ઘેજ: ચીખલીમાં (Chikhli) દિવાળીના (Diwali) તહેવાર પૂર્વે તસ્કરો (Thief) સક્રિય થતા એક સાથે સાતથી વધુ દુકાન (Shop) લારીગલ્લાઓના તાળા તૂટતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ બુધવારની રાત્રે ચીખલીના સોનીવાડ વિસ્તારમાં અનાજ કરિયાણાની એક દુકાન અને રેફરલ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગને અડીને આવેલી ચા-નાસ્તાની છ લારીગલ્લાના તાળા તોડી તસ્કરો ભાગી છૂટ્યા હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે. જોકે નાની રકમને બાદ કરતા ચોરટાઓને કંઇ હાથ લાગ્યુ ન હતું. આ ઉપરાંત કોલેજ વિસ્તારમાં તસ્કરોએ કસબ અજમાવવાનો ગત રાત્રે જ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવ અંગેની કોઇ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ ન હતી.
- ઠંડી પૂરજોશમાં શરૂ થાય તે પૂર્વે જ તસ્કરો સક્રિય થયા
- કોલેજ વિસ્તારમાં તસ્કરોએ કસબ અજમાવવાનો પણ પ્રયાસ કર્યો
એક સાથે એક જ રાતમાં છ થી વધુ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાસ થતા સામી દિવાળીએ પોલીસ સાથે નાના-મોટા ધંધાર્થીઓએ પણ તકેદારી રાખવી જરૂરી બન્યું છે. આમ, તો શિયાળાની સીઝનમાં ચોરીના બનાવો વધુ બનતા હોય છે. ત્યારે ચીખલીમાં ઠંડી પૂરજોશમાં શરૂ થાય તે પૂર્વે જ તસ્કરો સક્રિય થયા હોય તેમ લાગ છે. ત્યારે ચીખલી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે અને લોકોના જાનમાલની સુરક્ષા માટે કવાયત હાથ ધરે તે જરૂરી છે.
કારમાં આવેલા તસ્કરોએ મો ઉપર મંકી કેપ પહેરી, સીસીટીવીની આંખ પણ ફેરવી નાંખી
ગુરુવારની વહેલી સવારના સમયે ચીખલીના સોનિવાડ વિસ્તારમાં આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં દુકાનનું શટર તોડતાની સાથે જ નમાઝ અદા કરવા જતાં મુસ્લિમ અગ્રણીઓ આવી પહોંચતા ચોરટાઓએ દોટ મૂકી હતી. જોકે પ્રથમ દ્રષ્ટિએ જોનાર અગ્રણીના જણાવ્યાનુસાર બે થી ત્રણ જેટલા ચોરટાઓ એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અને મો ઉપર મંકી કેપ પહેરી આવ્યા હતા. અને સોનિવાડ સ્થિત દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની આંખ પણ ફેરવી નાંખતા ચહેરા કેદ થયા ન હતા.