Entertainment

છવાઈ ગઈ દિવ્યા

દિવ્યા દત્તા હમણાં ‘છાવા’માં સોયરાબાઈ તરીકે આવી. જો કે આ ફિલ્મ વિકીના પાત્રને એટલું બધુ કેન્દ્રમાં રાખે છે કે બીજા પાત્રો પર આપણું ધ્યાન જતું નથી. દિવ્યા હવે આ બધું જાણે છે ને સમજે છે. ચરિત્ર અભિનેત્રીઓનાં સ્થાન આનાથી વધારે ન હોય. અલબત્ત, આજકાલ નીના ગુપ્તા, શેફાલી શાહ વગેરે વધારે જગ્યા મેળવી લે છે અને એવો હક દિવ્યાનો પણ છે પરંતુ એ માટે એવી ફિલ્મ આવવી જોઈએ. ચરિત્ર કલાકારોને આધારે ફિલ્મો વેચી શકાતી નથી. હા, પુરુષ ચરિત્ર અભિનેતા નાના પાટેકર, પરેશ રાવલ, બોમન ઈરાની વગેરેની વાત જૂદી છે. દિવ્યા દત્તા 1994માં જ્યારે ‘ઈશ્ક મેં જીના ઈશ્ક મેં મરના’ આવી ત્યારે તો 30 વર્ષ નાની હતી. 25 સપ્ટેમ્બર 1977માં લુધીયાણામાં જન્મેલી દિવ્યા હિન્દી ઉપરાંત પંજાબી ફિલ્મોમાં કામ કરતી આવી છે. હિન્દી ફિલ્મોમાં તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. 1995માં આવેલી ‘વીરગતિ’ ફિલ્મ યાદ છે? તેમાં સલમાન હીરો હતો અને દિવ્યાએ સંધ્યાની ભૂમિકા ભજવેલી. યશ ચોપરાની ‘વીરઝારા’માં ઝારાની સખી શબીના ઈબ્રાહીમ તરીકે તેણે ખૂબ જ સારી ભૂમિકા ભજવેલી. એ જ રીતે શ્યામ બેનેગલ દિગ્દર્શીત ‘વેલકમ ટુ સજ્જનપુર’માં તે વિંધ્યા તરીકે મસ્ત ભૂમિકામાં હતી. દિવ્યા દત્તા ઘણી સક્ષમ અભિનેત્રી છે અને તે ‘દિલ્હી-6’ ‘સ્ટેન્લી કા ડબ્બા’, ‘હીરોઈન’, ‘બદલાપુર’માં પણ જોઈ શકો છો. ‘ભાગ મિલખા ભાગ’માં તે મિલખા સિંઘની બહેનની ભૂમિકામાં હતી. પંજાબી તરીકે પાત્ર ભજવવાનું હોય તો તે કમ ન જ નીકળે. પંજાબીની ‘શહીદ-એ-મહોબ્બત બુટાસીંઘ’માં તે શીખ પતિની મુસ્લિમ પત્ની ઝૈનાબ બનેલી તો ખૂબ પ્રશંસા મળેલી. 2017માં ‘ઈરાદા’ નામની ફિલ્મ આવી હતી. જેમાં નસીરુદ્દીન શાહ, અર્શદ વારસી હતા અને રખાતની ભૂમિકા ભજવેલી અને તે માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળેલો.
દિવ્યા દત્તા ટી.વી. શ્રેણીમાં પણ કામ કરતી આવી છે. ‘સ્વાભિમાન’માં તે પૂર્ણીમાં બેનરજીની ભૂમિકામાં હતી અને જ્યારે ‘સ્પેશિયલ ઓપ્સ’માં ભૂમિકા ભજવી ત્યારે ફિલ્મફેરનો ઓટીટી એવોર્ડ જીતી ગયેલી. દિવ્યા દત્તા સતત સારી ભૂમિકા માટે પ્રયત્નશીલ રહી છે. તેની મમ્મી સરકારી અધિકારી અને ડૉક્ટર હતી અને તેણે દિવ્યા અને તેના ભાઈને એકલે હાથે ઉછેર્યા છે એટલે તે આજે પણ પાછી પડતી નથી. દિવ્યા પોતાને ફિયરલેસ અને પ્રોફેશનલ તરીકે ઓળખાવે છે. ‘ગિપ્પી’ નામની ફિલ્મમાં ભજવેલી ભૂમિકા તેની માનાં જીવન આધારીત જ હતી. તે દરેક ભૂમિકા માટે તૈયાર છે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફર્ગોટન હીરો’માં તે નેતાજીની બહેનની ભૂમિકામાં હતી તો ‘સિલસિલે’માં શાહરૂખ ખાન અને ભૂમિકા ચાવલા સાથે હતી. દિવ્યાની ફિલ્મોની યાદી ઘણી મોટી છે.
દિવ્યા દત્તા અત્યારે 47 વર્ષની છે અને અપરિણીત છે. ‘મી એન્ડ મા’ નામે પુસ્તકમાં તેણે માનાં સંઘર્ષની વાત સરસ રીતે લખી છે. અત્યારે તે ‘એક રુકા હુઆ ફેંસલા’, ‘પોસ્ટમેન’, ‘ફાઈલ નંબર 323’, ‘જિલા કનૌજ’ અને ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હે’ માં કામ કરી રહી છે. તે તેની કારકિર્દીથી ખુશ છે અને વધુ સારી ભૂમિકા મેળવવા પ્રયત્નશીલ છે. •

Most Popular

To Top