સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. 18માંથી 4 બેઠકો બિનહરીફ થવાના સંકેત વચ્ચે કુલ 18 બેઠકો સામે 47 ઉમેદવારોએ ફોર્મ ભરતા કેટલીક બેઠકો પર સત્તાધારી પેનલ, સહકાર પેનલ અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને જોતા કેટલીક બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાશે. તેને લઇને સહકારી ક્ષેત્રમાં ચર્ચા એવી છે કે કેટલીક બેઠકો પર અણધાર્યા પરિણામો આવશે. ½õÀજોકે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવતી કાલે હોવાથી ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. ગુરૂવારે 18 બેઠકો પર 49 ઉમેદવારોએ 99 ફોર્મ ભર્યા છે.
નિઝર-કુકરમુંડાની બેઠક પર સુનીલ પટેલ, યોગેશ રાજપુત અને મહેન્દ્ર પટેલ વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાશે. સુરત સિટીની બેઠક પર કમલેશ સેલર સામે અલ્પેશ ધામેલિયાએ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા સહકારી આગેવાન અને શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા નટુભાઇ પટેલ(વેડ)ને ચૂંટણી લડવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જો તેઓ ઉમેદવારી નોંધાવશે તો અહીં પણ ત્રિકોણિય જંગ થઇ શકે છે.
ગુરૂવારે 11 બેઠક સામે 22 ફોર્મ ભરવામાં આવ્યા છે. સૌથી વધુ સ્પર્ધા માંગરોળ,ઉમરપાડા બેઠક પર થશે. આજે અહીં કિશોર કોસાડાએ ફોર્મ ભર્યુ છે જ્યારે મહુવા બેઠક પર બાબુ ખુશાલ પટેલ, સોનગઢ-ઉચ્છલ-વ્યારા બેઠક પર દિલીપ રઘુનાથ, નીરવ અશોકભાઇ, ગણેશ દિલીપ ભાઇ અને મણિલાલ પુણાભાઇએ ફોર્મ ભર્યા છે. આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બેંકના ઇતિહાસમાં 18 બેઠકો સામે 100 ફોર્મ પ્રથમવાર ભરાશે તેવી સંભાવના જોવાઇ રહી છે.
આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થશે
સત્તાધારી પેનલના 3 ઉમેદવારો સામે સહકાર પેનલ અને કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નથી. વાલોડ બેઠક પરથી બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલ, સિટી-ચોર્યાસીની બેઠક પરથી બેંકના વર્તમાન વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ સામે કોઇ ઉમેદવાર મળ્યો નથી.વ્યક્તિગત પ્રતિનિધિની બેઠક પર ચેમ્બરના માજી પ્રમુખ નયન ભરતિયા સામે પણ કોઇ ઉમેદવારે ઉમેદવારી કરી નથી. બારડોલી બેઠક પર અપક્ષ દીપક પટેલ સામે ભાજપને દરખાસ્ત અને ટેકો આપનાર સભ્ય નહીં મળતા આ ચાર બેઠક બિનહરીફ થશે.