Editorial

હવાઇ અકસ્માતો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ

વિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક એક વિમાન તૂટી પડ્યું અને તેમાં બેઠેલા તમામ ૭૨ લોકોના મોત થયા તે સાથે ફરી એકવાર વિમાન અકસ્માતો, હવાઇ મુસાફરીમાં સલામતી વગેરે બાબતોની ચર્ચા શરૂ થઈ છે. આમ તો વિશ્લેષકો કહે છે કે અન્ય કોઈ પણ પ્રકારની મુસાફરીની સરખામણીમાં હવાઇ મુસાફરી સૌથી વધુ સલામત છે. આંકડાઓની રીતે જોઈએ તો આ વાત સાચી છે પરંતુ હવાઇ મુસાફરી ઘણી ઘણા લોકો માટે ખૂબ ડરાવનારી બની રહે છે અને તેનું વાજબી કારણ પણ છે. હવાઇ મુસાફરીમાં એકવાર અકસ્માત થાય પછી બચવાની શક્યતા ઘણી ઓછી રહે છે જ્યારે અન્ય પ્રકારની મુસાફરીઓમા અકસ્માતો વખતે મુસાફરોના બચાવની શક્યતાઓ વધારે રહે છે. ભર આકાશે અકસ્માત થયો કે વિમાન બગડ્યું તો કામમાંથી ગયા જ સમજો! આને આ જ કારણે ઘણા લોકો હવાઇ મુસાફરી કરવાથી ડરતા હોય છે. ત્યાર પછી વિમાનોની સંખ્યા વધતી ગઇ, તેમની ક્ષમતાઓ વધતી ગઇ તે સાથે અકસ્માતોની સંખ્યા અને તેમની ઘાતકતા પણ વધતી ગઇ.

ગત સદીની શરૂઆતના વર્ષોમાં વિમાની પ્રવાસોનો આરંભ થયો તે પછી અનેક વિમાન અકસ્માતો થયા છે પરંતુ વિમાન અકસ્માતો પહેલા પણ હવાઇ અકસ્માતો નોંધાયા છે અને તે અકસ્માતો બલૂનને લગતા હતા. પ્થમ જીવલેણ ઉડ્ડયન અકસ્માત 15 જૂન, 1785ના રોજ ફ્રાન્સના વિમેરેક્સ નજીક રોઝીઅર બલૂનનો અકસ્માત હતો, જેમાં બલૂનના શોધક જીન-ફ્રાંકોઈસ પિલેટ્રે ડી રોઝિયર અને અન્ય કબજેદાર પિયર રોમેનનું મૃત્યુ થયું હતું. 17 સપ્ટેમ્બર, 1908 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં ફોર્ટ માયર, વર્જિનિયા ખાતે રાઈટ મોડલ A એરક્રાફ્ટની ક્રેશ, તેના સહ-સંશોધક અને પાઇલટ, ઓરવીલ રાઈટને ઈજા થઈ અને પેસેન્જર, સિગ્નલ કોર્પ્સ લેફ્ટનન્ટનું મૃત્યુ થયું.

ત્યારબાદ તો નાના મોટા અનેક વિમાન અકસ્માતો થયા જેમાં કેટલાક અકસ્માતો ખૂબ મોટા અને ભયંકર હતા. આપણે અગાઉ જોયું તેમ પ્રથમ વિમાન અકસ્માત રાઇટ બંધુઓએ વિશ્વનું પ્રથમ વિમાન ઉડાડ્યું તેના પાંચ જ વર્ષ પછી ૧૯૦૮મા નોંધાયું હતું. જ્યારે નેપાળમાં અકસ્માત થયો તે તારીખ એટલે કે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ના આંંકડા મુજબ વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૦પ અકસ્માતો એવા થયા છે કે જેમાં ઓછામાં ઓછા ૧૦૦નાં મોત થયા હોય, ૩૪ અકસ્માતો એવા છે કે જેમાં ઓછામાં ઓછા ૨૦૦નાં મોત થયા હોય અને આઠ અકસ્માતો એવા છે કે જેમાં ઓછામાં ઓછા ૩૦૦ના જીવ ગયા હોય. ચાર અકસ્માતો એવા થયા છે કે જેમાં ઓછામાં ઓછા પ૦૦ લોકોનાં મોત થયા હોય. અને જેમાં ૧૦૦ કરતા ઓછા લોકોનાં મોત થયા હોય તેવા પણ અનેક અકસ્માતો છે.

વિમાન અકસ્માતોમાં ટેકનીકલ ખામી કે ખરાબ હવામાન જેવા કારણોસર વિમાનનું તૂટી પડવું, બે વિમાનોનું ભટકાવું કે કોઇ ટેકરી કે થાંભલા વગેેરે સાથે વિમાનનું ભટકાવું, બેકાબૂ થઇને વિમાનનું જમીન પર કે સમુદ્રમાં તૂટી પડવું વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક વિમાની અકસ્માતો એવા પણ થયા છે કે જેમાં વિમાનના મુસાફરો ઉપરાંત જમીન પરના લોકોની જાનહાનિ પણ નોંધપાત્ર પ્રમાણમાં થઇ હોય. દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લાખો લોકો મોતને ભેટે છે તેના પ્રમાણમાં હવાઇ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે તેનું કારણ માર્ગ વાહનોની સરખામણીમાં હવાઇ વાહનોની ઓછી સંખ્યા પણ છે. હવાઇ પ્રવાસો વધવાની સાથે હવાઇ અકસ્માતોનું પ્રમાણ પણ વધવાનો ભય રહેલો છે અને આ અકસ્માતો નિવારવા માટે બહેતર સુરક્ષા પગલાઓની જરૂર પડશે.

Most Popular

To Top