National

અયોધ્યા દીપોત્સવમાં મોદી મહેમાન બનશે, આજે આશરે 18 લાખ દીવા પ્રગટાવાશે

અયોધ્યા: દિવાળીની (Diwali) ઉજવણીના ભાગ રૂપે અહીં રવિવારે લગભગ 18 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. તેમ જ આતિશબાજી થશે, લેસર શો અને રામલીલાના મંચનનો સમાવેશ થશે.દીપોત્સવની (Dipotsava) છઠ્ઠી આવૃત્તિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાજરી આપશે. અયોધ્યાના (Ayodhya) ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે, સરયુ નદી પાસે રામ કી પૌડી ખાતે 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાકીના દીવાઓને મહત્ત્વના ચાર રસ્તા અને સ્થળોએ મૂકવામાં આવશે.

યુવાનો સેલ્ફી લેવામાં અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં વ્યસ્ત
દીપોત્સવની અનુભૂતિ કરવા શનિવારે સાંજે મોટી સંખ્યામાં લોકોએ રામ કી પૌડીની મુલાકાત લીધી હતી. ઉત્સાહિત યુવાનો સેલ્ફી લેવામાં અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં વ્યસ્ત હતા.દીપોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે, ”સ્વયંસેવકોને એક ચોરસમાં 256 માટીના દીવા ગોઠવવાનું કહેવામાં આવ્યું છે અને બે ચોરસ વચ્ચેનું અંતર અંદાજે બેથી ત્રણ ફૂટનું હશે.” રિનવાએ કહ્યું હતું કે, આ દીપોત્સવ પ્રસંગે લેસર શો, 3ડી પ્રોજેક્શન મેપિંગ શો અને આતિશબાજી પણ થશે.

”23 ઓક્ટોબરે રવિવાર હોવાથી રામ લલ્લા લાલ-ગુલાબી ડ્રેસ પહેરેલા જોવા મળશે
કમિશનરે જણાવ્યું હતું કે, ”અન્ય દેશો અને રાજ્યોના સાંસ્કૃતિક મંડળો દ્વારા પણ રામલીલાનું આયોજન કરવામાં આવશે. રામ કથા પાર્કમાં ભગવાન રામ, દેવી સીતા, ભગવાન લક્ષ્મણ અને ભગવાન હનુમાનને પુષ્પક વિમાનમાંથી ઊતરતા દર્શાવવામાં આવશે. આ પ્રસંગે સરયુ નદીની આરતી પણ કરવામાં આવશે.”રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, ”23 ઓક્ટોબરે રવિવાર હોવાથી રામ લલ્લા લાલ-ગુલાબી ડ્રેસ પહેરેલા જોવા મળશે અને ભગવાન રામ અને તેમના ભાઈઓ માટે કપડાંનો એક નવો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.” નિવેદનમાં જણાવાયું છે કે, 6.30 વાગ્યાની આસપાસ, વડા પ્રધાન સરયુના કિનારે આરતીના સાક્ષી બનશે, જે પછી તેમના દ્વારા ભવ્ય દીપોત્સવ ઉજવણીનો પ્રારંભ થશે.

Most Popular

To Top