‘ચર્ચાપત્ર’ એ કંઇ કચરાપત્ર નથી કે મરચાપત્ર નથી. મનોમંથનથી વિચારોના નવનીતનું શુદ્ધ ધૃત એટલે ઘી હોય છે. જે વાંચવાથી વાચક સામાજીકતામાં સશકત બને છે. રાજનીતિને ઓળખી શકે છે. દુર્ગુણ, અનીતિ, પાખંડ, ભ્રષ્ટાચાર, વ્યભિચારને પારખી શકે છે. સામાન્ય નાગરિક અખબારોના બધા જ પાના વાંચતો નથી પણ સંક્ષિપ્ત લખાણમાં લખેલું ‘ચર્ચાપત્ર’ અવશ્ય વાંચે છે. અને એણે સમાજમાં, દેશમાં, ચાલતી સુદશા-દુર્દશાનો ખ્યાલ આવી જાય છે. ચર્ચાપત્ર સમાજનો અરિસો છે.
નાગરિક સામાજીક પ્રાણી છે, સમાજમાં રહીને સમાજનું હિત જોવાનું એનું કર્તવ્ય છે. અને રાજય અને કેન્દ્ર સરકારનું પરમ કર્તવ્ય છે કે દેશનો નાગરિક સુખી બને, બલશાળી બને, શિક્ષિત બને, આદર્શવાન બને પછી તે કોઇપણ હોઇ શકે, શહેરી બાબુ કે ખેડૂત-મજૂર, શિક્ષિત – આજ્ઞાક્ષિત, સ્ત્રી હોય કે પુરુષ, બધાને ન્યાય – રક્ષણ અને સન્માન મળવો જોઇએ. વિકાસમાં અસમાનતા ન હોવી જોઇએ.
સરકારમાં પ્રજાના પ્રતિનિધિ હોય છે. વિશ્વાસ રાખીને પ્રજાએ જ એમને સરકારમાં મોકલ્યા હોય છે, પણ એમના કારભાર પર પ્રજાનું લક્ષ ખૂબ જ અલ્પ હોય છે. તેમનો સ્વાર્થ પ્રજાના ધ્યાનમાં આવતો નથી. પણ વિરોધીપક્ષ તથા પ્રબુધ્ધ નાગરિકો સરકારી ગતિવિધીઓ પર વિચાર કરતા હોય છે અને ચર્ચાપત્ર પણ એમાનું એક વિશિષ્ટ અંગ છે.
જે સમાજને સજાગતા સૂચવે છે. દેશમાંનું ભૂષણ અને દુષણ દર્શાવે છે. દેશહિતના કાયદાનું વિવરણ કરે છે જેથી પ્રજાને હિત – અહિતનો ફરક સમજમાં આવે. પ્રજા સુજાણ બને છે. આજે ખેડૂત કાયદા અંગે જે શિસ્તબધ્ધ આંદોલન ચાલું છે એ વિષયમાં મારા મિત્ર જેવા શ્રેષ્ઠ ચર્ચાપત્રીએ કહ્યું કે સાહેબ! પાછલા દરેક આંદોલનોમાં આંદોલનકારીઓએ કંઇક માંગ્યું છે, ‘આ આપો તે આપો’, પણ સાંપ્રત આંદોલનકારીઓને સરકારે કંઇ આપ્યું છે.
પણ પ્રજા તે લેવા માંગતી નથી. તે કહે છે ‘જે આપવા માંગો છો તે તમારી પાસે રહેવા દો’. એમની વાતમાં તથ્ય છે. પ્રજા પર દબાણ કરતું લોકશાહીને માન્ય નથી. આવા સમયે ચર્ચાપત્રીઓએ દેશહિતકારક, લોકકલ્યાણી, વાતો તરફ લક્ષ દોરીને પોતાના વિચારો પ્રદર્શિત કરવા જોઇએ એ વાંચકો માટે ઉપકારક રહેશે. વર્ષ ૨૦૨૧ શકુનવંત બને.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.