Vadodara

આજે યોગનગરી કાયાવરોહણ ખાતે થશે વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

વડોદરા: આજે તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગમય બનશે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ બે હજારથી વધારે સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં આવેલા વિશિષ્ટ પ્રવાસન અને દર્શનીય સ્થળો ઉપર પણ વહેલી સવારે યોગિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગાભ્યાસુઓ આ ઉજવણીમાં સહભાગી થઈ યોગિક ક્રિયાઓ થકી ‘યોગા ફોર વસુધૈવ કુટુંબકમ’ ની થીમ પર ઉજવણી કરશે અને લોકોને યોગ થકી નિરામય વિશ્વનો સંદેશો આપશે.

આ વર્ષે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોગનગરી કાયાવરોહણ સ્થિત લકુલીશ મંદિર ખાતે યોજાશે.જેમાં જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ભગવાન લકુલીશજીના સાંનિધ્યમાં અઢી હજાર જેટલા લોકો સામૂહિક યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે.યોગનગરી કાયાવરોહણમાં પૂર્ણ સ્વરૂપે બિરાજમાન ભગવાન લકુલીશના કાળમાં પુશપતિચાર્યોને યોગી દીક્ષા અને યોગ શિક્ષા આપવાનું ભગીરથ કાર્ય થતું હતું.તે બાબતને ધ્યાને રાખી અહીં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.વડોદરામાં આરોગ્ય કેન્દ્રો,શાળા-કોલેજો ઉપરાંત તમામ તાલુકા મથકોના દર્શનીય અને પ્રવાસન સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

જેમાં શિનોર તાલુકાના માલસર અને દિવેર; ડભોઈ તાલુકાના ત્રિવેણી સંગમ, હિરાભાગોળ, ગઢભવાની મંદિર, તેન તળાવ, મલ્હારરાવ ઘાટ; પાદરા તાલુકામાં નારાયણ સરોવર; વડોદરા તાલુકામાં વરણામા ત્રિમંદીર, સેવાસી વાવ, સલાડ રાવ, આસોદ વાવ; વાઘોડીયા તાલુકામાં કુમાર શાળા; કરજણ તાલુકામાં નારેશ્વર મંદિર, ભરતમુનિ હોલ, કરજણ તળાવ અને કોળીયાદ વાવ; સાવલી તાલુકામાં ભીમનાથ મહાદેવ તથા આર્ટ્સ અને કોમર્સ કોલેજનો પણ સમાવેશ થાય છે.આ યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ છે.

પાલિકા ધ્વારા “વિશ્વયોગ દિવસ” નિમિત્તે વિવિધ સ્થળોએ યોગ શિબિરનું આયોજન
મહાનગ૨પાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.ભારતીય સં૨કૃતિની ધરોહર એવી યોગથી લોકો માહિતગાર થાય તેનું મહત્વ સમજે અને સામાજીક સમજ આવે તે હેતુથી પ્રતિ વર્ષ ૨૧ જૂનને “વિશ્વયોગ દિવસ” તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ ધ્વારા નકકી કરવામાં આવ્યું છે. ત્યારે સ૨કા૨ની સૂચના મુજબ મહાનગરપાલિકા ધ્વારા “નવમા આંતરાષ્ટ્રીય યોગ દિવસ “ની ઉજવણી અંગર્ગત વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીના શાસનની કેન્દ્રની સ૨કા૨ના ૯ વર્ષ પૂર્ણ થયા હોઇ શહેરમાં ૯ મુખ્ય સ્થળોએ ઉપરાંત G-20 અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ યોગ શિબરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દંડક બાલુ શુક્લ ખાસ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top