હમણાં એક જૂનો મિત્ર મળ્યો. મને પૂછે કે તું કેટલા ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો વાંચે છે ? મેં કહ્યું, ગુજરાતમિત્ર ઉપરાંત પ્રકાશિત થતા બધા જ. તો મને કહે એ બધામાં શ્રેષ્ઠ કયું? મેં જવાબ આપ્યો, ગુજરાતમિત્ર. તો મને કારણ પૂછ્યું. મેં કહ્યું , તેની વૈવિધ્યતાને કારણે. ગુજરાતમિત્રમાં સમાચારમાં ફક્ત તથ્ય જ છપાય છે. તેના તંત્રીલેખ પણ તટસ્થ હોય છે અને જે તે દિવસની નોંધનીય કે વિવાદાસ્પદ ઘટનાનું વિશ્લેષણ તરત જ તંત્રીલેખમાં આવી જાય છે. સિનેમા વિભાગમાં કોઈ એક જાણીતા ફિલ્મી ગીતાનો ભાવાર્થ આપવામા આવે છે જે ખૂબ જ પ્રસંશનીય છે.
તેના કાગળ ,પ્રિન્ટિંગ અને ફોટાઓની ક્વોલિટી પણ ઉચ્ચ પ્રકારની હોય છે. અન્ય વર્તમાનપત્રોના પાના જાહેરખબરોથી ભરેલા હોય છે જ્યારે ગુજરાતમિત્રમાં જાહેરખબરોની ભરમાર ન હોવાથી વાંચવાનું ગમે છે. બીજા વર્તમાનપત્રોની સુરત આવૃત્તિ પાછળથી આવી જ્યારે ગુજરાતમિત્ર તો સુરતનું પોતાનું અને સુરતના ઇતિહાસથી રગેરગ વાકેફ એવું અખબાર છે અને એટલે જ અમને સૌથી વધારે ગમે છે. એવું જણાવતા મિત્રએ કહ્યું , મારી દ્રષ્ટિએ પણ ગુજરાતમિત્ર જ આવે પણ મારે તારો અને અન્યોના અભિપ્રાય જાણવા હતા.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખાનગી ટ્રાવેલ્સ બસ ભાડાના ધારા ધોરણ નક્કી કરો
સુરતની વર્ષો જુની પરંપરા અનુસાર દિવાળીના વેકેશનમાં 80 ટકા રત્ન કલાકારો દિવાળી પોતાના વતનમાં જ મનાવતા હોય છે. પરંતુ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને બસના ડબલ સોફના રૂા. 2500 કરી દીધા જે ખુબ જ મોટો વધારો છે. જેના વિપરીત પરિણામે હવે રત્ન કલાકારો ખાનગી બસમાં જવાને બદલે એસ.ટી. બસમાં જવાનું પસંદ કરે છે કારણ કે બસભાડામાં 50 ટકા જેટલો ફાયદો થાય છે. પ્રશ્ન એ છે કે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો આવી ખુલ્લી લુટ ચલાવી રહ્યા છે અને તેને સામે સરકારી તંત્રએ મૌન ધારણ કર્યું છે એનો અર્થ શું સમજો? આ અંગે રાજય સરકારે જાગૃત થઇને મુસાફરોના હિતમાં ચોક્કસ બસ ભાડાના ધારા ધોરણ અને નિયમ અંગેનો જાહેર પરિપત્ર બહાર પાડવો જરૂરી છે. જેથી ખાનગી સંચાલકો દ્વારા ચાલતી ખુલ્લી લુટ પર અંકુશ લગાવી શકાય અને આ નિયમો ભંગ કરનાર સંચાલકોને આકરો દંડ કે પછી કાયમી ધોરણ તેમની એજન્સી રદ કરવાની જોગવાઇ હોવી અનિવાર્ય અને જરૂરી છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.