SURAT

ફૂલપાડાની લારી પર ઈંડા ખાધા બાદ દિવ્યાંગ યુવકે પૈસા આપવાના બહાને વૃદ્ધા સાથે કરી આવી હરકત

સુરત : કતારગામ ખાતે રહેતી અને ઇંડાની લારી ચલાવતી વૃદ્ધાના ગળામાંથી લારી ઉપર ઇંડા ખાવા આવેલા એક દિવ્યાંગ વ્યક્તિએ સોનાની ચેઈન અને પેંડલ સ્નેચિંગ કરીને ભાગી ગયા હતા. કતારગામ પોલીસે એક દિવ્યાંગ મળીને બે સ્નેચરો સામે ફરિયાદ નોંધી છે.

કતારગામ ખાતે મહાકાળી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય કુસુમબેન બળવંતભાઈ ખત્રી ફુલપાડા મેઈનરોડ પર ઇંડાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 14 માર્ચે રાત્રે સાડા દસેક વાગે એક બાઈક ઉપર બે યુવકો આવ્યા હતા. જેમાંથી એક યુવકને ડાબો હાથ નહોતો. આ દિવ્યાંગ યુવકે કુસુમબેન પાસેથી પાંચ બાફેલા ઇંડા લીધા હતા. અને લારી ઉપર ઉભા રહીને ખાધા હતા. બાદમાં એક યુવકે થોડા આગળ જઈને બાઈક ચાલુ કરી હતી. દિવ્યાંગ યુવક પૈસા આપવા આવ્યો અને કુસુમબેનના ગળામાંથી આશરે 50 હજારનું સોનાનું ચેઈન અને પેંડલ ખેંચી બાઈક પર બેસીને ભાગી ગયો હતો.

કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે ડભોલીમાંથી ચોરી કરેલી બાઈક સાથે ચેઈન સ્નેચિંગ કરનાર બંને આરોપીઓ નાજુભાઈ મહરૂભાઈ પરમાર (ઉ.વ.22, રહે.તાપી નદી પાળા પર ઝુપડપટ્ટીમાં, કતારગામ તથા મુળ ભાવનગર) તથા અર્જુન ઉર્ફે ઠુઠો રાજુભાઈ વાઘેલા (ઉ.વ.19, રહે.તાપી નદી પાળા ઉપર ઝુપડપટ્ટીમાં કતારગામ) ને પકડી તેમની પાસેથી ચોરીની બાઈક તથા સ્નેચીંગ કરેલી સોનાની ચેઈન સાથે પકડી પાડ્યા હતા.

ચોર સમજી યુવકની હત્યા કરનારા પુણા ગામની હોટલ હોટબ્રેકના કારીગર સહિત બે પકડાયા
સુરત : પૂણા ગામ ખાતે આવેલી હોટબ્રેક હોટલના કારીગરે અને પાનના ગલ્લાવાળાએ મળસ્કે અજાણ્યાને ગટરનું ઢાકણુ ચોરી કરતો હોવાનો વહેમ રાખીને માર મારતા તેનું મોત થયું હતું. પૂણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી.

પરવટ પાટીયા ખાતે ઓમનગર સોસાયટીમાં રહેતી 61 વર્ષીય હેમલતાબેન હરેશભાઈ જોષીએ પૂણા પોલીસ સ્ટેશનમાં તેમના કારીગર દિવાકર ઉર્ફે ટુટુ કાશીનાથ માજી (ઉ.વ.34, મુળ ઓરીસ્સા) તથા હોટલની બહાર પાનનો ગલ્લો ચલાવતા સુશિલ યમુનાપ્રસાદ તિવારીની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

હેમલતાબેન રહેણાંક કંપાઉન્ડમાં હોટબ્રેક નામથી હોટલ ચલાવે છે. હોટલનું સંચાલન તેમના પતિ હરેશભાઈ કરે છે. તેમની હોટલમાં 14 કારીગરો કામ કરે છે. જેમાં દિવાકર ઉર્ફે ટુટુ કાશીનાથ માજી હોટલમાં જ રહે અને સુવે છે. તેમની હોટલની બાજુમાં પાનનો ગલ્લો ચલાવતો સુશિલ તિવારી (ઉ.વ.27) સવારે પાંચ વાગે ગલ્લો ચાલુ કરે છે.

આજે સવારે એક અજાણ્યો ત્યાં ગટરનું ઢાંકણુ ઉંચુ કરતા તે ચોરી કરતો હોવાના વહેમમાં આ સુશિલ અને દિવાકરે તેને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. સવારે રીક્ષા ચાલકે તેમના ગેટ પાસે એક વ્યક્તિ પડેલાની જાણ કરતા 108 બોલાવી ત્યારે મૃત હોવાની જાણ થતા પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન સીસીટીવી ચેક કરતા બંને જણાએ માર માર્યાની હકીકત સામે આવી હતી. અને તેમની સામે ગુનો દાખલ કરી અટકાયત કરાઈ છે.

Most Popular

To Top