાપડ અને કાપડ પ્રોસેસના ચાર્જ વધી જતાં હલકી ક્વોલિટીની સાડીનું લઘુત્તમ મૂલ્ય 120 રૂપિયા થઇ જશે. કારણ કે, ટ્રેડર્સને આ સાડી 100 રૂપિયામાં પડશે. તે જોતાં તેની વેચાણ કિંમત 120 રૂપિયા થઇ જશે. – મહેન્દ્ર રામોલિયા (અગ્રણી વિવર્સ)

Most Popular

To Top