સમજો કે એક સગંઠન અથવા પક્ષ હોય છે. તેના સભ્યો અમુક વિચારોમાં માનતા હોવાથી સંગઠિત થયા હોય છે. તેમાં સગંઠનનો વડો દાયકા સુધી એ વિચારોની ધજા લઇને ફરે અને પછી સમૂળગો માર્ગ બદલી નાખે, યુ-ટર્ન લઇ લે અને સંગઠનના અમુક સભ્યો એ જૂના વિચારોને વળગી રહે અને ઊલટે રસ્તે ચડી ગયેલા નેતાથી છેડો ફાડી નાખે તો એ સાથીઓએ ગદ્દારી કરી કહેવાય કે એ સંગઠનના વડાએ કરી કહેવાય? કોઇ પરમાર્થ માટે શરૂ કરેલી સંસ્થા વચનભંગ કરીને લોકોને લૂંટવા લાગે તો શું સંસ્થાના બધા સભ્યોએ લૂંટ, એ ગુનાખોરીમાં જોડાઈ જવું? અને ન જોડાય તો એમને ગદ્દાર ગણાવવા? સગો બાપ પણ અવળે માર્ગે ચડી જાય તો સંતાનોએ પણ એમની સાથે ફરજિયાત જોડાવું? અને ના જોડાય તો સંતાનોને ગદ્દાર કહેવા?
ઉપર માત્ર ઉદાહરણ આપ્યાં છે પણ બાળ ઠાકરેના લાડકોડમાં અને હિન્દુત્વના ભગવા રંગમાં ઊછરેલા ઉદ્ધવ ઠાકરે આટલા નાસમજ અને વાસ્તવિકતાથી પર હશે તે નહોતું જાણ્યું. એ વિચારધારા બદલે તો આખા પક્ષે બદલવી અને જે હામાં હા ના મિલાવે તેઓને ગદ્દાર જાહેર કરવા! એકનાથ શિંદેએ મૂળ વિચારધારા જાળવી રાખવા માટે BJP સાથે હાથ મિલાવ્યા, તે કંઇ અમસ્થા નહોતા મિલાવ્યા. તે અગાઉ મુંબઇના મરાઠીઓ, ગુજરાતીઓ સહિત નાગરિકો તેમ જ શિવસેનાના કાર્યકરોમાં ઉદ્ધવના બદલેલા રંગઢંગ બદલ ખૂબ અંસતોષ ફેલાયો હતો. જનતા માટે ખરા ગદ્દાર તો ઉદ્ધવ ઠાકરે હતા, જે BJP સાથે મળીને, સીધી રીતે હિન્દુત્વનું વચન આપીને ચૂંટાયા હતા. BJPના મતદારોએ આપેલા મતોને કારણે એમના પક્ષને વિધાનસભાની 50થી વધુ બેઠકો મળી હતી પરંતુ મુખ્ય મંત્રી બનવાના અરમાન પૂરા કરવા એણે પોતાના પિતાની વિચારધારા, કાર્યકરો અને મતદારો અને BJP સાથે ગદ્દારી કરી. ત્યાં સુધી શરદ પવારની અને કોંગ્રેસના સોનિયા રાજીવ ગાંધીની શબ્દશ: આરતી ઉતારવા માંડ્યા. આ વીડિયો ઘણાએ જોયો હશે. હમણાંનાં વર્ષોનો અથવા કહો કે છેલ્લાં 10 વર્ષમાં દેશમાં જે કોઇ બે મોટા ગદ્દારો પાક્યાં તેમાં એક કેજરીવાલ અને બીજા ઉદ્ધવ ઠાકરેને ગણી શકાય. બાળ ઠાકરે જીવતા હોત અને ઉદ્ધવે આવું ઉદ્ધત વર્તન કર્યું હોત તો એમણે પણ પોતાના દીકરાને ‘ગદ્દાર’ જાહેર કર્યો હોત.
