સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલે ભારે તાંડવ કર્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સુબિર સહીતનાં પંથકોમાં શનિવારથી સોમવાર સુધી અનરાધાર વરસાદ ખાબકતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ભયજનક સપાટીમાં આવી વહેતી થઈ હતી. ડાંગ જિલ્લામાં ત્રણ દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદનાં પગલે ગામડાઓમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી.
- આહવા તાલુકાનો ઢુંઢુનિયા કોઝવે તથા ગાયખાસ કોઝવે ધોવાતા જનજીવનને હાલાકી
- ડાંગ જિલ્લામાં વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, ભેગુધોધ, શિવઘાટનાં ધોધ સહિત નાના મોટા જળધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા
આહવા તાલુકાનાં ઢુંઢુનિયા અને ગાયખાસ કોઝવેને નદીનો પુર ઢસડી જતા હાલમાં લોકોને મોટી તકલીફો વેઠવાની નોબત ઉભી થઈ છે. તેવી જ રીતે આહવા તાલુકાનાં રાનપાડા ગામનું ગરનાળુ પણ ધોવાણ થઈ જતા આસપાસનાં લોકોની મુશ્કેલીઓ વધી છે. મંગળવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, આહવા, વઘઇ અને સુબિર સહીતનાં પંથકોમાં વરસાદની ધાર ધીમી પડી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી તાંડવ બાદ વરસાદની ધાર ધીમી પડતા જનજીવને હાશકારો અનુભવ્યો હતો. મંગળવારે ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, ભેગુધોધ, શિવઘાટનાં બન્ને ધોધ સહિત નાના મોટા જળધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ દરમિયાન સુબીર તાલુકાના સુબીર-મહાલ રોડ ઉપર કડમાળ ગામે રાત્રીનાં સમયે વૃક્ષ ધરાશાયી થયું હતું. જિલ્લા કલેક્ટર મહેશ પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન કર્મચારીઓને કાર્યમથક નહી છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 23 મીમી, સુબિર પંથકમાં 24 મીમી, વઘઇ પંથકમાં 31 મીમી અર્થાત 1.24 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 38 મીમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ડાંગના 15 માર્ગો ખુલ્લા થયા, 5 માર્ગ અવરોધાયેા
વઘઇ તાલુકાના (1) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-2, (4) આહેરડી-બોરદહાડ રોડ, અને (5) ઘોડવહળ વી.એ.રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.