Columns

જ્યોતિષનો વેશ પત્યો

મારી તબિયત ઠીક નથી લાગતી. ઘરે જઈ આરામ કરો તો સારું.’ મેં ચશ્માવાળા એક ભાઈને કહ્યું. સવારે 11 વાગ્યાની આસપાસનો સમય હતો. એક મોટા AC હોલમાં જીવરાજાણી ગ્રુપ ઓફ કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ હતી. CEO જયચંદ જીવરાજાણી અને અન્ય સહુ મળીને કુલ 8 જણ ગંભીર ચહેરે ગોઠવાયા હતા. અને એ સહુની નજર મારા પર હતી. એ લોકો સહુ મને એક જાણભેદુ જ્યોતિષી તરીકે જોઈ રહ્યા હતા. એ સહુને મારા પર કે જ્યોતિષશાસ્ત્ર પર ભરોસો હોય કે ન હોય પણ CEOના દીકરાએ અરજન્ટ મીટિંગ જ્યોતિષી સાથે ગોઠવી હોય, ત્યારે જે ભાવ સાથે આવવું પડે એ ભાવથી સહુ ભેગા થયા હતા. CEO જયચંદ જીવરાજાણીનો દીકરો મને મારા ચાના બાંકડે અદભુત આગાહીઓ કરતો જોઈ પ્રભાવિત થઈ અહીં લઇ આવ્યો હતો.

મેં પેલા ચશ્માવાળા તરફ તાકીને જોયું. એ થોડો અસ્વસ્થ થયો. એ જોઈ CEO જયચંદ જીવરાજાણીએ મને કહ્યું, ‘Mr. પટેલ. Mr. નાયક ઈઝ ઓલ રાઈટ. તમે તેમની ચિંતા ન કરો. અહીં તમને તેડ્યા છે એનું કારણ એ છે કે…’
‘કારણ જણાવવામાં તમે 28 કલાક મોડા છો સર’ વાત કાપતા મેં અત્યંત સહજતાથી કહ્યું. એ સાંભળી સહુ સડક થઇ ગયા. CEO ગૂંચવાયેલા સ્વરમાં બોલ્યા, ‘હું સમજ્યો નહીં, મોડા? કઈ બાબતમાં? શું કોઈ નુકસાન ઓલરેડી થઈ ગયું જે હજી અમને કોઈને ખબર નથી?’

‘ના, નુકસાન હજી નથી થયું.’
‘તો મોડા છીએ તે કઈ બાબતમાં?’
‘બહુ વહેલા સમજાઈ જશે.’
એટલામાં ઓફિસનો પ્યુન એક મોટી ટ્રોલીમાં ખાલી કપ – રકાબી અને મોટા પોટમાં ચા અને સાથે નાના પાત્રમાં અલગથી સાકર લઇ આવ્યો. CEOએ એ જોઈ મને કહ્યું, ‘લેટ’સ હેવ ટી…’
પ્યુને સહુને ચા આપવા માંડી. મને પણ આપતો હતો મેં નમ્રતાથી ના પાડી. એ જોઈ CEOએ આગ્રહ કર્યો. ‘ઓફિસમાં જ બનેલી ચા છે. Mr. પટેલ, તમને ગમશે.’

‘ના, આટલી બધી સાકરવાળી ચા મને નહીં ફાવે’ મેં કહ્યું. એ સાંભળી સહુએ સ્મિત કર્યું અને CEOએ ચોખવટ કરતાં કહ્યું. ‘ચામાં એક દાણો પણ સાકર નથી, સાકર અલગથી રાખી છે. તમને ખપે એટલી મેળવી લો.’
જવાબમાં મેં કેવળ સ્મિત કર્યું.
અચાનક કોઈએ ચા ચાખી કહ્યું, ‘અરે આમાં તો સાકર ભેળવેલી છે!’

આ સાંભળી સહુ ચમક્યા અને સહુએ ચા ચાખી જોઈ. CEOએ દિલગીરીભર્યા અવાજમાં મને કહ્યું, ‘તમારી વાત ખરી નીકળી. ચામાં સાકર છે અને વધારે પડતી છે…’ એમણે પ્યુનને સહુ માટે બીજી ચા લાવવા કહ્યું અને પછી મને ખુલાસો આપતા હોય એમ કહેવા માંડ્યા, ‘આજે પ્યુનથી કેમ ભૂલ થઇ ખબર નહીં. અમારે ત્યાં ચા સાકર ભેગાવ્યા વિના જ વહેંચવાની સિસ્ટમ છે પણ Mr. પટેલ તમને ચા ચાખ્યા વિના જ એમાં સાકર ભેળવેલી છે એ કઈ રીતે ખબર પડી ગઈ?’