આ થઇ જૂની અને જાણીતી ઘટના. હવે આવે છે તથાકથિત કોમેડિયન કુણાલ કામરાની વાત. વીડિયો યુટ્યુબ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વેચીને કમાણી કરવા માગતા, અન્યથા જે માત્ર બે બદામના જ રહ્યા હોત, તેવા લોકોના કથનોને એટલું તૂલ ન આપવું જોઈએ કે તેઓ રાતોરાત ખ્યાતનામ થઇ જાય અને કામરાના વિરોધમાં તોડફોડ કરનારા પક્ષ કે લોકોની ફજેતી થાય. કોઇના મોં પર બેસેલી માખીને ઉડાડવા માટે પથ્થર ન મરાય. તેમાં ય ખાસ કરીને આપણા મોં પર બેસેલી માખી માટે. એને માખી ગણીને હળવેથી ઉડાડી મૂકાય. કામરાએ એકનાથ શિંદેને ગદ્દાર ગણાવવાની સાથે સાથે કેટલીક રાજકીય બયાનબાજી કરી હતી. મહારાષ્ટ્ર ટાઈમ્સના એક લેખ મુજબ તેમાં હાસ્યતત્ત્વ ન હતું.
મહત્ત્વ એ નથી કે તેમાં હાસ્યતત્ત્વ હતું કે નહીં પણ મર્યાદામાં રહીને નાટક, ટીખળ, કવિતાઓ, હાસ્યલેખો, પ્રહસનો, ઠઠ્ઠાચિત્રો, વ્યંગો વગેરે લોકશાહીમાં ચાલતાં જ રહેવાનાં. લેખક શરદ જોશીએ રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે એમની બાલીશતાઓને વ્યંગમાં વર્ણવતાં અનેક વ્યંગો લખ્યાં હતાં. વાસ્તવમાં રાજીવ ગાંધી એટલા બાલીશ ન હતા. એ ખરું કે એ દિલ્હીમાં પોતાના મહેલમાં જ મોટા થયા હશે તેથી જ્યારે એ વડા પ્રધાન બન્યા ત્યારે હિન્દી બિલકુલ આવડતું ન હતું. આ એ લોકો હતા જેમણે તામિલનાડુ અને દક્ષિણના લોકો પર હિન્દી ભાષા ફરજિયાત થોપી દીધી હતી. ખેર! રાજીવ ગાંધી એક નિયમિત ફરજ નિભાવતા પાઈલટ હતા, પણ શરદ જોષીના વ્યંગને પ્રજા માણતી રહી પણ ન તો પ્રજાએ તેને સત્ય માની લીધું કે ન તો રાજીવ ગાંધીએ.
એ જ રીતે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો મૂળ રાજસ્થાનના સ્ટેન્ડ-અપ કોમેડિયન કમ કવિ સરલ સંપટ એના દરેક પ્રોગ્રામમાં વર્ષોથી વડા પ્રધાન મોદીની ખીલ્લી ઉડાવતા આવ્યા છે. ત્યાં સુધી કે સંપટ કાં તો કોંગ્રેસના સભ્ય છે અથવા જ્યોર્જ સોરોસ પાસેથી ગ્રાન્ટ મેળવતા હોય તેવું લાગે. મોદી વિરોધીઓ અને ખાસ કરીને મુસ્લિમ ઓડીઅન્સમાં એમના કાર્યક્રમોના વીડિયો ખૂબ જોવાય છે પણ સત્તાની ટીકા કરતાં હાસ્યકલાકારો માટે કોઇ એક જ પક્ષને કે વ્યક્તિને લક્ષ્યાંક બનાવાય તે એમને હાસ્ય કલાકારને બદલે રાજકારણી વધુ બનાવે છે. સારી વાત એ છે કે આ સંપટ જેવા કલાકારોને અને તેમના બોલવાને નરેન્દ્ર મોદીએ કોઇ મોટું તૂલ આપ્યું નથી. પારુલ ખખ્ખરની કોરોના કાળની કવિતાને પણ મોદી સરકારે કોઇ તૂલ આપ્યું ન હતું.
મોટા નેતાઓએ હાથી જેવું દિલ રાખવું જોઇએ. રાજનીતિમાં આવ્યા છો તો વિપક્ષો હોવાના, દિલના દાઝેલા હોવાના. તેઓ કોઇક ને કોઇક રીતે ઉશ્કેરણી કરતા રહેવાના. નેતાઓએ પણ ક્યારેક શ્વાનની ભૂમિકા ભજવી હશે. શરદ પવાર કહે છે કે, ‘‘દેશમાં સૌથી વધુ વ્યંગ અને ઠઠ્ઠામશ્કરીનો મેં સામનો કર્યો છે.’’ સૌથી વધુ કાર્ટૂનો શરદ પવાર માટે દોરાયાં હશે પણ એમણે ડાહ્યા રહીને પેડા ખાવાનું પસંદ કર્યું. એડા બનીને નહીં. જ્યાં તક ન દેખાય ત્યાંથી સરી જવું અને દેખાય ત્યાં ઘૂસી જવું આ એમની મશહૂર શૈલી રહી છે.
