Editorial

ભારતને દિવાળીની ભેટ, કોરોના સામેની સ્વદેશી રસી કોવેક્સિનને WHOની મંજૂરી

કોરોનાના મામલે આખા વિશ્વમાં બીજા નંબરે રહ્યા બાદ હવે ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. હવે કોરોનાનો કહેર એટલો રહ્યો નથી. કોરોનાની સામે લડવા માટે ભારતવાસીઓએ ભારે જોર લગાડ્યું. એક સમય એવો હતો કે દેશમાં હોસ્પિટલોમાં અને મોત બાદ સ્મશાનોમાં જગ્યા નહોતી. પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. લોકો હવે કોરોનાથી ડરતા નથી. ભવિષ્યમાં કોરોના સામાન્ય બીમારી જેવો બની જશે. પરંતુ સાથે સાથે કોરોનાને કારણે ભારતે કેટલીક સિદ્ધીઓ પણ મેળવી છે. કોરોના સામે લડવા માટે ભારતમાં શરૂઆતના તબક્કે કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની વેક્સિન તૈયાર કરવામાં આવી હતી.  કોવિશિલ્ડને તો WHO દ્વારા ઝડપથી માન્યતા આપી દેવામાં આવી હતી પરંતુ કોવેક્સિન સ્વદેશી રસી હોવાથી WHO દ્વારા તેને માન્યતા આપવામાં આવી નહોતી. જેને કારણે જેમણે કોવેક્સિન લીધી હોય તેવા તમામ ભારતવાસીઓ માટે મુશ્કેલીઓ ઊભી થતી હતી. WHO દ્વારા માન્યતા આપવામાં આવી નહી હોવાને કારણે વિદેશપ્રવાસમાં પણ કોવેક્સિન લીધી હોય તો તેને મંજૂરી અપાતી નહોતી.

WHO દ્વારા માન્યતા નહીં આપવાની સામે ભારત દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. સાથે સાથે કોવેક્સિન દુનિયાના અન્ય દેશોમાં લગાડી શકાતી નહોતી. ભારત દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં કે WHO કોવેક્સિનને મંજૂરી આપી દે. તાજેતરમાં જી-20ની બેઠકમાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના વડા ડો. એંતોનિયો ગુતારેસ સાથે કોવેક્સિનની મંજૂરી અંગે ચર્ચા પણ કરી હતી અને એવું જણાવ્યું હતું કે, ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનનો 5 અબજ ડોઝ તૈયાર કરે તેવી શક્યતા છે. જો તેને મંજૂરી અપાય તો આગામી દિવસોમાં અન્ય દેશોમાં પણ કોવેક્સિન લગાડી શકાય. WHO દ્વારા અગાઉ તા.26મી ઓકટો.ના રોજ કોવેક્સિનના મામલે બેઠક પણ યોજવામાં આવી હતી પરંતુ તે સમયે કોવેક્સિનના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જોકે, આ મીટિંગમાં એવા સંકેતો જરૂરથી મળ્યા હતા કે આગામી બેઠકમાં કોવેક્સિનને મંજૂરી મળી જશે અને આખરે મંજૂરી મળી ગઈ.

હૈદરાબાદના ICMR અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનને ભારતમાં જ વિકસાવવામાં આવી છે. WHOએ સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપતી વખતે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં રહેલા અમારા નિષ્ણાતોની ટીમ દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવેક્સિને WHOના ધારાધોરણો પૂરા કર્યા છે અને આ વેક્સિનના જોખમની સામે તેના લાભ વધુ છે. આ વેક્સિને દુનિયા માટે ઉપયોગી સાબિત થશે.

કોવેક્સિનની સમીક્ષા WHOના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યૂનાઈઝેશન એ કરી છે. બે દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયા સહિતના પાંચ દેશ દ્વારા જેણે કોવેક્સિન લગાડી હોય તેને ટ્રાવેલિંગ માટે મંજૂરી આપી હતી. જે ભારતીયએ કોવેક્સિન લગાડી હોય તે તેના સર્ટિફિકેટ સાથે ઓસ્ટ્રેલિયા સહિતના આ પાંચ દેશમાં જઈ શકે છે. તેણે 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવાની જરૂરીયાત નહીં રહે. જોકે, હવે WHO દ્વારા માન્યતા આપી દેવામાં આવી હોવાથી ભારતીયો વિશ્વના કોઈપણ દેશમાં કોવેક્સિન લગાડી હોવાના સર્ટિફિકેટ સાથે જઈ શકશે. WHO દ્વારા કોવેક્સિનને મંજૂરી એ ભારત માટે દિવાળીની ભેટ સમાન છે. ભારતમાં કોવેક્સિન લગાડનારા ઓછા છે પરંતુ હવે WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાડનારાઓની સંખ્યા વધશે. કોવેક્સિનને WHOની મંજૂરી એ ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. કોવેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી વેક્સિન છે અને હવે WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાડનારાઓની સંખ્યા વધશે. ભારત આ વેક્સિનની મોટાપાયે નિકાસ કરીને કમાણી પણ કરી શકશે.

Most Popular

To Top