CEOની આ વાત સાંભળી બાકી સહુ પણ મારી તરફ અહોભાવ અને ઉત્સુકતાથી જોવા માંડ્યા.
મેં સ્મિત કરી કહ્યું, ‘મુદ્દા પર આવીએ? મને સાવ બાળકોની FUN પાર્ટીમાં આવેલા જાદુગર જેવી ફિલ ન આપો.’
સહુના ચહેરા પરથી સ્મિત ગાયબ થઇ ગયું. એમની જિજ્ઞાસા પર મેં રેડેલા ઠંડા પાણીથી સહુ મારા જાણભેદુ હોવા બાબત કોઈ શંકામાં ન રહ્યા. તેમ છતાં જો કોઈને આછીપાતળી શંકા રહી હોય તો તે પણ દૂર થઇ ગઈ જ્યારે નાયક નામનો એમનો સાથી અધિકારી જેને મેં તબિયત જાળવવા ઘરે જવાની સલાહ આપેલી એ અચાનક બેહોશ થઇ ટેબલ પર ઢળી પડ્યો.
0 0 0

‘નંતર?’ રસ તરબોળ થઈ મારી જીવરાજાણી ઓફિસ મુલાકાતનું વર્ણન સાંભળી રહેલ હવાલદાર શિંદેએ અધીરાઈથી પૂછ્યું, ‘થાંબલા કસાલા? બોલ કી! નંતર પુઢે કાય ઝાલં?’
‘પુઢે ચાય પાજતો…’
‘અરે તિથે સુદ્ધાં?’ શિંદેએ મોં બગાડી પૂછ્યું, ‘ઉધર તો તુમ બહોત બડા જ્યોત્શી બન કર ગયા થા ના? ફિર ઉધર કાયકે લિયે સબ કો ચાય પિલાયા!’
‘ઉધર નહીં રે બાબા ઇધર ચાય પીલા રહા હૈ’ મેં ગ્રાહકોને ચા આપતા કહ્યું, ‘સારા દિન ગપ્પા મારતે બૈઠેગા તો ધંધા કબ કરેગા?’
આ સાંભળી શિંદે મન મારી ચૂપ થયો અને મને મારું કામ કરતો જોઈ રહ્યો. મેં ચા પીરસ્યા બાદ ચુલા પર દૂધ ગરમ કરવા મૂક્યું ત્યારે એણે કહ્યું, ‘લગતા હૈ તુમ ઉધર સબ કો સોલીડ હુલ દેકર આયા હં!’
હુલ!
મને ગઈ રાતે બાવાજીએ કહેલા શબ્દ યાદ આવ્યા, ‘આંય જીવરાજાણી એવી એટીટ્યુડ વાલી પાર્ટી છે કે તારે બી થોડો ચમત્કાર બતાવવો પડશે. યુ સી તુમ બડા હોયગા તો તુમ્હારે ફિલ્ડ મેં! – મૈ તુમ કો નડતા નહીં – તુમ બી મેરે કો મત નડો – ટાઈપ.’
મેં બાવાજીને કહ્યું, ‘અરે બાવાજી, ક્યાં હું મામૂલી ચાવાળો અને ક્યાં એ લોકો! હું એ લોકોને શું એટીટ્યુડ આપવાનો?’
‘એટીટ્યુડ નહીં હુલ!’
‘હુલ!’ મેં નવાઈ પામી પૂછેલું.
‘હા, હુલ. જો સીધી વાત છે… તું તારી દુકાનમાં કોઈની સાથે મજાકમસ્તીમાં જોષ જોતો હતો બરાબર? હવે તને જોષ જોતા આવડતું છે કે નઈ અને આવડતું ઓય તો બી બીજા કોઈનું જોષ તું જોસે કે નઈ અને જોસે તો ક્યારે જોસે – એ બધું તારા પર ડીપેન્ડ છે. માય ક્વેશ્ચન ઈઝ – હુ ધ હેલ ધીસ જીવરાજાણી જે તને તારી દુકાનમાંથી ઘસરીને એમની ઓફિસમાં લેઈ જાય અને કહે કે હવે જોષ જો! – સાલાઓ પોતાને શું આ સિટીના ગોડફાધર સમજે છે કે?’
મેં કહ્યું, ‘આમાં શું થઇ શકે?’
‘ઘણું બધું થેઈ શકે. આ જો – આવનને મલ…’ કહી બાવાજીએ એમની સાથે બેઠેલા એક ભાઈ જોડે પરિચય કરાવ્યો.