કુણાલ કામરા જેવી માખીને તૂલ આપીને શિવસેના કાર્યકરોએ એને ગરૂડ બનાવી દીધો છે. દલપતરામની એક નાટ્યવાર્તામાં જીવરામ ભટ્ટ નામનો દિવ્યાંગ (રાત્રિ અંધ) જમાઈ સાસરે જતા પહેલાં સાસરિયાં સમક્ષ અમુક શરતો રાખે છે. તેમાં એક શરત એ હોય છે કે સાસરા પક્ષે એમના ગામમાં જઇને ઢંઢેરો પીટાવવો કે, ‘‘ગામના જમાઈ જીવરામ ભટ્ટ પધારવાના છે પરંતુ કોઇએ એમને રતાંધળા ન કહેવા.’’
તાત્પર્ય એ છે કે કુણાલ કામરાના કહેવાથી કોઇ ગદ્દાર બની જતું નથી. જો પ્રજાને એ સાચું લાગતું હોય તો વિધાનસભાની ચૂંટણીઓમાં ઉદ્ધવની સેના પીટાઈ ગઇ ન હોત અને એકનાથ શિંદેને ઘણી સીટો મળી છે તે મળી ન હોત. કુણાલ કામરાના મુંબઇ ખાતેનો સ્ટુડિયો તોડી પાડવામાં આવ્યો પરંતુ બદલામાં એને આખા દેશના રાજકારણીઓ, નેતાઓ અને પ્રજા ઓળખવા માંડી. મહારાષ્ટ્ર સરકારે તેના પર કેસ માંડીને દેશભરમાં ટીકા વ્હોરી લીધી છે. તે સામે કામરાને અબજો રૂપિયાનો ખર્ચ કરવાથી પણ ન મળે એટલી પ્રસિદ્ધિ મળી છે. એનો કોઇ રાજકીય ઇરાદો હશે તો પણ બર આવશે. એણે લખેલી કવિતા કે પંક્તિઓ જોવા મળતી નથી પણ શિંદેને એમણે ગદ્દાર કહ્યા હતા. એટલા જ રિપોર્ટ્સ અખબારો અને મીડિયામાં પ્રસિદ્ધ થાય છે. હવે કામરાની પડખે BJP વિરોધી દેશભરની લોબી ચડી જશે. હાલમાં એ તામિલનાડુ પહોંચી ગયો છે અને ત્યાંની અદાલતે એને આગોતરા જામીન આપી દીધા છે.
હાસ્યના ઘણા પ્રકારો છે, કોઇકને પોતાની પ્રકૃતિ મુજબ હાસ્ય પસંદ આવતું હશે પણ આજકાલ સોશ્યલ મીડિયા પર લોકોના ડોળાઓને આકર્ષવા માટે લોકો અને તથાકથિત હાસ્યકલાકારો તમામ હદો વટાવી જાય છે. સ્ક્રીન પર પોર્નોગ્રાફી રજૂ કરી શકતા નથી તો મૌખિક પણ બોલીને એ રજૂ કરે છે. યુ-ટ્યુબ અને સોશ્યલ મીડિયા પર કમાણી કરવા માટે તેઓનું ચાલે તો પ્રોસ્ટીટયુશન કરવા સુધી તેઓ જતા રહે છે. મોટા ભાગની પ્રજાને આટલી નિમ્નતા બિલકુલ પસંદ પડતી નથી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જે ઉઠાવવા જોઇએ તે કદમ ઉઠાવતી નથી. અમેરિકાની પ્રચંડ કોર્પોરેટ ટેક કંપનીઓએ દેશમાં તમામનાં મોઢાં બંધ કરી દીધાં છે. કોઇ કાર્યવાહી જ નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને BJP દેશમાં સનાતન ધર્મને મજબૂતીથી પ્રસ્થાપિત કરવાના કામમાં લાગી છે. તે સારી વાત છે, પણ આખી કિશોર અને યુવાન પેઢીમાં કુસંસ્કાર ફેલાવે, મા-બાપને શરમથી નીચું જોવડાવે તેવી વીડિયો યુ-ટ્યુબ પર અસંખ્ય પ્રમાણમાં રજૂ થાય છે અને આબાલવૃદ્ધ સૌ તેને જુએ છે. સનાતન સંસ્કૃતિ અને સભ્યતા માટે આ એક મોટું લાંછન છે પણ સરકાર નામમાત્રની કાર્યવાહી કરીને ફરીથી મેદાન મોકળું મૂકે છે. તેમાં વળી આપણા દેશોની અદાલતો! બેશરમ બનીને વાણી સ્વતંત્રતાને નામે આવી નિર્લજ્જ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. જો શિવસેના