Charchapatra

સ્ત્રીઓ સામે ભેદભાવ અને હિંસા

સંયુક્ત રાષ્ટ્રસંઘે 80 દેશોમાંથી 2017થી 2022 દરમ્યાન એકત્ર કરેલ ડેટાના આધારે પ્રગટ કરેલ અહેવાલમાં જણાવાયું છે કે દર 10માંથી 9 વ્યક્તિઓ મહિલાઓ પ્રત્યે ભેદભાવની માનસિકતા ધરાવે છે. 25% લોકોને એમ લાગે છે કે પતિ-પત્નીને મારપીટ કરે તો તેમાં કાંઈ અજુગતું નથી. 40% ટકા લોકોનો દાવો એવો છે કે મહિલાઓ કરતાં પુરુષો નેતૃત્વના સારા ગુણો ધરાવે છે. અહેવાલમાં વધુમાં જણાવાયેલ છે કે એક દાયકામાં પુરુષોની આ માનસિકતામાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હી ટાઈમ રેટ સંબંધમાં નેશનલ બ્યુરો ઓફ ક્રાઈમ રેકર્ડ તરફથી પ્રગટ કરાયેલ અહેવાલ અનુસાર 2022માં મહિલાઓ સાથેના ગુનાઓમાં 40%નો વધારો થયો છે.

ક્રૂરતાની હદ વટાવી જાય તેટલી હદે દિલ્હી, મુંબઈ અને સુરતમાં સગીરા તેમ જ મહિલાઓની ઘરમાં/જાહેરમાં હત્યા થઈ છે. એસીડ ફેંકી ચહેરો કુરૂપ કરી ઈજા પહોંચાડવામાં આવે છે. માત્ર શાંતિપ્રિય લોકોને કાયદાનો ડર રહ્યો છે. બાકી સરેઆમ ગુંડાગીરી ચાલે છે. સુપ્રિમ કોર્ટના હુકમ બાદ દિલ્હી પોલીસ મહિલા કુસ્તીબાજોની F.I.R. માંડમાંડ નોંધે છે, પરંતુ ભાજપ સાંસદ આરોપીની ધરપકડ કરવાની હિંમત દાખવતી નથી.
પાલનપુર  – અશ્વિનકુમાર ન.કારીઆ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વર્ષાઋતુમાં અનાજ ગોડાઉનમાં ભરો, ગરીબોનો પેટનો ખાડો ભરો
હાલ વર્ષા રાણીની સવારી આવી પહોંચી છે. છાપામાં વર્ષોથી સમાચારો આવે છે કે આટલા કવીંટલ અનાજ વરસાદી પાણીમાં લાખો રૂપિયાનું ભિંજાઇ ગયું. સરકારના જે તે વિભાગ (પુરવઠા વિભાગ) જે તે તાલુકા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓને કડક પરિપત્ર પાઠવી અનાજને યોગ્ય સ્થળે રાખે ને ગરીબોને મળતું એ અનાજ ચોખા, તુવેરદાળ, જુવાર, બાજરી, ઘઉં, ખાંડ વગેરેને બચાવે. સરકારે તત્કાળ અનાજનાં ગોડાઉનો બનાવી વેડફાતું અનાજ બચાવી માનવધર્મ બજાવવો જોઇએ. સરકાર ગરીબી રેખા હેઠળનાં ભાઇ બહેનોને નજીવા દરે અનાજ, ભોજન આપે છે તે સરાહનીય અભિનંદનીય છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top