Entertainment

દિશા પટની સફળતાની ખરી ‘દિશા’ પકડી છે

અત્યારે અભિનેત્રીઓની પસંદગીનું સ્ટેન્ડર્ડ બદલાય ગયું છે. જે આવે તે બને ત્યાં ઊંચાઇમાં ઊંચી જ આવે છે. દિપીકા પાદુકોણની હાઇટ 1.74 મિટર છે. ક્રિતી સેનોનની 1.71 મિટર, દિશા પટનીની 1.70 મિટર. હા, આલિયા ભટ્ટની 1.55 મિટર, કિયારા અડવાણીની 1.57 મિટર, શ્રધ્ધા કપૂરની 1.62 મિટર, કંગના રણૌતની 1.66 મિટર અને જેકલીન ફર્નાન્ડિસ 1.63 મિટર ઉંચી છે. તો તાપસી પન્નુ 1.65 મિટર અને કેટરીના કૈફ 1.68 મિટર. આજે ઊંચાઇની વાત કેમ એવું પૂછતા હો તો કહેવાનું કે ઋતિક રોશન 1.8 મિટર, અક્ષયકુમાર 1.78 મિટર, શાહરૂખ 1.69 મિટર, ટાઇગર શ્રોફ 1.75 મિટર છે. મતલબ કે અભિનેતાઓની હાઇટ વધી હોય તો અભિનેત્રી પણ ઊંચી જોઇએ. અમિતાભ બચ્ચને આ પ્રકારની જરૂરિયાત ઊભી કરેલી. લોકો તેમને જયા ભાદુડી સાથે જોવું પસંદ કરતા હતા પણ સ્ટાર બન્યા પછી પરવીન બાબી, રેખા જરા સરખેસરખી લાગતી હતી.

પણ અત્યારે વાત દિશા પટનીની કે જે એરફોર્સમાં જવા માંગતી હતી ને હવે ફિલ્મોમાં છે. લોકો તેની ચર્ચા બે કારણોથી કરે છે. ફિલ્મો ઉપરાંત ટાઇગર શ્રોફ સાથેની રિલેશનશીપને કારણે. જો કે બંને લગ્નની વાત નથી કરતા કદાચ એટલા માટે કે તેમનો ફિલ્મોમાં જે ગોલ છે ત્યાં સુધી તેઓ પહોંચ્યા નથી. છતાં એટલું જરૂર કહી શકાય કે ટાઇગર યા દિશાના અન્ય કોઇ સાથે સંબંધ ચર્ચાતા નથી. મતલબ કે એકબીજા પ્રત્યે આજ સુધી તો વફાદાર છે. દિશાની એક વાતની દાદ દેવી જોઇએ કે ટાઇગરનો આધાર લીધા વિના તે પોતાની રીતે આગળ વધી છે ને વધી રહી છે.

પણ અહીં એ પણ નોંધવું જોઇએ કે દિશા-ટાઇગર વચ્ચે રિલેશન છે તેવું મિડીયા જેટલું કહે છે તેટલું તે બંને નથી કહેતા. દિશા તો કહેય છે કે એકવાર સુશાંત સીંઘ રાજપૂત સાથે મને ડિનર કરતી જોયા પછી મિડીયાએ કહેવા માંડેલું કે અમારા બે વચ્ચે કાંઇ છે. ટાઇગર શ્રોફને તે પોતાનો સારો મિત્ર જ માને છે. પરંતુ અહીં ઉમેરવું જોઇએ કે ટાઇગર માર્શલ આર્ટસ બાબતે ગંભીર છે ને તેને અનુસરીને જ દિશા પણ જિમ્નાસ્ટિક કરે છે. ટાઇગર શ્રોફ અમેઝિંગ ડાન્સર છે તો દિશા પણ ડાન્સમાં સુધરી છે. તેણે પણ એક નૃત્ય પ્રશિક્ષક રાખ્યો છે. દિશાએ ટાઇગર સિવાય બીજા મિત્રો ય નથી બનાવ્યા ફિલ્મ જગતમાં. હા, ડાન્સ બાબતે તે જેનિફર લોપેઝ અને માધુરી દિક્ષીતની ભારે ચાહક છે. પણ અભિનેત્રી તરીકે પ્રિયંકા ચોપરાને પોતાનો આદર્શ માને છે.

આ વર્ષે તેની સલમાન સાથેની ‘રાધે’ આવી હતી પણ ફિલ્મે કોઇ મોટી તોપ નથી ફોડી પણ સલમાન સાથે ‘ભારત’ પછીની તેની આ બીજી ફિલ્મ હતી. અલબત્ત સલમાનનો રોમાન્સ તો કેટરીના સાથે જ હતો પણ તેનો તેને વાંધો નથી. પણ એટલું ખરું કે ટાઇગર સાથેની ફિલ્મમાં તે વધારે સફળ રહી છે અને આદિત્ય રોય કપૂર સાથેની ‘મલંગ’ને પણ ખાસ માને છે. દિશાને લાગે છે કે અત્યારે રોમેન્ટિક ફિલ્મો વધારે બનતી નથી એટલે એકશન ફિલ્મોમાં થોડા રોમેન્ટિક દૃશ્યો જ તેને ભાગે આવે છે. તે સારી રોમેન્ટિક ફિલ્મની પ્રતિક્ષામાં છે.

દિશા પટની કંગના યા તાપસી જેમ મહિલાકેન્દ્રી ફિલ્મોમાં નથી માનતી પણ ફિલ્મના કેન્દ્રમાં પોતે હોય તે વાતનું ગૌરવ તો જરૂર લે છે. તેની હજુ 10-12 ફિલ્મો જ રજૂ થઇ છે અને આ સ્થાન મળ્યું છે. એમ કહી શકો કે તેની શારીરિક ઉંચાઇ પ્રમાણે ફિલ્મોમાં પણ ઉંચાઇ મેળવી રહી છે. અત્યારની ફિટેસ્ટ એકટ્રેસ તરીકે પણ તેનું નામ લેવાય છે. ઇન્સ્ટાગ્રામ પર તમે તેને જુઓ તો કામણ અનુભવશો. પોતાના લુકસ અને ફિટનેસ બાબતે તે ખૂબ કાળજી રાખે છે. ખાવા-પીવા બાબતેપણ ખોટી છૂટ લેતી નથી. સવારે યોગ કરે, અઠવાડિયામાં 4 દિવસ જિમ જાય. કાર્ડિયો એકસરસાઇઝ, લાઇટ વેટ ટ્રેનિંગ, પિલાટેસ, રિંગ ડિપ્સની સાથે વેઇટ લિફિટંગ પણ કરે. તે ટાઇગરની જેમ જ જિમ્નાસ્ટિક ડાન્સર છે એટલે જ ટાઇગર સાથે ફાવે છે. લગ્નની વાત તો થાય ત્યારે બાકી તે બંને એકબીજા માટે પર્ફેકટ છે.

Most Popular

To Top