કે કોઇ પણ પક્ષના કાર્યકરો, નેતાઓએ દેશની સેવા કરવી હોય તો, સંસદમાં બહેનના ગાલને પુચકારવાને બદલે આવા નિમ્નતમ સ્તરના લોકો સામે મેદાને પડવાની જરૂર છે. કામરા જેવા કેસમાં નેતાઓ સાચા હોય તો પણ તેમને નુકસાન જશે પણ સ્ટેન્ડ-અપ કોમેડી સામે આંદોલન કરશે તો લોકપ્રિય પણ બનશે અને મતો પણ મેળવશે. કોઇક ન સમજાય તેવાં કારણોસર, લોકો જે સામાજિક શુદ્ધિ અને સૂચિતાનો આગ્રહ રાખે છે તે સરકારો નથી રાખતી. દુનિયાની આ સૌથી મોટી લોકશાહીમાં આ મોટો વ્યંગ છે. સરકારોની સાથે જ્યુડિશિયરી પણ એટલી જ જવાબદાર છે. દેશની આબરૂના ભોગે જ્યુડિશિયરી પોતાની આબરૂ બચાવવામાં પડી છે અને કેવી રીતે સ્વતંત્રતા લોકો લે છે તે જુઓ. સમય રૈના નામનો એક સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. પાંચ- પચ્ચીસનું એના સમવયસ્કોનું ટોળું એકઠું કરી એ સ્ટેજ પરથી જોક્સ કહે છે અને વીડિયો બનાવી અપલોડ કરે છે. એક તો એ એવું મોં ખેંચીને બોલે છે કે માણસની જગ્યાએ નરપિશાચ લાગે અને જો વર્તનથી કોઇને ન લાગતો હોય તો એની વાણીથી એ જરૂર સેડીસ્ટ અર્થાત બીજાને દુ:ખ, યાતના, ત્રાસ આપીને આનંદ અનુભવનારો અને યૌન વાસનાની સંતુષ્ટિ કરનારો પરપીડનવૃત્તિ ધરાવતો જરૂર જણાય.
એના અણમોલ જોક્સનો એક નમૂનો જુઓ. એ કહે છે કે એક દિવસ એક રેલવે લાઇનની નજીક બાળકોનું એક ટોળું રમતું હતું. સમય રૈનાએ ત્યાં જઇ બબ્બે હજારવાળી નોટો બાળકો પર ઉછાળી. બાળકો તે પકડવા માંડ્યાં. એક નોટ ઊડીને રેલવે લાઇન પર ગઇ. એક બાળક તે લેવા દોડ્યો. એટલામાં ટ્રેન આવી ગઇ અને એ બાળક ટ્રેન નીચે આવીને કપાઇ ગયો. ત્યારે સમય રૈનાને થયું કે એના બે હજાર રૂપિયા વસૂલ થયા. આ હતો એનો પરપીડનમાં આનંદ મેળવવાનો જોક. આમાં હસવાનું ક્યાં આવ્યું? ધારો કે હસવાનું હોય તો પણ કયા ભોગે? એક બાળક મરી ગયો તેમાં એને પૈસા વસૂલ થયાનો ભાવ જાગ્યો. ઘણા ભૂતોની અને એ ભૂતોને સાંભળનારાઓની લાલચોળ થઇ જાય ત્યાં સુધી પોલીસે માર મારવો જોઇએ. સમય રૈના નામક પિશાચનો બીજી જોક સાંભળો. અહીંનું લખાણ જોકમાંના વારંવારના અશ્લીલ શબ્દો દૂર કરીને, સેનેટાઇઝ કરીને લખવામાં આવ્યું છે. મુંબઇમાં અને અન્યત્ર જન્મેલાં અમુક બાળકો સ્પાઇનલ મસ્કયુલર એટ્રોફીની બીમારી ધરાવતાં હતાં. તેઓની અસરકારક સારવાર માટે બાળક દીઠ રૂપિયા 16 કરોડની કિંમતનું એક ઇન્જેકશન જરૂરી હતું. ક્રાઉડ ફંડિંગ દ્વારા લાખો દયાવાન લોકોએ એ રકમ એકઠી કરી અને એ બાળકો બચી ગયાં. તેઓનાં નામ અહીં લખ્યાં નથી. હવે આ સમયે રૈના જોક કરે છે કે એક બાળક માટે 16 કરોડ રૂપિયા? આ રૂપિયા પોતાની પાસે રાખી લઇ, એ બાળકની માએ એના વર (બાપ)નો ગુપ્ત ભાગ (ખૂબ જ ગંદી ભાષામાં અમુકતમુક રીત વડે) સખત બનાવ્યો હોત તો બીજું બાળક મફતમાં મળી ગયું હોત અને 16 કરોડ રૂપિયા પણ મળી ગયા હોત.