‘ઉસકે બાદ…’ મેં રાહ જોઈ રહેલા શિંદેને કહ્યું, ‘વો લોગોં કો યકીન હો ગયા કી યે રાજુ ચાયવાલા કોઈ બડી તોપ હૈ…’
‘હોયગાઈ ચ…!’ શિંદેએ કહ્યું, ‘ચખે બીના ચાય મેં શક્કર હૈ બતા દિયા, ઈજ્જત સે એક આદમી બૈઠા થા ઉસ કો બીમાર બોલ દિયા ઔર વો 5 મિનિટ મેં ટેબલ પર ઢેર હો ગયા તો ઉનકી હવા ટાઈટ હોની ચ ચાહિયે.’
મેં આગળની વાત શિંદેને જણાવી. ‘ફિર વો બેહોશ નાયક કો ડૉક્ટર કે પાસ ભેજા ઔર મૈને ઉન સબ કો બોલા…’
શિંદે એકચિત્તે સાંભળી રહ્યો :
‘તમારે સહુએ એ જાણવું છે કે સિનિયર જીવરાજાણી Mr. ગોપીચંદને હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે અને વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રજા મળશે કે પછી તેઓ આ દુનિયામાંથી રજા લઇ લેશે? બરાબર?’
એ AC રૂમમાં બેઠેલા સહુને પસીનો છૂટી ગયો.
ગળું ખોંખારીને CEO જયચંદ જીવરાજાણીએ કહ્યું, ‘વેલ, એકદમ તમે કહો છો તેમ તો નહીં પણ હા પપ્પાની તબિયત વિષે જાણવું તો છે.’
‘ફાઈન. કોઈના અવસાન કે વિવાહ બાબત સ્વતંત્ર ભાષ્ય કરવાનો મને અધિકાર નથી. માત્ર જેતે જાતકને હું એના લગ્ન અને અવસાનની વિગત કહી શકું, બીજા કોઈ માણસને નહીં.’
આ સાંભળી સહુના મ્હોં પડી ગયા. મેં આગળ કહ્યું. ‘છતાં તમને સહુને ઉત્સાહ આપે એવી એક આગાહી હું કરી શકું…’
સહુના મોં પર ચમક આવી. મેં આગળ કહ્યું, ‘અઠવાડિયાની અંદર જીવરાજાણી ગ્રુપના શેરમાં તેજી આવશે. સિવાય કે રાહુની ભ્રમણ કક્ષા સાથે ઘર્ષણ થાય પણ એ શક્યતા નહિવત છે.’
સહુ પ્રભાવિત થઈ ગયા. CEOએ પૂછ્યું, ‘રાહુની ભ્રમણ કક્ષા બાબત કંઈ કરી શકીએ?’
‘હવન? એવા ગતકડા કરી પૈસા ખંખેરનારા ધુતારા જ્યોતિષી બજારમાં થોકબંધ ભાવે મળી રહેશે. એક વાત સમજી લો. ગ્રહોની ભ્રમણ કક્ષા આપણે બદલી ન શકીએ, માત્ર નીરખી શકીએ.’
કહી ઊભા થતાં મેં કહ્યું, ‘હવે સાંભળી લો. હું પ્રશ્ન જાતક પદ્ધતિનો જ્યોતિષી છું.’
‘એટલે?’ કોઈએ પૂછ્યું.
0 0 0
‘એટલે બહુ ઊંડાણમાં જાણવાની તમારા લોકો માટે હાલ કોઈ જરૂર નથી પણ કોઈ પણ વિદ્યા હોય એનો આદર કરતા શીખો. જે રીતે મને આજના દિવસનું મારા ચાના ધંધાનું વળતર રોકડમાં આપી અહીં લઈ આવ્યા એ રીતે કોઈ પણ વિદ્યાના જાણકાર સાથે વર્તન ન થાય.’ આટલું કહી મને અપાયેલા 2000 રૂ મેં ટેબલ પર મૂક્તા કહ્યું, ‘આમ પૈસા આપી તમે કોઈ વિદ્યા ખરીદી ન શકો. આટલી મોટી કંપની ચલાવો છો તો યોગ્ય રીતભાત પણ શીખી લો.’
0 0 0
આ સાંભળી CEOએ પોતાના દીકરા સામે ગુસ્સામાં જોયું, જે મને અહીં જીદ કરી લઇ આવ્યો હતો. એ પોતાના બચાવમાં મને કહેવા માંડ્યો, ‘હું કંઈ જબરદસ્તી અહીં નથી લાવ્યો તમને! મેં તમને કહેલું કે -’ ‘કહેલું’ મેં એની વાત કાપી કહ્યું. ‘પૂછેલું નહીં, કહેલું. તમારે મને અહીં કહીને નહીં, પૂછીને લાવવું જોઈએ. અહીં તેડીને કારણ કહેવાનો શું અર્થ? 28 કલાક અગાઉ મને અહીં આવવા કહ્યું, ત્યારે મને કારણ જણાવવું જોઈતું હતું.’ CEOનો દીકરો આ વાતનો કોઈ જવાબ ન આપી શક્યો.
‘ઓલ ધ બેસ્ટ!’ કહી હું નીકળી આવ્યો.

Most Popular

To Top