ભરૂચ(Bharuch): વિપક્ષોના મહાગઠબંધન ઈન્ડિયા દ્વારા રાજ્યમાં ભાવનગર અને ભરૂચ લોકસભાની બેઠક આપને ફાળવવાની જાહેરાત કરાઈ છે. ભરૂચની લોકસભા બેઠક પરથી આપના ચૈતર વસાવાને ચૂંટણી લડાવવાનું નક્કી કરાયું છે, જેની સામે હવે નારાજગી વ્યાપી ગઈ છે. આજે ભરૂચ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પત્રકાર પરિષદ યોજીને જાહેરમાં વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો છે. સ્થાનિક કોંગી આગેવાનોએ હાઈકમાન્ડના નિર્ણય સામે જાહેરમાં વાંધો ઉઠાવી એવી માંગણી કરી છે કે, ભરૂચની બેઠક પરથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે પણ તે “કોંગ્રેસના સિમ્બોલ” પર લડે.
- નારાજ કોંગ્રેસીઓએ કહ્યું- કોઇપણ ઉમેદવાર હોય ‘કોંગ્રેસ સિમ્બોલ’ પર લડે
- ચૈતર વસાવાએ કહ્યું- ‘કોંગ્રેસની લાગણી મારા મોવડી મંડળ સુધી પહોંચાડીશ’
- કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી કોંગીઓ નારાજ,
- મારુ મોવડી મંડળ જે કહેશે એ મુજબ ચુંટણી લડીશ- ચૈતર વસાવા
ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવતા નારાજ બનેલા કોંગી આગેવાનોએ ભરૂચના ઝાડેશ્વર સર્કીટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, સહકારી આગેવાન સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાઈકમાન્ડના નિર્ણય સામે વિરોધ નોધાવ્યો હતો.
આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ,ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધને લઈ ઉભું થયેલા પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જુના આગેવાનોની લાગણીને ભારે ઠેંસ પહોંચી છે. ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક AAPને ફાળવી દીધી છે એ ગેરસમજ છે.
આ બેઠક અંગે આપને ફાળવવા આવેલી બેઠક અંગે હાઈકમાન્ડે ફરી વિચારણા કરવાની જરૂર છે. જો ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તો એ ઉમેદવાર “કોંગ્રેસના સિમ્બોલ” ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સંપૂર્ણ સમર્થન આપવા તૈયારી બતાવી દીધી હતી.જો પાર્ટી નિર્ણય ન કરે તો સ્થાનિકો કંઈપણ કરતા અચકાશે નહિ.
ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા
આ અંગેના INDIA ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનોની માંગણીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું.અમારી પાર્ટી કોંગ્રેસ તરફથી લડવાનું કહેશે તો હું લડીશ. હું તમામ કોંગ્રેસના આગેવાનોનું માન જાળવીને કામ કરીશ.નાની મોટી નારાજગીને દુર કરવાની કોશિશ કરીશ.તેમજ સૌને સાથે લઈને ચાલીશું.ભરૂચ લોકસભા જીતીને અહેમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.
ભરૂચ લોકસભા બેઠક પર પાંત્રીસ વર્ષથીથી ભાજપનો દબદબો
ભરૂચ લોકસભા સીટ સતત ૧૦ ટર્મથી ભાજપનો કબજો છે.વર્ષ-૧૯૫૭થી ૧૯૮૪માં સતત ૭ વખત કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં સને-૧૯૭૭,૧૯૮૦ અને ૧૯૮૪ની ચુંટણીમાં અહેમદ પટેલ લોકસભા ચુંટણી લડીને જીત્યા હતા.૧૮૮૯થી ૨૦૧૯ સુધી સતત ૧૦ ટર્મ ભાજપના ઉમેદવાર જીતતા આવે છે.
૧૯૮૯,૧૯૯૧,૧૯૯૬ અને ૧૯૯૮ સુધી ચાર ટર્મ ભાજપના ચંદુભાઈ દેશમુખ વિજેતા બન્યા હતા.એજ વર્ષે ચંદુભાઈ દેશમુખનું નિધન થતા ૧૯૯૮માં ભરૂચ પેટા ચુંટણીમાં મનસુખ વસાવા ઉમેદવાર થતા વિજેતા થયા હતા. ત્યારબાદ ૧૯૯૯,૨૦૦૪,૨૦૦૯,૨૦૧૪,અને ૨૦૧૯માં ભાજપ મનસુખ વસાવા ભરૂચ લોકસભા વિજેતા બન્યા છે.