એનો અર્થ એ કે જે ખામીયુક્ત બાળકો જન્મ્યાં હતાં તેને મરી જવા દેવા હતા. છે કોઇ મા-બાપની લાગણીનો ખ્યાલ? છે કોઇ દયાળુ લોકો અને આમ લોકોની માનવતાનો ખ્યાલ? સરકારો અને રાજકીય પક્ષોના કાર્યકરો એવા કિસ્સામાં પ્રદર્શનો કરે, રસ્તા પર ઊતરી આવે તો સારા લાગે પણ જ્યાં સુધી નેતાનું વ્યક્તિગત અપમાન ન થાય ત્યાં સુધી તેઓને દેશમાં બધું બરાબર લાગે છે. ગમે તેવા હાલીમવાલીઓને યુટ્યુબ જેવું પ્લેટફોર્મ મગજમાંના મળ પ્રદર્શિત કરવા માટે મળી જાય છે. આ સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા જેવા લોકો, મા-બાપની રતિક્રડામાં સામેલ થવાની વાતો કરે છે. આ તો પૈસા મેળવવા માટે પ્રોસ્ટીટ્યુશનને પણ લાંઘી ગયા. આવા અનેક યુટ્યુબરો ફાટી નીકળ્યા છે. યુવતીઓ જીન્સ પહેરીને સ્ટેન્ડ-અપ કોમેડી કરે છે. તેમાં વારંવાર મા-બાપ, ભાઇ-બહેન અને બીજાનાં ગુપ્તાંગોનો વારંવાર ઉલ્લેખ કરવો તેનું નામ કોમેડી. તેઓની સામે હસનારાઓની હાસ્યવિષયક સમજ એ અંગોનાં નામના ઉલ્લેખ પૂરતી મર્યાદિત હોય છે. રણવીર બાદ હવે સ્વાતિ સચદેવા નામની સ્વરૂપવાન જણાતી કુમળી યુવતીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. એનો એક વીડિયો વાયરલ થયો, જેમાં એ કહે છે કે, ‘એક રાત્રે મારી રૂમમાં મારી મા અચાનક આવી ગઇ અને મને વાઇબ્રેટરનો ઉપયોગ કરતી જોઇ ગઇ. એ ચૂપચાપ બહાર જતી રહી. બીજા દિવસે સવારે મારી પાસે આવી. મને એમ કે મને ઠપકો, શિખામણ આપશે પણ માએ આવીને મને કહ્યું તું મને થોડો વખત એ વાઇબ્રેટર વાપરવા આપીશ?
શું આવા કોમેડિયનોને મા-બાપ, ભાઇ-બહેન નહીં હોય? કે પછી અમેરિકન કોર્પોરેટર કંપનીઓ દ્વારા મળતાં નાણાં સામે તેઓએ શરમ ગિરવે મૂકી દીધી હશે? અગાઉ જનતા કહે તે અગાઉ સરકારો પગલાં ભરતી હતી. હજી પણ ભરે છે. જ્યાં પોતાને તકલીફ પડે ત્યાં પણ લોકોની ભાવનાઓ, ઇચ્છાઓને આદર આપીને અગાઉથી પગલાં ભરતી નથી.

