અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ દિવસને ( 14 ફેબ્રુઆરી ) વેલેન્ટાઈન ડે અથવા સંત વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં ભારતીયજનો પણ આ દિવસને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે.ભારતમાં યુવા જગત આ ‘ડે ‘ ઉજવે એની સામે વિરોધ નથી ,હોવો પણ શા માટે જોઈએ! પણ પ્રેમના પવિત્ર નામના ઓઠા હેઠળ મર્યાદા બહારની જે છૂટછાટો જાહેરમાં લેવામાં આવે છે એ તરફ શિષ્ટ સમાજ લાલ આંખ કરે છે.જયારે પ્રેમના નામે વ્યભિચારનું સામ્રાજ્ય ફૂલે ફાલે ત્યારે ચિંતા અસ્થાને નથી જ.
સંત વેલેન્ટાઇનની જે વિચારસરણી હતી તે અનુસંધાને આ દિવસ ઉજવવાના બદલે, પ્રેમના નામે જે જાતીય શોષણ, આનંદ કે વ્યભિચાર આચરવામાં આવે છે,જેને કારણે સુજ્ઞજનો ભયસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કરે છે. આવી વિચારસરણીવાળાને કેટલાક ચોખલિયાઓ દંભ ગણે, ખાસ કરીને સ્વચ્છંદી યુવા જગત તો પ્રેમના દુશ્મન અને વિલન ગણે.એ મા-બાપ ને પૂછો કે આવા ‘ ડે ‘ ની ઉજવણીમાં કેટલાં સંતાનોની જિંદગી બરબાદ થઈ ગઈ છે? બાકી સાચા (શારીરિક) આકર્ષણ વગરના પ્રેમ માટે કોઈને વિરોધ ન હોય ! જેના પર પ્રેમ છે એને જે નથી ગમતું તે (વ્યસનો,અપ્રમાણિકતા, અસત્ય,અનીતિ,છલ ,કપટ,બદલો વગેરે) છોડી દેવું.શું આ પ્રેમ નથી? જે દિવસે છોડી દઈએ એ દિવસ વેલેન્ટાઈન ડે ! આચાર્ય વિજય રત્નસુંદરસૂરી કહે છે – “ પ્રેમ નીચે ઊતરે,એ શારીરિક ઘટના, પ્રેમ ઉપર જાય,એ છે આધ્યાત્મિક ઘટના.”
સુરત – અરુણ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.