Dakshin Gujarat

વલસાડમાં 3 કિલોમીટરના અંતરમાં બે રેલવે ઓવરબ્રિજના નિર્માણથી નારાજગી, આ 37 ગામના લોકોમાં અસંતોષ

વલસાડ : વલસાડમાં લોકોની જરૂરિયાત સમજ્યા વિના આડેધડ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ઓછી વસ્તી ધરાવતા ગામ પાસે ફાટકના બદલે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પગલે અન્ય 37 ગામના લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. રેલવેની કામગીરી સામે લોકો પ્રશ્નો ઉઠાવવા માંડ્યા છે.

વાત જાણે એમ છે કે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ફ્રેટ કોરીડોરનું (Freight corridor ) નિર્માણ થઈ રહ્યું છે. જેના પગલે ફાટકની જગ્યાએ ઓવરબ્રિજ (Railway Overbridge) બની રહ્યા છે. જે સંદર્ભમાં મુંબઈથી (Mumbai) ૨૦૪ કિલોમીટરના અંતરે કુંડી ફાટકે ઓવરબ્રિજ પૂર્ણતાને આરે છે. જ્યારે 3 કિલોમીટર ઉત્તરે ઓછા વપરાશી માર્ગે ૨૦૧ કિ.મી. પર લીલાપોર સરોણ ઓવરબ્રિજના પીલર પણ ઉભા થઇ રહ્યા છે, જેનાથી ખેરગામ તાલુકાના ૨૨ ગામો અને વલસાડ તાલુકાના પૂર્વના ૧૫ ગામોનું ઔરંગા નદીની આસપાસ રેલવે ઓવરબ્રિજનું સ્વપ્ન રોળાયું હોય પ્રજાજનોમાં નારાજગી સાથે અસંતોષ ફેલાયો છે. લોકોમાં ઉઠી રહેલી ચર્ચાઓ મુજબ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં તેની જરૂરિયાત અગત્યતાને ધ્યાને લીધા વિના રેલવે ઓવરબ્રિજ બની રહ્યા હોય તેમ કુંડી ફાટક-૧૦૧ એ ઓવરબ્રિજ બની રહ્યા છે. હવે તેની ઉત્તરે ત્રણ કિલોમીટર લીલાપુર અને સરોધી હાઈવે-૪૮ ને જોડતા ઓછી વસ્તીવાળા 3 કિ. મી.ના સામાન્ય રસ્તા પર ૯૯ નંબરની રેલવે ફાટકની ઉત્તરે રેલવે ઓવરબ્રિજ નિર્માણ થવા જઈ રહ્યું છે.

તો ત્રીજો રેલવે ઓવરબ્રિજ પણ બનાવવો પડશે

આ ઓવરબ્રિજ ૩૦૦/૪૦૦ મીટર દક્ષિણે ખસેડી લઈને તેના માટે લીલાપોર વેજલપોરના હયાત રસ્તાને એપ્રોચમાં લીધો હોત અને ગુંદલાવ ચોકડીથી વેજલપોર લીલાપોર રસ્તો જોડાતા વલસાડ શહેર સાથે ગુંદલાવ ચોકડીથી સરળતાથી જોડી શકાતે. આવું કરવાથી વલસાડ પૂર્વના ગામોને દર ચોમાસામાં જે છીપવાડમાં પરેશાની થાય છે, અવરજવર અવરોધાય છે. તેનાથી હંમેશાં મુક્તિ મળી જવાની શક્યતા હતી. જો આ મુશ્કેલી દૂર કરવી હોય તો ગુંદલાવ ચોકડી ખેરગામ ગામના લોકો માટે દોઢેક કિલોમીટરના અંતરમાં જ ત્રીજો રેલવે ઓવરબ્રિજ બનાવવો પડશે. જે સંભવતઃ વલસાડ પારડી સાંઢપોર વચ્ચે બનશે અને તેના લીધે ઔરંગા નદીનો સ્મશાન ભૂમિનો પુલ પણ નવો બનાવવો પડશે. ૯૯ નંબરની ફાટક નાના 2-૩ ગામો પૂરતી જ છે, જેના માટે 333 નંબરનું અંડરપાસ ઉપયોગી બની શકે છે.

Most Popular

To Top