Vadodara

વિશ્વામિત્રીમાં મેડિકલ વેસ્ટનો નિકાલ છતાં તંત્ર અજાણ

વડોદરા : વિશ્વામિત્રી સાફસફાઈના નામે કરોડોનો ખર્ચો કરનાર વડોદરા મહાનગરપાલિકા ની બેવડી નીતિને લઈને પરત વિશ્વામિત્રીને મેલી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે.જ્યારે બીજી તરફ મેડિકલ વેસ્ટ નાખવાનો સિલસિલો પણ યથાવત રહેવા પામ્યો છે. વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીને વહીવટી તંત્ર દ્વારા 15 દિવસમાં સ્વચ્છ કરવાની જાહેરાત કરાઈ હતી.જોકે 5 વર્ષ પૂર્વે પણ વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે ખોદાણ કરવામાં આવ્યું હતું.

તેજ પ્રકારે ચાલુ વર્ષ 2021માં આજ રીતે કામગીરી હાથધરી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ પણ તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી.જ્યારે કોઈ પ્રકારની સાર સંભાળની તસ્દી પણ લેવામાં નથી આવી રહી.બીજી તરફ શહેરમાં ભલે કોરોનાનો કહેર ઓછો થયો હોય પરંતુ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. તેવામાં વિશ્વામિત્રી નદીની આસપાસ રહેતા સલ્મ વિસ્તારના લોકોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગચાળામાં સપડાવવાનો ભય વ્યાપ્યો છે.જ્યારે વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં કચરો નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ મંગળવારે વધુ એક વખત મેડિકલ વેસ્ટનો જથ્થો રઝળતી હાલતમાં નજરે પડ્યો હતો.

જ્યારે વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રયસ્થાન હોય જળચર જીવો બહાર ન આવે તે માટે નદીની આજુબાજુમાં લોખંડની જારીઓ તેમજ રેલિંગ લગાવવામાં આવી હતી.હાલ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રેલિંગ અને જારીઓની પણ ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.તંત્ર એકબાજુ સીસીટીવી કેમેરા લગાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. તો બીજી તરફ ચોરી અને ગંદકી કરતા તત્વો પાલિકાની બેદરકારીના કારણે બેફામ બન્યા છે.ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમારે આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top