Charchapatra

ગીધ વિશે ચર્ચા

સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ શનિવાર ગીધ દિવસ તરીકે ઓળખાય છે. રાજા રવિ વર્માનું પ્રસિદ્ધ ચિત્ર રાવણ દ્વારા “ગીધનો શિકાર” ખૂબ વખણાયેલું છે. કેરેલામાં જટાયુનું વિશ્વનું સૌથી મોટું પૂતળું છે. ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ સિતાંશુ યશશ્ચંદ્રનાં એક કાવ્ય સંગ્રહનું નામ “જટાયુ” છે. સાર્થ જોડણી કોશમાં વનચર એવો અર્થ બતાવ્યો છે. ગીધ માટેનો અંગ્રેજી શબ્દ vulture એના પરથી આવ્યો હશે? 1993માં કેવિનકાર્ટરનું એક ચિત્ર “ધ ન્યુયોર્ક ટાઈમ્સ”માં આવ્યું હતું જેમાં એક નાની બાળા યુનાઈટેડનેશન્સ ફીડિંગ સેન્ટર પર ખાવાનું લેવા જતી હોય છે અને ગીધ 10-15 ફીટ દૂરથી તેને જ આહાર બનાવવા રાહ જોતું બેઠું હોય છે. અમે સાતમાં આઠમાં ધોરણમાં હતા ત્યારે મહુવામાં 50-60 ફીટ દૂરથી ગીધોને જોયાં છે.

ત્યારે તો ડર લાગતો. આજે આ બધું લુપ્ત થવા બેઠું છે. બારડોલીમાં સુરુચિ નામની સંસ્થા હતી જ્યાં ચામડાંનાં પગરખાં બનતાં. ત્યાં પ્રાણીઓનાં દેહ પડી રહેતાં એટલે ગીધને સપરિવાર ઉજવણી થતી. ગીધને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ માંસમાં રહેલ એન્થ્રેક્સ અને રેબિસ જેવાં વાઇરસ પણ પચાવી શકે છે. પાછળથી જણાયું કે પ્રાણીઓને અપાતી દવામાં ડાઈક્લોફેનેકનું તત્વ રહેલું હોય તેનું માંસ ભક્ષણ કરતાં ગીધોની વસ્તીમાં ભાગાકાર થયો. 2023ની ગણતરી મુજબ આજે ભારતમાં 811 જેટલાં જ ગીધ બચ્યાં છે. એવુંય કહી શકાય કે, સરકાર અને વન વિભાગનાં પ્રયાસોને કારણે સંખ્યા વધી છે.
બારડોલી      – વિરલ વ્યાસ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ગણપતિની મૂર્તિઓ નાની સાઈઝમાં હોવી જરૂરી છે
ગણપતિ સ્થાપના અંગેની વાસ્તવિકતા હવે અલગ થઈ ગઈ છે. અગાઉ ગણપતિની નાની સાઈઝની મૂર્તિઓ આવતી હતી. પરંતુ હવે દેખાદેખી તથા ચડસાચડસીમાં ઠેરઠેર જરૂર કરતાં વધારે મોટી સાઈઝની મૂર્તિઓ બેસાડવામાં આવે છે. મોટી મૂર્તિઓ લાવવા લઈ જવામાં બહું તકલીફ પડે છે.

મોટી મૂર્તિઓને કારણે જ્ગ્યા પણ રોકાઈ જાય છે. ખાસ તકલીફ તો ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં પડે છે. મોટી મૂર્તિઓ સહેલાઈથી ડૂબી શકતી નથી અને ખંડિત થાય છે અને થોડા સમય પછી ખંડિત થયેલી મૂર્તિઓના અવશેષો તરતાં જોવા મળે છે જે જોઈને હૈયું કકળી ઉઠે છે. આથી દરેક આયોજક મંડળોએ સામૂહિક રીતે ભેગાં મળીને ગણપતિ દાદાની મૂર્તિઓ નાની સાઈઝની લાવવાનું વિચારે તે સૌનાં હિતમાં છે.
સુરત – યોગેશભાઈ જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top