હાલમાં દર વર્ષે જેટલા કેસોનો ચુકાદો આવે છે તેના કરતાં ઘણા બધા કેસો દર વર્ષે નવા દાખલ થાય છે જેથી દિવસે ને દિવસે ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. વર્ષો ચાલ્યા જાય છે. ન્યાય મેળવવામાં વિલંબ તે પણ ખૂબ જ મોટી સજા છે. તે સમાજની લાચારી છે પરંતુ તેનો ઉકેલ તો આપણા હાથમાં છે જ. બંધારણમાં યોગ્ય સુધારા લાવીને સમાજને ફાયદો કરાવી શકાય. જમીન મિલકતના કેસોમાં વર્ષો લાગે તો ખાસ કંઈ ફરક નથી પડતો તેમાં માત્ર પૈસાનો જ સવાલ રહે છે. પરંતુ છૂટાછેડાના કેસ કે અન્ય કેસોમાં જ્યારે વર્ષો વહી જાય છે ત્યારે સંબંધિત બે વ્યક્તિઓ નહીં , પરંતુ બંને કુટુંબનાં જીવન બરબાદ થઈ જાય છે. આવા તો બધી જ કોર્ટમાં સેંકડો કેસ હોય , તો આ તમામ કુટુંબોના જીવન ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે.
તો એવા કુટુંબ પર , એ છોકરા છોકરીઓ પર શું વીતતી હશે તે તો તેઓ જ જાણે. તારીખ પે તારીખ પે તારીખનો જે સિલસિલો છે, જેમાં સમય અને પૈસાનો નિરર્થક વેડફાટ , ચિંતામાં વધારો ને વધારો થાય છે.ક્ષુલ્લક કારણોને કારણે તારીખ પર તારીખ પડે છે તેના પર નિયંત્રણ લાવવું જોઈએ.જવાબદારી નક્કી થવી જોઈએ અને તેને માટે જવાબ માંગવો જોઈએ તેની નોંધ લેવાવી જોઈએ. જે કોઈ કેસ ચલાવવાના હોય એ કેસનો ટાઈમ પણ મુકરર કરી દેવો જોઈએ તો બાકીના લોકોનો આખો દિવસ બગડે નહીં. મહત્તમ છ કે સાત તારીખમાં અથવા તો છૂટાછેડા જેવા અતિ ગંભીર કહી શકાય તેવા કેસમાં એક વર્ષની અંદર જ ચુકાદો આવી જવો જોઈએ.
જે કોઈ પણ કેસમાં જે તે વ્યક્તિની જિંદગી દાવ પર લાગી જતી હોય એવા તમામ કેસોનો અગ્રતા ક્રમે ઉકેલ લાવીશું તો સમાજને પણ ઘણો ફાયદો થશે. અમુક સમાજ જે નિયમ લાવ્યા છે કે છુટાછેડા કેસ જેવા કોઈ પણ કેસ માટે કોર્ટમાં જવું નહીં જે ખરેખર અભિનંદનને પાત્ર છે.વારંવાર આ વિશે ઘણી વાતો થાય છે. સમાચારપત્રોમાં ઉલ્લેખ થાય છે છતાં પણ એમાં કોઈ સુધારો થતો નથી તો એના માટે હવે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને ચોક્કસ પગલાં લેવાં જોઈએ.
અમેરિકા – ચંદ્રેશ જરદોશ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવરાત્રિ હવે ‘‘ગ્લેમર રાત્રિ’’બની ગઈ છે!
એમાં ભક્તિ ઓછી અને દેખાડો વધુ હોય છે! પહેલા શેરી, મહોલ્લા કે સોસાયટીઓમાં માતાજીના ફોટા સાથે છીદ્રોવાળા માટલામાં દીવો મૂકી, તેની આજુ-બાજુ ગોળ ફરતે બહેનો ફરતી, જાતે જ ગરબા ગાતા અને ઝીલતા જે અતિ કર્ણપ્રિય લાગતું તેનું સ્થાન આજે લેસરની રોશનીથી ઝળહળતા ગરબા ગાતા ગાયકોએ લઈ લીધું છે. જે અતિશય ઘોંઘાટીયું લાગે છે! એક તાળી-બે તાળીના ગરબાનું સ્થાન દોઢીયા અને ઠેકડાએ લઈ લીધું છે!
સામાન્ય ઘરના લોકો પણ મોંઘાદાટ કપડાઓ, ઘરેણાઓ અને ટેટુ પાછળ આંધળો ખર્ચ કરે છે! નવરાત્રિ એ ઉપવાસ અને અનુષ્ઠાનનું પર્વ છે પણ પાર્ટી પ્લોટ કે ડોમમાં જે ગરબાઓ રમાય છે ત્યાં બુટ-ચંપલ અને મોજડીઓ પહેરી, સીટીઓ વગાડી ગરબા રમાય છે. આ અધોગતિ નહીં તો બીજું શું છે? ડીજે ઉપર હિંદી ફિલ્મોના ગીતે ખેલૈયાઓ ગરબે ઘુમે છે તેની સામે બહેનોના બેઠા ગરબાથી જેઓ પરિચિત હશે તેઓ આ બે વચ્ચેનો તફાવત સમજી શકશે! ટૂંકમાં ભક્તિ અને શક્તિનું પ્રતિક એવી નવરાત્રિ હવે ‘‘ગ્લેમરસ’’અને ‘‘કોમર્શિયલ’’બની ગઈ છે!
સુરત – ભાર્ગવ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.