30 વર્ષ પહેલા બનાવવામાં આવેલા અને હાલમાં જર્જરીત થઈ ચૂકેલા ઘોડદોડ રોડ પર આવેલા મજૂરા ફાયર સ્ટેશનના બિલ્ડિંગને આજે મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. મનપા દ્વારા આજે જે રીતે રસ્તાઓ ચાલુ રાખીને આ બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું તે કાબિલેતારીફ હતું. કારણ કે સુરતમાં પ્રથમ વખત છે કે આવી રીતે ભરચક વિસ્તારમાં કોઈ બિલ્ડિંગને તોડી પાડવામાં આવી હોય.
ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળનું આ બિલ્ડિંગ છેલ્લા 3 વર્ષથી ખાલી હતું અને પિલરને નબળા કરી સમગ્ર બિલ્ડિંગને માત્ર પાંચ જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. પોકલેન મશીનની મદદથી પિલરને વાઈબ્રેટ કરીને નબળા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું. મનપા દ્વારા માત્ર એક તરફનો રસ્તો બંધ કરાયો હતો અને બીજી તરફનો વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો હતો અને બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવી હતી.
મેટ્રોના રૂટને ધ્યાનમાં રાખીને આ સ્થળે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
મજૂરા ગેટ ફાયર સ્ટેશન ઘણા સમયથી જર્જરિત હતું. મનપા દ્વારા તેને ડિમોલીશન કરીને નવું સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે આજે મજૂરા ગેટ ફાયર સ્ટેશન ઉતારી લેવાયું હતું. ફાયર સ્ટેશન ખુબ જર્જરિત હોય, આ બિલ્ડીંગ ખાલી કરી દેવાયું હતું. કોરોના કાળને કારણે આ કામમાં વિલંબ થયો હતો. આખરે મંગળવારે આ ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી. જો કે હવે અહીથી મેટ્રોનો એલિવેટેડ રૂટ પણ પસાર થતો હોવાથી નવા ફાયર સ્ટેશનની ડિઝાઇન આ રૂટને ધ્યાને રાખીને બનાવાશે.